
પ્રિયંકા ગાંધીએ રાબેતા મુજબ જ પોતાનો પ્રચાર અમેઠી અને રાયબરેલી પૂરતો મર્યાદિત રાખ્યો છે. આ અમારા પરિવારની બેઠકો છે અને હું મારી માતા અને ભાઈ માટે જ પ્રચાર કરીશ એવી સ્પષ્ટતા પ્રિયંકા ગાંધીએ કરી હતી. વચ્ચે વચ્ચે એવા અહેવાલો આવ્યા કે કદાચ પ્રિયંકા લાર્જર ભૂમિકા અદા કરે. કદાચ અન્ય વિસ્તારોમાં પણ પ્રચાર કરે. યુપીમાં અથવા વારાણસીમાં પ્રચાર કરે અથવા તો કોંગ્રેસ માટેની કેટલીક ક્રુશિયલ બેઠકો પર ચક્કર લગાવે. આ પ્રકારની વાતોને હજી સુધી પ્રિયંકાએ સાચી પડવા દીધી નથી. હજી અઠવાડિયું બાકી છે, પ્રિયંકાનો પ્રવાસ ક્યાં સુધી લંબાશે તે કહી શકાય નહીં, પણ ફોર નાઉ, અમેઠી અને રાયબરેલી જ પ્રિયંકા પ્રચાર કરે છે.
એવા પણ અહેવાલો આવતા રહ્યા કે ભલે પ્રિયંકા બહાર પ્રચાર માટે ના નીકળે, પણ રાહુલ ગાંધીના નિવાસસ્થાને જઈને નિયમિત કોંગ્રેસ કેમ્પેઈનની કેર કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રચારને દીશા આપવા અને ધાર આપવા માટે પ્રિયંકા પ્રયાસ કરી રહ્યા છે તેવા અહેવાલો કેટલાક અખબારોમાં આવ્યા. તેને ડિનાઈ કરવામાં આવ્યા છે, પણ વાત અછાની રહે તેવી નથી. ખાસ કરીને પ્રિયંકાએ અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર શરૂ કર્યો અને કેટલાક મુદ્દાઓને ઉપાડ્યા તે પછી રાષ્ટ્રીય સ્તરે તેની ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સ્થિતિ એવી છે કે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીના નિવેદનોને વધારે સર્ક્યુલેશન મળી રહ્યું છે.
સૌથી ધ્યાન ખેંચે તેવી વાત રહી છે રોબર્ટ વાડ્રા માટે તેમણે કરેલો બચાવ. મારા પતિ અને મારા પરિવારને બદનામ કરવામાં આવે છે એમ કહીને પ્રિયંકાએ નરેન્દ્ર મોદીની સીધી ટીકા કરવાની હિંમત કરી છે. રાહુલ ગાંધી પણ છેલ્લા તબક્કામાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ વધારે આકરે નિવેદનો કરતા થયા છે, પણ પ્રિયંકાએ ટૂંકમાં પણ વધારે અસરકારક પ્રચારનો મારો ચલાવ્યો છે.
રોબર્ટ વાડ્રા દ્વારા જમીનોની સોદાબાજી કરીને 350 કરોડ રૂપિયાની કમાણી કરી લેવામાં આવી તે મુદ્દો એવો હોટ પોટેટો જેવો છે કે પ્રિયંકા ગાંધી કદાચ આ ચૂંટણીમાં પોતાને અમેઠી અને રાયબરેલી પૂરતા જ મર્યાદિત રાખશે એમ વિશ્લેષકો કહેતા હતા. પ્રિયંકાએ તેમને ખોટા પાડ્યા છે. પ્રિયંકાએ આ ઈશ્યૂને સીધો ફેસ કરવાનું નક્કી કર્યું છે.
આ વાત અગત્યની છે, કેમ કે પ્રિયંકાએ કોંગ્રેસને કનડી શકે તેવા આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય તે રીતે બચાવ કર્યો છે. કોંગ્રેસના નેતાઓ બચાવ કરતા હતા ત્યાં સુધી બરાબર છે, પણ પ્રિયંકા અને ગાંધી પરિવાર તરફથી આ મુદ્દે મૌન જ રાખવામાં આવ્યું હતું. તેના બદલે પ્રિયંકાએ સીધો જ સામનો કરવાનું નક્કી કરીને ઊંડા પાણીમાં ઉતરવાનું નક્કી કર્યું છે.
આપણે એવું કહી શકીએ કે શી હેઝ ટેસ્ટેડ ધ વોટર્સ. તળિયાનો તાગ મેળવવાની કોશિશ પ્રિયંકાએ કરી છે. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ફાઈટ આપવામાં નિષ્ફળ ગયા છે તેના કારણે કોંગ્રેસી કાર્યકરોમાં એક પ્રકારની હતાશા છે. નિરુત્સાહને કારણે કોંગ્રેસની કેમ્પેઈન જોર પકડી શકી નથી. પોતાના બચાવમાં હોય તેવા મુદ્દા પણ કોંગ્રેસ પ્રબળ રીતે પ્રગટ કરી શકી નથી.જોકે છેલ્લા બેએક દિવસમાં નરેન્દ્ર મોદી પર કોંગ્રેસી નેતાઓએ વાર કરવાનું શરૂ કર્યું છે અને સુરતમાં પકડાયેલા 1000 કરોડના હવાલા કૌભાંડનો મુદ્દો ઉપાડ્યો છે. ભાજપે રોબર્ટ વાડ્રાની સીડી ફેરવી તો કોંગ્રેસ હવાલા કૌભાંડના અફરોઝ ફટ્ટાની મોદી સાથેની તસવીરો સાથેની સીડી ફેરવી.
પ્રિયંકા પાછળ પ્રેસ વધારે ફરી રહ્યું છે. પ્રિયંકાએ તેમનું કામ સહેલું કરવા માટે એવો તોડ કાઢ્યો છે કે તેઓ સવારે પહેલી સભામાં જ પ્રચારના મુદ્દા કહી દે છે. ચેનલ્સ ક્રૂ એક વાર તે મુદ્દા રેકર્ડ કરી લે પછી બીજી સભાઓમાં તેમની પાછળ દોડ દોડ કરવાની જરૂર નહીં. બધી સભામાં પ્રિયંકા એ જ મુદ્દા રિપિટ કરે. મિડિયાને નિરાંત અને પ્રિયંકાને પણ નિરાંત કેમ કે સતત પાછળ દોડતી મિડિયા ટીમને કારણે લોકો સાથે ઈન્ટરેક્શન થઈ શકતું નથી.
પણ અગત્યની વાત એ છે કે પ્રિયંકાએ અન્ય મુદ્દાઓ પણ વિચારવા પડશે. અન્ય મુદ્દાઓની ચર્ચા પણ કરવી પડશે અને અન્ય મુદ્દાઓનો સામનો પણ કરવો પડશે. કોંગ્રેસ સામે છેલ્લા 60 વર્ષમાં ઊભા થયેલા બધા જ મુદ્દાને તેમણે હેન્ડલ કરવા પડશે. પ્રિયંકા તે માટે તૈયાર છે કે કેમ એ કહી શકીએ નહીં, પણ એટલું કહી શકાય કે તેમણે આ વખતે તળિયાનો તાગ મેળવાની કોશિશ કરી છે. શી હેઝ ટેસ્ટેડ વોટર્સ.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: