રાજકોટમાં વધી રહેલા ક્રાઈમ રેટમાં વધુ એક ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. શહેરના કાલાવડ રોડ ઉપર ખાનગી હોસ્પીટલમાં દાખલ બહેનની ખબર કાઢવા ગયેલ પટેલ વેપારી અને તેના મિત્ર ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી એક રાઉન્ડ ફાયરીંગ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને હુમલાખોરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.
શહેરના પેડક રોડ ઉપર રહેતો અને સંત કબીર રોડ ઉપર સોનાનો શોરૂમ ધરાવતા અને બિલ્ડીંગ ક્ષેત્રે વ્યવસાય ધરાવતા મહેશભાઈ કનુભાઈ ડોબરિયા નામનો પટેલ યુવાન અને તેનો મિત્ર બહેનને કાલાવડ રોડ ઉપર એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હોય પોતાની કાર લઈને ત્યાં ખબર કાઢવા માટે ગયા હતા. બહેનની ખબર કાઢીને હોસ્પિટલ બહાર નીકળ્યા ત્યારે શહેરના બેડીપરા વિસ્તારમાં રહેતો અને વ્યાજ વટાવના વ્યવસાય સાથે સંકળાયેલ શ્યામ ખીટ નામનો ભરવાડ યુવાન અને તેનો મિત્ર ત્યાં ધસી આવ્યા હતા અને મહેશ અને તેના મિત્ર ઉપર હુમલો કરી માર માર્યો હતો. તે ઉપરાંત મોંઘીદાટ કારમાં પણ તોડફોડ કરી અને એક રાઉન્ડ ફાયરીંગ કરીને ભયનો માહોલ સર્જી દીધો હતો.
ફાયરીંગ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી હુમલો કરીને હુમલ્ખોરો નાસી છૂટ્યા હતા ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા માલવિયાનગર પોલીસ , ડીસીપી , એસીપી તથા ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરોને પકડી પાડવા માટે નાકાબંદી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ ફરિયાદી મહેશ અને હુમલાખોર શ્યામ વચ્ચે અગાઉ પૈસાની લેતી દેતી મુદે માથાકૂટ થઇ હતી આ જૂની અદાવતનો ખાર રાખીને શ્યામ ખીટ અને તેના મિત્રે મળીને મહેશ ઉપર ફાયરીંગ કરીને હુમલો કર્યો હતો ઘટનાને પગલે શહેરભરનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને હુમલાખોરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
JJ/RP
Reader's Feedback: