આધુનિક સુવિધાસભર અને શહેરના જોવાલાયક સ્થળોમાં ગણના ધરાવતુ સ્મશાન ધીરે-ધીરે કંગાળ હાલતમાં પરાવર્તિત થયું જાય છે. ઇલેકટ્રીક સ્મશાનનું અવાર-નવાર બંધ હોવુ, કંડબમાં ફેરવાયેલ જુનુ સ્મશાન તેમજ વિસામા માટે બનાવાયેલ વિસામાગૃહમાં અપર્યાપ્ત સુવિધાઓથી માંડી ઉભરાતા જાજરૂ અને ગંદકી હાલ જોવાલાયક સ્મશાનની ઓળખ બની ગઇ છે. એક સમયે ઓળખ બની ગયેલા સ્મશાનની દુદર્શા વધતા અગ્રણી વકીલે આ બાબતે ઘટતુ કરવા રાજયના મંત્રીને તાકીદ કરી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ આ લોકવાયકા હિન્દુ ધર્મમાં સદીઓથી પ્રર્વતે છે. જેમાં થોડો ફેરફાર કરી જામનગરને છોટી કાશી ગણી આ કહેવત સાથે જોડી દેવાયું છે.કેમ કે, મહાવીર સમાજ સેવક દળ ટ્રસ્ટ દ્વારા શહેરના સ્મશાનમાં જુદા-જુદા હિન્દુ ધાર્મિક પ્રસંગોને વણીને બનાવેલા ડોમ્બ, દેવી-દેવતાઓની ઉપદેશ આપતી ભૂમિકામાં પ્રતિમાઓ, ઉપરાંત ઇલેકટ્રીક સ્મશાન આ તમામ બાબતોને કારણે શહેરનું સ્મશાન જોવાલાયક સ્થળોની યાદીમાં સમાવેશ પામ્યું. પણ કારણ ગમે તે હોય આ સુવિધા જોવાલાયક નજારો ધીરે-ધીરે ખૂદ મૃત્યુ તરફ ધકેલાતા જયાં મરવાનું મન થાય ત્યાં આવવાનું પણ મન ન થાય તેવી સ્થિતિ આકાર લઇ રહી છે. રીપેરીંગના બહાને અવાર-નવાર બંધ કરી દેવાતી ઇલેકટ્રીક સગડીઓ (સ્મશાન)ને કારણે વખતો-વખત અર્થીઓની લાઇનો લાગી જાય છે.
જીવતા તો ઠીક મર્યા પછી પણ અંત્યેષ્ઠિ માટે લાઇનો લગાવવી પડે એ શહેરીજનોની કરૂણા જ કહેવાય. આ સ્થિતિ વચ્ચે અમુક ડાઘુઓ તો અહીંથી વેચાતા મળતા બળતણ ખરીદી પરંપરાગત રીતે પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરે છે. પરંપરાગત સ્મશાનમાં મુકાયેલ લોખંડની ખાટલીઓ વચ્ચેથી ખોખરી થઇ જતાં ડાઘુઓ પોતાના સ્વજનની અંત્યેષ્ઠિ પણ બરોબર નથી કરી શકતા. ઉપરાંત ઉપરની છાપરીઓ કંડબ બની જતા ચોમાસામાં તો વીજ સ્મશાનગૃહ જ એકમાત્ર વિકલ્પ બની જાય છે. આવા સમયે ડાઘૂઓને ફરજિયાત ચાર-પાંચ કલાક લાઇન લગાવવી જ પડે છે. અંત્યેષ્ઠિ બાદ નનામી પરના પવિત્ર વસ્ત્રોને જેમ-તેમ ફેંકી દઇ ડાઘૂઓની લાગણી સાથેનો રીતસરનો ખેલ થઇ રહયો છે. બીજી તરફ કચરાઓના ઢગલાઓ વચ્ચે ગંદગીનું પ્રમાણ વધી ગયું છે.
જાજરૂઓની અનિયમિત સાફ-સફાઇના કારણે તેમાં પગ પણ મુકી શકાતો નથી. સરકારી ગ્રાન્ટોમાંથી મુકાયેલી સીમેન્ટની બેન્ચો પર માટી વાળી દેવામાં આવી છે. આ તમામ અગવડતાઓને કારણે જોવાલાયક સ્મશાનગૃહ કડંબ ગૃહ બનતુ જાય છે. ઉત્સાહપૂર્વક જોવા આવતા મુલાકાતીઓ અહીંની અવ્યવસ્થા નિહાળી ધરમનો ધકકો થયાની ભાવના સાથે પરત જાય છે. શહેરીજનોની અજાગૃતતા અને સરકારની દ્રષ્ટિ તથા ટ્રસ્ટી મંડળના આંખ આડા કાનના કારણે હાલ સ્મશાન સમસ્યાઓનું ઘર બની ગયું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, વહીવટદારો સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપે છે કે પછી દુવીધાઓમાં વધારો કરે છે ? આ બાબતે શહેરના અગ્રણી વકીલ શ્રેણીક મહેતાએ ધ્યાન દોરી તમામ અગવડતાઓ દૂર કરવા માંગણી કરી છે.
સ્મશાનની ઉપરની છાપરીઓ તો તૂટી જાય તો એટલી દુવીધા ન થાય પણ જયાં અંતિમ સંસ્કાર કરાય તે લોખંડની ખાટલીઓનો વચ્ચેનો ભાગ જ તૂટી ગયો છે. જેથી દેહના અડધા અધુરા જ અંતિમ સંસ્કાર થતાં હોવાથી ડાઘૂઓની સ્વજનો પ્રત્યેની લાગણી દુભાઇ રહી છે.
જેઠાભાઇ ઝવેરચંદ પાટલીયા પરિવાર દ્વારા અને અન્યના ડોનેશનથી આ જગ્યાએ એક ઇલેકટ્રીક સ્મશાન બનાવેલ છે તે લાંબા સમયથી બંધ છે. આ સ્મશાન વહેલી તકે ચાલુ કરાવવા તથા આઝાદી પૂર્વે જુના નાગનાથ ગેઇટ પોલીસ ચોકી સામે, જૈનો માટેના અલગ સ્મશાન પણ પુન: કાર્યરત કરવું જોઇએ એમ મહેતાએ રજૂઆતમાં જણાવ્યું છે.
AI/RP
Reader's Feedback: