હિન્દી ફિલ્મો હવે સધર્નની રિમેક બની રહી છે. તમિલ અને તેલુગુ ફિલ્મોની હિન્દી રિમેક ખૂબ જ હીટ થઇ રહી છે, તે દેખીતી વાત છે. હવે ફક્ત સધર્ન ફિલ્મો જ નહી પણ સધર્ન ડાયરેક્ટરો પણ હિન્દી ફિલ્મો બનાવવાની હોડમાં સામેલ થઇ રહ્યા છે. પ્રભુદેવા, મણીરત્નમ અને કમલહાસન તો આ લિસ્ટમાં પહેલાથી જ છે સાથે જ હવે તમિલ ફિલ્મોના ડાયરેક્ટ સુશી ગણેશન પણ બોલિવૂડમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ડાયરેક્ટર સુશી ગણેશન તમિલ ફિલ્મોનું એક એવું નામ છે કે જેમણે સફળ ફિલ્મો આપીને પોતાની એક અલગ છબી ઊભી કરી છે. અત્યાર સુધીમાં તેમણે ચાર ફિલ્મો બનાવી છે અને ચારેય ફિલ્મો ખૂબ સફળ રહી છે. સુશી ગણેશન પોતાની જ તમિલ ફિલ્મની હિન્દી રિમેક ‘શોર્ટકટ રોમિયો’ દ્વારા બોલિવૂડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકેની એન્ટ્રી કરી ચૂક્યા છે. તેમના અનુભવો અને બોલિવૂડ તરફની તેમની દિશા વિશે તેમની સાથેની ખાસ વાતચીતનાં અંશ...
પ્ર : બોલિવૂડમાં સ્વતંત્ર ફિલ્મકાર તરીકેની એન્ટ્રી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. આ પહેલા ક્યારેય કોઇ હિન્દી મૂવિ કોઇની સાથે ડાયરેક્ટ કરી છે?
જ : ક્રિએટીવીટી દેખાડવામાં માટે કોઇપણ ભાષામાં ફિલ્મો બનાવી શકાય છે. હવે બોલિવૂડના ડાયરેક્ટર્સ પણ સાઉથની ફિલ્મોની રીમેક બનાવી રહ્યા છે. જોકે આ મારા માટે ખૂબ નવો અને સારો અનુભવ રહ્યો કારણકે પહેલીવાર મેં સ્વતંત્ર રહીને કામ કર્યું છે. આ પહેલા હું ‘બોમ્બે’ અને ‘દિલ સે’ ફિલ્મમાં મણિરત્નમજી સાથે એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છું. એટલે તમે એમ કહી શકો કે બોલિવૂડ સાથે મારે ઘણો જૂનો રિલેશન છે.
પ્ર : તમિલ ફિલ્મોમાં તો તમે સફળતા મેળવી જ છે, તો હિન્દી ફિલ્મો તરફના વળાંકનો વિચાર કેવી રીતે આવ્યો?
જ : તમિલ ફિલ્મોમાં મેં અત્યાર સુધીમાં જે પણ કાર્ય કર્યું તેમાં મને સફળતા મળી છે. લોકોએ મારા કામના ખૂબ વખાણ કર્યા છે. તેમ છતાંય વિસ્તારમાં રહીને કામ કરવાની અમારી પોતાની કેટલીક સીમાઓ છે. જો હું હજીપણ ત્યાં મારો એક દાયકો પસાર કરી નાખું તો હું આજે જ્યાં છું ત્યાં જ ભવિષ્યમાં પણ હોઇશ. હિન્દી સિનેમા તરફ આવવાનું કારણ એ કે અહીં તમને ખૂબ મોટો વિસ્તાર મળે છે. હિન્દી ફિલ્મોનો વિસ્તાર અને પહોંચ ખૂબ વિશાળ છે. હોલિવૂડ સુધી તે ફેલાયેલી છે. દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવાની ઇચ્છા રાખે છે. બોલિવૂડના લોકો હોલિવૂડ સુધી પહોચ્યા છે, તો અમે બોલિવૂડ સુધી તો વધવાની તૈયારી બતાવી જ શકીએ.
પ્ર : ‘શોર્ટકટ રોમિયો’ જે તમિલ મૂવિની રિમેક છે તેની સફળતાનું કારણ શું?
જ : હા, તેનું કારણ ફિલ્મની વાર્તા છે. જે સમાજ સાથે જોડાયેલી છે. શોર્ટકટ રોમિયો તમિલ ફિલ્મ ‘તિરુત્તુ પાયાલે’ની રિમેક છે. ખૂબ હાઇ સોસાયટીની મહિલા અને સડકછાપ ટપોરીની એકબીજા સાથેની જંગની વાત છે. શોર્ટકટ દ્વારા પૈસા મેળવવાના વિચારો ધરાવતા યુવાનની માનસિકતાની વાતને રજૂ કરવામાં આવી છે. જીવનમાં ક્યારેક કંઇક ખોટું કામ કરી બેસીએ તે આખી જીંદગી આપણો પીછો નથી છોડતી, એ વાતને અહીં રજૂ કરવામાં આવી છે.
પ્ર : શોર્ટકટ રોમિયો નામ શા માટે?
જ : સડકછાપ યુવકની વાત છે જેને રોમિયો પણ કહેવાય છે. હિરો શોર્ટકટ દ્વારા પૈસા મેળવવા માટે એક પરિણીત પૈસાદાર યુવતીનું અપહરણ કરી બ્લેકમેઇલિંગનો પ્લાન કરે છે. કોઇની પત્ની પર ખરાબ નજર રાખનારને રોમિયો કહેવાય. એટલે આ ફિલ્મનું નામ બંને બાબતોને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યું છે.
પ્ર : તમિલ સિનેમામાંથી હિન્દી સિનેમામાં દાખલ થયા તે સમયે કોઇ મુશ્કેલી પડી ખરી?
જ : ભાષા સિવાય અહીં કોઇ તકલીફ પડી નથી. સાચુ કહું તો હિન્દી સિનેમામાં કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. અહીં લોકોની સાથે કામ કરવાથી મિત્રભાવ હોય તેવી લાગણી થાય છે. અમારે ત્યાં જે ટેક્નિશીયન કે સપોર્ટિંગ સ્ટાફ હોય છે, તેઓ ખૂબ સંકોચાઇને રહેતા હોય છે, જે અહીં નથી. અહીં તમારા જૂનિયર પણ તમારી બાજુમાં ઊભા રહી જાય છે. ખૂબ ફ્રેન્ડલી વાતાવરણ છે. આવા વાતાવરણમાં તમે દરેકના વિચારોને જાણી શકો છો અને તેમાંથી કંઇક નવી જ વસ્તુ બહાર આવે છે. મારા માટે આ પરિવર્તનનો સમય હતો અને મને તેનો ખૂબ લ્હાવો મળ્યો.
પ્ર : ઓરિજીનલ ફિલ્મ કરતા આ ફિલ્મ કેટલી જૂદી છે?
જ : ફિલ્મના ભાવને જાળવી રાખવામાં આવ્યો છે. પણ તેને બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મને દરેક વખતે કંઇક નવું કરવામાં આનંદ મળે છે. હું નકલ કરવામાં માનતો નથી. જૂની વાર્તા હોવા છતાંય આ ફિલ્મ તમને અલગ લાગશે. હું વ્યક્તિગત રીતે કહું તો ઓરિજીનલ તમિલ ફિલ્મ કરતા હિન્દી રિમેક વધારે સારી બની છે. તમિલ ફિલ્મમાં જે ખામીઓ રહી ગઇ હતી તેને હિન્દી ફિલ્મમાં સુધારવાની તક મળી છે.
MPB / KP
Reader's Feedback: