કલર્સની સૌથી લોકપ્રિય અને વધારે ટીઆરપી ધરાવતી સિરિયલ ‘બાલિકાવધૂ’ નું મુખ્ય પાત્ર ત્રીજીવાર બદલાઇ ગયું છે. પહેલા અવિકા ગોર આપણને નાની બાળ આનંદીના રૂપમાં જોવા મળી હતી, ત્યારબાદ પ્રત્યુષા બેનર્જીનું પાત્ર આવ્યું. તે સમયે તેના પાત્રને દર્શકોએ ખૂબ જ સરળતાથી સ્વીકારી લીધું કારણકે તેની પાછળનું કારણ તેને યુવાનવયની દર્શાવવામાં આવી હતી. હાલમાં તરત જ પ્રત્યુષાના પાત્રને બદલી નાખવામાં આવ્યું છે, તેમાં કોઇ ઉંમરનો ફેરફાર કારણરૂપ નથી. હાલ આનંદીના પાત્રમાં જોવા મળી રહેલી તોરલ રાસપુત્રા મેધા પંડ્યા ભટ્ટ સાથે પોતાના નવી સિરિયલના અનુભવોને જણાવે છે.
પ્ર: આ પાત્ર મળ્યું ત્યારે કેવી લાગણી થઈ હતી?
જ: આ પાત્ર મળ્યું એ માટે હું ખૂબ જ ખુશનસીબ છું. આ પાત્ર બધી જ સિરિયલોની યાદીમાં ખૂબ જ લોકપ્રિય રહ્યું છે અને મને તેના માટે પસંદ કરવામાં આવી તે મારા માટે નસીબની જ વાત છે.
પ્ર: આ પાત્ર કેવી રીતે મળ્યું?
જ: આ પાત્ર ભજવનાર પ્રત્યુષાને આ શો છોડવો હતો અને તે અંગેની વાતચિત ઘણા સમયથી ચાલતી હતી. મને અગાઉ તેના માટે કહ્યું હતું, તેનું શો છોડવાનું નક્કી થતા જ મને તેમાં મુખ્ય પાત્રમાં લઇ લેવામાં આવી.
પ્ર: તમે મૂળ ગુજરાતી છો. ગુજરાત વિશે, અહીંના લોકો વિશે શું માનો છો?
જ: હું મૂળ તો કચ્છના અંજારની છું, પરંતુ મારો ઉછેર મુંબઇમાં થયો છે. મને ગુજરાત પ્રત્યે અને અહીંના લોકો પ્રત્યે ખૂબ જ લગાવ છે. ગુજરાતના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેમનો આવકાર ખૂબ જ મીઠો હોય છે. મહેમાનગતિ માણવી હોય તો ગુજરાતની જ માણવી જોઇએ.
પ્ર: તમારી પ્રિય ફિલ્મ અને પ્રિય અભિનેત્રી કઈ છે?
જ: મને સ્મિતા પાટીલ ખૂબ જ ગમે છે, તેમની એક્ટિંગમાં જે ગંભીરતા છે તે બીજી અભિનેત્રીઓમાં ખૂબ ઓછી જોવા મળશે. મને તેમની ફિલ્મ અર્થમાં તેમનું પાત્ર ખૂબ જ ગમ્યું હતું અને મને જ્યારે પણ તક મળે તો હું તે પાત્ર ભજવવા માટે તત્પર રહીશ. મને ફિલ્મ તો ‘દિલવાલે દુલ્હનીયા...’ ગમે છે. હું રોમેન્ટિક ફિલ્મો જોવાનું પસંદ કરું છું. આ ફિલ્મ મેં કેટલીવાર જોઇ છે તે મને જ ખબર નથી.
પ્ર: આપની ફેવરિટ વાનગી કઈ છે?
જ: મને ગુજરાતી વાનગીઓ તો ભાવે જ છે સાથે જ હું પંજાબી ફૂડ ખાવાની પણ શોખીન છું. મને બિરીયાની અને પનીર ટીક્કા મસાલા ખૂબ જ ભાવે છે.
પ્ર: શું પ્રત્યુષાના પાત્ર આનંદીને તમે પૂરતો ન્યાય આપીને તમારું સ્થાન દર્શકોના મનમાં સ્થાપી શકશો?
જ: થોડું મુશ્કેલ રહેશે પણ મને આપણા દર્શકો પર વિશ્વાસ છે કે તેઓ મને જરૂરથી સ્વીકારશે. મારા માટે આ પાત્ર થોડું પડકારરૂપ તો છે જ પણ હું મારા કામથી લોકોના મનમાં મારું સ્થાન મેળવી લઇશ.
MPB / KP
Reader's Feedback: