શહેરના કાલાવડ રોડ ઉપર કામદાર નર્સિંગ કોલેજની ઓફીસ ચાલી રહી છે. જયારે આ નર્સિંગ કોલેજ શહેરથી દુર હરીપર તરફ ચાલી રહી છે ત્યાં કોલેજમાં વિદ્યાર્થીનીઓનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાથી ત્રાસી ગયેલી વિદ્યાર્થીનીઓ દ્વારા ગઈકાલે હડતાલ પાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, ત્યારે આજે આ ઘટનાના 24 કલાક વીતી ગયા હોવા છતાં ટ્રસ્ટી તરફથી કોઈ જવાબ નહિ મળતા શોષણ કરનાર શિક્ષક અને વાઈસ પ્રિન્સીપાલ સહીત ત્રણેય મલયાલમ કર્મચારીઓને તાકીદે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે વાઈસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે દોડી ગઈ હતી એનએસયુઆઇ ના આગેવાનો પણ દોડી ગયા હતા અને આ અંગે ઉચ્ચ કક્ષાએ ફેક્સ કરી લડત લડવાની ચીમકી ઉચ્ચારી હતી.
શહેરથી દુર હરીપર તરફ જીવનના ઘડતરમાં ઉપયોગી થવા માટે કામદાર નર્સિંગ કોલેજ ચાલી રહી છે જેની મુખ્ય ઓફીસ શહેરના કાલાવડ રોડ ઉપર નેપ્ચ્યુઅન ટાવરમાં આવેલી છે કામદાર નર્સિંગ કોલેજમાં નર્સિંગના કોર્ષમાં 180 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે પરંતુ આ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ તેમજ શિક્ષક સહિતના ત્રણ મલયાલમ કર્મચારીઓ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા હોવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીનીઓ ગઈ કાલે મુખ્ય ઓફિસે ટ્રસ્ટીને રજૂઆત કરવા માટે દોડી ગઈ હતી અને ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ લડતના મંડાણ આપ્યા હતા.
ગઈકાલે રજૂઆત બાદ સાંજ સુધીમાં પગલા લેવાની ટ્રસ્ટી દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમ છતાં આ ઘટનાના આજે 24 કલાક પુરા થઇ ગયા પછી પણ કોઈપણ પ્રકારના પગલા લેવામાં નહિ આવતા આજે એનએસયુઆઇ આગેવાનોને સાથે રાખીને વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી વાઈસ ચાન્સેલરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોય અને વિરોધ દર્શાવવામાં આવતો હોવાની જાણ એનએસયુઆઇ ને કરવામાં આવતા વિદ્યાર્થીઓની વ્હારે આગેવાનો દોડી ગયા હતા અને વિદ્યાર્થીનીઓને સાથે રાખીને વાઈસ ચેન્સેલાર ને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી થતી હોય ત્યારે નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ અને બે શિક્ષક સહીત ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી.
નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્રારા શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવતા આ અંગે એનએસયુઆઇ આગેવાનો ઇન્ડિયન કાઉન્સિલ , ગુજરાત કાઉન્સિલ તેમજ અગર સચિવ સુધી ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવા ફેક્સ કરી ઉચ્ચ લેવલે રજૂઆત કરી ઉગ્ર લડત આપશે તેવું જણાવવામાં આવ્યું છે.
વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ અંગે કામદાર નર્સિંગ કોલેજના ટ્રસ્ટીએ પોતાનો લૂલો બચાવ કરી અત્યાર સુધી કોઈપણ પ્રકારનો હકારાત્મક જવાબ નહિ આપતા આ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી વાઈસ ચાન્સેલર મહેન્દ્ર પાડલીયા દ્વારા આપવામાં આવી છે. તપાસ કરીને દીકરીઓનું ભાવવી જોખમમાં ન મુકાય અને તેઓને ન્યાય મળે તે રીતે કામ કરવામાં આવશે તેવી વિદ્યાર્થીનીઓને ખાતરી આપી હતી.
JJ/RP
Reader's Feedback: