
આખી દુનિયામાં આપણે સૌથી મોટી લોકશાહી છીએ અને લોકશાહીના મહાપર્વ સમી ચૂંટણી આપણે ત્યાં નિયમિત રીતે યોજાય છે તેવી વાતો કરી કરીને આપણે પોરસાયા કરીએ છીએ પણ આ ચૂંટણીમાં જે ભવાઈ ભજવાઈ રહી છે તે જોઈ ખરેખર તો આપણું માથુ શરમથી ઝૂકી જવું જોઈએ. આ દેશમાં ગરીબી, મોંધવારી, બેકારી, બેફામ ભ્રષ્ટાચાર જેવી આપણને સાવ પિસી ને પીંખી નાખતી એકએકથી ચડિયાતી સમસ્યાઓ ઉભી છે ને આ ચૂંટણી તેના પર કેન્દ્રિત થવી જોઈએ તેના બદલે જેમના વચ્ચે વડાપ્રધાનપદની હોડ જામી છે તેવા બે નેતાઓનાં લગ્નની વાત પર આખો પ્રચાર કેન્દ્રિત થઈ ગયો છે.
કોંગ્રેસીઓ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જસોદાબેન સાથેનાં લગ્ન કેમ અત્યાર લગી છૂપાંવી રાખ્યાં એ મામલે ઉબકા આવે તે હદે ચૂંથાચૂંથ કરે છે તો ભાજપ વતી રામદેવે કોંગ્રેસના વડાપ્રધાનપદના બિનસત્તાવાર ઉમેદવાર રાહુલ ગાંધીનાં લગ્નની વાત છેડીને એ જ ધંધો શરૂ કરી દીધો કે જે કોંગ્રેસ અત્યાર લગી કરતી હતી. રામદેવ ભાજપના સભ્ય નથી પણ એ ભાજપથી અલગ પણ નથી. એ ભાજપના ઉમેદવારના પ્રચારમાં સભાઓ કરે છે ને ત્યાં જ તેમણે રાહુલ ગાંધી વિશે બેફામ લવારો કર્યો. દેશના બે મોટા રાજકીય પક્ષોના નેતાઓ રાષ્ટ્રના મુખ્ય મુદ્દાઓની વાત કરવાના બદલે એકતા કપૂરની સીરિયલમાં આવતાં ટીપીકલ કૂથલીખોર બૈરાં ને તેમનાથી પણ જાય તેવા સાવ પાવલીછાપ પુરૂષો જેવી વાતો કરે છે એ જોઈને ખરેખર આઘાત લાગે છે.
કોંગ્રેસ મોદીને નિશના બનાવીને જસોદાબહેન સાથેનાં લગ્નની વાત કરે છે. મોદીનાં લગ્નનો મુદ્દો એટલો અંગત છે કે તેની ચર્ચા પણ ના થાય. જસોદાબેન સાથેનાં લગ્ન થયાં ત્યારે મોદી 17 વરસના હતા ને એ જમાનામાં નહી પણ આજેય એક નાના ટાઉનમાં રહેતો 17 વરસનો છોકરો પરિવાર સામે ઝીંક ઝીલી જ ના શકે. મોદી એ દબાણ સામે ઝૂકી ગયા એ ચોક્કસ ખોટુ થયું પણ તેમણે જસોદાબેનને અન્યાય કર્યો ને એ બધી વાતો સાવ વાહિયાત છે. જસોદાબેન સાથે તેમણે લગ્નજીવન ભોગવ્યું નથી કે તેમની જીંદગીમાં દખલ કરી નથી. જસોદાબેન પુખ્ત થયાં પછી પોતાની રીતે જીંદગી જીવ્યાં ને ગૌરવભેર જીવ્યાં. એ પોતે પણ લગ્ન કરવા મુક્ત હતાં પણ તેમણે લગ્ન ના કર્યાં એ તેમની મરજી હતી. આ બે વ્યક્તિની અંગત વાત છે ને તેને દેશની મહિલાઓ કે તેમની સુરક્ષા સાથે જોડવાની જરૂર ખરી ? કોંગ્રેસે એ કર્યું છે ને હલકટાઈ બતાવી છે. બલ્કે બતાવી રહી છે.
બાબા રામદેવ મોદીને ખુશ કરવાના ઉત્સાહમાં વધારે પડતા તાનમાં આવી ગયા ને તેમણે જે કંઈ લવારા કર્યા તે સાંભળીને આઘાત લાગી ગયો છે. રાહુલને ભાંડવાના ઉત્સાહમાં તેમણે દલિત મહિલાઓને બજારૂ ને વેશ્યાઓના સ્તરે લાવી દીધી. રાહુલ દલિતોના ધરોમાં હનીમૂન મનાવવા જાય છે એવી વાત તમે કરો એટલે રાહુલને ગાળ પડે છે કે નહીં એ ખબર નથી પણ રાહુલ જેમના ઘરે રોકાયો એ દલિતના ઘરની મહિલાઓને ચોક્કસ ગાળ પડે છે. એ મહિલાઓ રાહુલ સાથે સૂઈ જતી ને સંબંધો બાંધતી એનો જ એનો અર્થ થાય. રામદેવને કોઈના વિશે પણ આવો અભિપ્રાય આપવાનો અધિકાર છે જ નહીં. હલકટ માણસે રામનું નામ બદનામ કરી દીધું. રામદેવ પોતાને ભારતીય સંસ્કૃતિના રક્ષક ગણાવે છે પણ તેમણે જે ગંદકી ઠાલવી તે સાંભળ્યા પછી લાગે કે આ હલકટ હવે પછી ભારતીય સંસ્કૃતિની વાત કરે તો તેને જાહેરમાં ચાર તમાચા ફટકારવા જોઈએ. જે માણસ ચાપલૂલી કરવા માટે સ્ત્રીઓ વિશે આવી વાત કરી શકે તે માણસ ભારતીય સંસ્કૃતિનો રક્ષક હોઈ જ ના શકે.
ભાજપના નેતાઓ આ મુદ્દે સાવ ચૂપ છે ને શાહનવાઝ હુસૈન જેવાએ તો ઉલટાનો રામદેવનો બચાવ કર્યો છે. ભાજપનું રામદેવની વાતને પૂરપુરૂ સમર્થન છે. અરૂણ જેટલીએ ચાર દિવસ પહેલાં ડહાપણ ડહોળેલું કે રાજકારણીઓએ અંગત પ્રહારો ના કરવા જોઈએ પણ રામદેવના પ્રહારો સામે એ કશું બોલતા નથી. તેમને રામદેવ રાહુલ સામે બોલે તેમાં વાંધો ના હોય તો સમજ્યા પણ રામદેવ દલિત મહિલાઓ વિશે આવી વાત કરે તે પણ તેમને વાંધાજનક ના લાગતું હોય તો એ લોકોના મનમાં આ દેશના દલિતો તરફ અને દલિત મહિલાઓ તરફ કેટલું માન છે તે સમજી લેજો. જો કે ભાજપનું વલણ જોઈ દુઃખ જરૂર થાય પણ આઘાત નથી લાગતો. જે પક્ષના નેતાઓ સાવ લંપટ ને એક સોળ વરસની નિર્દોષ છોકરીને પોતાની હવસનો શિકાર બનાવવા નિકળેલા આસારામ જેવા હલકટની દલાલી કરી શકતા હોય એ નેતાઓ રામદેવની વાતને ટેકો આપે તેમાં નવાઈ નથી.
ટૂંકમાં ને છેલ્લે એક વાત. બાબા રામદેવને રાહુલનાં લગ્નની આટલી ચિંતા છે ને તેના વિશે તેમણે ભાષણ ઝાડી દીધું પણ એ પોતે પોતાનાં લગ્નની વાત કેમ કરતા નથી ? બાબા રામદેવ 48 વરસના છે ને રાહુલ કરતાં પાંચ વરસ મોટા છે. તેમનાં લગ્નની ઉંમર ક્યારનીય વિતી ગઈ છે તો તેમણે કેમ લગ્ન ના કર્યાં ? રામદેવ બચાવમાં એવુ કહી શકે કે પોતે સંન્યાસી છે એટલે લગ્ન ના કરે. સવાલ એ છે કે એ સંન્યાસી તો ધર્મની સેવા કરવાના બદલે રાજકારણમાં કૂદીને લોકોની બદબોઈ શું કરવા કરે છે ? ને એક સંન્યાસી લગ્ન કર્યા વિના રહી શકે તો એક સંસારી ના રહી શકે ? ને રામદેવે રાહુલને સલાહ આપી છે કે તે કોઈ દલિત કન્યાને પરણે તો તેનું ભાગ્ય ઉઘડશે ને એ દેશનો વડાપ્રધાન બની જશે. રામદેવ પોતે કેમ પોતાનું ભાગ્ય ઉઘાડવા તૈયાર નથી થતા ?
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: