મુંબઈમાં નરેન્દ્ર મોદીની રેલીમાં રાજ ઠાકરે હાજર રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી. તેમાં બહુ તથ્ય લાગતું નહોતું, પણ રાજકારણમાં કંઈ પણ શક્ય છે. નાસિકમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ગુજરાતીમાં પોસ્ટરો લગાવીને પ્રચાર કરી રહી છે. તેમાં નરેન્દ્ર મોદીની તસવીર પણ લાગેલી છે. રાજ ઠાકરે ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે પોતે નરેન્દ્ર મોદીને જીતાડવા માગે છે અને ભાજપ સાથે તેને કંઈ લાગે વળગતું નથી. ભાજપ સામે રાજ ઠાકરેએ ઉમેદવારો પણ ઊભા રાખ્યા નથી. ફક્ત શીવ સેનાના ફાળે આવેલી બેઠકોમાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.
આ સંજોગોમાં રાજ ઠાકરેને મુંબઈમાં નરેન્દ્ર મોદીની રેલીમાં હાજર રાખ્યા હોત તો ઉદ્ધવ ઠાકરેની શીવ સેના સાથેનું ભાજપનું ગઠબંધન મુશ્કેલીમાં આવી ગયું હોત. આ ગઠબંધન આમ તો મુશ્કેલીમાં જ છે અને લોકસભા પછી તે આગળ વધે તેવું લાગતું નથી. લોકસભાની ચૂંટણી પતે તે પછી થોડા મહિનામાં જ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. લોકસભાની ચૂંટણીના પરિણામોના આધારે જ આમ તો ગઠબંધનની નવરચના થશે, પણ જો શીવ સેનાની બેઠકો ઓછી થઈ તે સંજોગોમાં રાજ ઠાકરે સાથે ભાજપ દોસ્તી કરી લેશે તેમાં કોઈ શંકા રહી નથી. તે વખતે ઉદ્વવ ઠાકરેને પણ ભાજપમાં રાખવા કે કેમ તેનો નિર્ણય રાજ ઠાકરેની મરજી પર હશે તેવું બની શકે છે.
મુંબઈની રેલીમાં નરેન્દ્ર મોદી સાથે ઉદ્વવ ઠાકરે જ આખરે હાજર રહ્યા. રાજ ઠાકરેની ગેરહાજરીની નોંધ લેવાઈ. તે રીતે જ નીતિન ગડકરીની ગેરહાજરીની પણ નોંધ લેવામાં આવી. રાજ ઠાકરે અને નીતિન ગડકરી બંનેની ગેરહાજરીનું કારણ ઉદ્ધવ ઠાકરેની નારાજગી હતી. રાજ ઠાકરે સાથે વાતચીત કરવાનું કામ નીતિન ગડકરીએ કરી હતી. ગડકરી ખાનગીમાં રાજ ઠાકરેને મળ્યા હતા. ઉદ્ધવ તેનાથી નારાજ થયા હતા, પણ તેઓ ગઠબંધન તોડી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ કરતાંય તેમની પોતાની મજબૂરી વધારે છે.
બીજી બાજુ ભાજપ પણ આ ચૂંટણીમાં કોઈ પ્રયોગો કરીને જોખમ લેવા માગતું નથી. રાજ ઠાકરે સાથે હાથ મીલાવવામાં બે મુશ્કેલી હતી. બાલાસાહેબ ઠાકરેના અવસાન પછી શીવ સૈનિકો હવે શું નિર્ણય કરે છે તે જોવાનું બાકી છે. બે ભાઈમાંથી કોને નેતા તરીકે પસંદ કરવો તે આ ચૂંટણીમાં નક્કી થઈ જશે. ત્યાં સુધી ભાજપે રાહ જોવી જરૂરી છે. હિન્દુ હૃદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરેનો વારસો પોતાને પણ મળે તેવી ઈચ્છા નરેન્દ્ર મોદીની હોય. તે માટે તેમણે હાલ પૂરતું બાલા સાહેબની પાર્ટી ગણાય તેની સાથે દોસ્તી રાખવી પડે. મુંબઈની સભામાં પણ બાલાસાહેબ ઠાકરેના પોસ્ટરો લગાવાયા હતા. ભાજપની અને નરેન્દ્ર મોદીની એ ગરજના સહારે જ ઉદ્ધવ ઠાકરે અત્યારે તરી રહ્યા છે. લોકસભા બેઠકોમાં જો સારો દેખાવ થાય અને તરાપો કિનારે પહોંચી જાય તો ઉદ્વવ ઠાકરે માટે આગળની સફર કરવાની તક રહે છે.
તેમ નહીં થાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં નવા પરિમાણો ઊભા થવાની શક્યતા છે. તેમાં અણધાર્યું પરિમાણ ઊભું થઈ શકે છે. શરદ પવાર સતત નિવેદનો બદલી રહ્યા છે. તેમણે યુપીએ-3, જો રચાય તો, તેમાં કોઈ હોદ્દો ના લેવાની સ્પષ્ટતા કરી છે. આમ તો લોકસભાની ચૂંટણી પહેલાં જ તેમણે જાહેરાત કરી દીધી હતી કે પોતે હવે ચૂંટણી લડવાના નથી. તેથી હોદ્દો ના લેવાની વાત બરાબર છે, પણ સાથોસાથ તેમણે સંજોગો ઊભા થાય તો ત્રીજા મોરચાનો સાથ પણ લઈ શકાય તેમ કહ્યું છે.
આમ તો વ્યવહારુ વાત છે કે સંજોગો પ્રમાણે નિર્ણયો લેવાના હોય છે, પણ શરદ પવાર પોતાના પત્તા વારેવારે બદલી રહ્યા છે. હાલમાં જ મનોહર જોષીએ એક વાત કરી તે પણ સૂચક છે. તેમણે કહ્યું કે શરદ પવાર ઉદ્વવ ઠાકરે સાથે જોડાણ કરવા તૈયાર હતા. ઉદ્વવના કહેવાથી પોતે શરદ પવારને મળ્યા હતા અને વાતચીત કરી હતી. જોકે પાછળથી કોઈ કારણ શરદ પવાર ફરી ગયા તેમ જોષીનું કહેવું છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપી અને શીવ સેનાનું જોડાણ થાય તે આમ તો માની શકાય તેવું નથી. પવાર અને બાલાસાહેબ ઠાકરેની દોસ્તી જાણીતી હતી. તેઓ મિત્રો તરીકે ઘણી વાર મળતા, પણ રાજકીય ગઠબંધન તેમના માટે શક્ય નહોતું, કેમ કે તદ્દન ઊંધા છેડાની રાજનીતિ તેઓ કરી રહ્યા હતા. એનસીપી ભાજપ સાથે જોડાણ કરી નાખે તે વધારે શક્ય લાગે છે. હવે ભાજપ સાથે એનસીપી જોડાય તે સંજોગોમાં કોઈ એક સેના તેમાં સાથે આવવાની જ. ઉદ્વવ એનડીએમાં ટકી ગયા તો ઉદ્વવ મહાયુતીમાં સાથે રહેવાના. જો ઉદ્વવ ગયા તો રાજ ઠાકરે તેમની જગ્યા લેશે. તે સંજોગોમાં ભાજપ-મનસે અને એનસીપી ભાગીદાર થાય.
આવી ભાગીદારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં થઈ શકે છે. એનસીપી શાસનમાં ભાગીદાર છે, પણ જૂનિયર પાર્ટનર તરીકે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં હજીય મોટો પક્ષ છે. પવાર પોતાના વારસદારો માટે એવી સ્થિતિ મૂકી જવા માગે છે, જ્યાં કોંગ્રેસ નાનો પક્ષ હોય અને એનસીપી મોટો પક્ષ હોય. પોતાના જોરે તે થઈ શકે તેમ નથી ત્યારે ભાજપ સાથેની મહાયુતીમાં જોડાઈને તે કરી શકાય. એક વાર કોંગ્રેસનું ધોવાણ થાય ત્યારે ભવિષ્યમાં એનસીપી અને કોંગ્રેસ ફરી ભાગીદાર બને અને ત્યારે કોંગ્રેસ જૂનિયર સાથીદાર હોય તેવી લાંબી ગણતરી શરદ પવારની છે. એ લાંબી ગણતરી માટેનો પીંડ મહારાષ્ટ્રમાં અત્યારે લોકસભાની ચૂંટણી વખતે જ બંધાઈ રહ્યો છે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: