નવસારી નજીક આવેલી પુર્ણા નદી ઉપર નવા બનતા પુલ પાસે ન્હાવા માટે ગયેલા ચાર સૌરાષ્ટ્રવાસી કિશોરો ડુબી જતા મૃત્યુ પામ્યા હતા. જેને લઇને વાતાવરણમા ગમગીન ફેલાઇ ગઇ હતી.
મળતી માહિતી અનુસાર નવસારી શહેરના શાંતાદેવી રોડ પર રહેતાં મેહુલ જયંતિલાલ ગડારા, જય મહેશભાઈ સોરઠીયા, દિવ્યેશ ધીરૂભાઈ આદરોજા અને દિવ્યેશ જયેશભાઈ દલસાણીયા તેમજ જલાલપોર ગાયત્રી મંદિર પાસે, શેઠજી વકીલની ચાલ ખાતે રહેતાં સંકેત હસમુખભાઈ વાઘેલા, ધો. ૧૦માં અભ્યાસ કરતાં હતાં. બોર્ડ દ્વારા યોજાયેલી ધો. ૧૦ની ફાઈનલ પરીક્ષા પણ આ પાંચેય મિત્રોએ આપી હતી અને હળવાશના મૂડમાં હતાં.પાંચેય મિત્રોએ આજે નિર્મળ મસ્તી આનંદ માટે તેમજ ગરમી ભગાડવા માટે પૂર્ણા નદીમાં ન્હાવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો.
બપોરે બેએક વાગ્યાના સુમારે તેઓ પગપાળા જ શાંતાદેવી રોડથી નીકળી બંદરરોડ થઈ તવડી રેલવે બ્રીજ પાસે પહોંચ્યા હતાં. જ્યાં દિવ્યેશ દલસાણીયાએ કિનારે જ રહેવાનું પસંદ કર્યું હતું અને અન્ય ચાર મિત્રોએ મસ્તી કરતાં કરતાં પૂર્ણા નદીમાં ઝંપલાવી દીધું હતું. જો કે બ્રીજ બનાવવા પીલર માટે જે ખાડા ખોદાયા છે તેમાં આ ચાર યુવાનો ફસાયા હતાં અને ડુબવા લાગ્યા હતાં.
આ સમગ્ર વિસ્તાર નિર્જન હોઈ દિવ્યેશ બૂમાબૂમ કરતાં બ્રીજનું કામ ચાલુ હતું ત્યાં પહોંચ્યો હતો અને ત્યાંના કારીગરોને પોતાના મિત્રો ડુબી રહ્યાં હોવાની જાણ કરી હતી. રેલવે બ્રીજનું કામ કરતાં કારીગરો દોડીને ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને ચારેય કિશોરોની શોધખોળ શરૂ કરાઈ હતી.ફાયર બ્રીગેડ અને સ્થાનિક તરવૈયાઓએ બંદરરોડ ખાતેથી નદીમાં ઝંપલાવ્યું હતું અને મોડી સાંજ સુધીમાં ચારેય મૃતદેહો મળી આવતા વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.
CP/RP
Reader's Feedback: