FILE PHOTO
સુરત :ઓલપાડ-ચોર્યાસીના ગામોમાં ગુજરાત સરકારે 'સર'નું ગેઝેટ બહાર પાડયા પછી લોકસભાની ચૂંટણીમાં વોટ બેન્ક પર થનારી અસરને લઇને ફફડી ઉઠેલી ભાજપ સરકારના ત્રણ-ત્રણ કેબિનેટ મંત્રીઓએ આજે ખેડૂતો સાથે ગાંધીનગરમાં બેઠક યોજી 'સર'નું જાહેરનામું કાયમ માટે રદ કરવાની ખાતરી આપી હતી.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં ગુજરાત સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલાં રદ કરેલ હજીરા સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (સર)નું ગેઝેટ પ્રસિધ્ધ કરી દેતાં ખેડૂત આલમમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ખાસ તો આ ગેઝેટમાં ઓલપાડ-ચોર્યાસીના ૧૫ ગામોની ફળદ્રુપ જમીન સંપાદન કરવાનું નિર્ણય લેતાં ખેડૂતોએ મોટાપાયે લડતનું રણશીંગુ ફુંક્યું હતું.
એક બાજુ લોકસભાની ચૂંટણી અને 'સર'ના મુદ્દે ભાજપના ગોલ્ડન કહી શકાય તેવા મતોવાળા ગામોમાં જ સર અમલ કરાવવાનો હોવાથી ફફડાટ વ્યાપી ગયો હતો. સામી ચૂંટણીએ મતોનો થતો રકાસ અટકાવવા માટે ભાજપનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને ગઇકાલ મંગળવારે ભાજપના ત્રણ ધારાસભ્ય આત્મારામ પરમાર, મુકેશ પટેલ અને રાજેન્દ્ર પટેલે ખેડૂતો સાથે બેઠક યોજી નિવેડો લાવવાની ખાતરી આપી હતી.
આજે ત્રણેય ધારાસભ્યોની આગેવાનીમાં ગાંધીનગર ખાતે સરનું આંદોલન ચલાવનારા જયેશ પટેલ તેમજ ખેડૂત આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતાં.ગાંધીનગર પહોંચ્યા બાદ ઓલપાડ- ચોર્યાસીના ખેડૂતો સાથે એક નહીં ત્રણ-ત્રણ કેબિનેટ મંત્રી આનંદીબેન પટેલ, સૌરભ પટેલ અને નીતિન પટેલે બેઠક યોજી હતી અને ખેડૂતો કોઇ પ્રશ્નનો મારો ચલાવે તે પહેલાં જ ત્રણેય મંત્રીઓએ સામેથી કહ્યું હતું કે, અમે તમારું સરનું જાહેરનામું રદ કરી દીધું છે પરંતુ હાલ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી પંચમાં મોકલવું પડશે.
આ માટે જરૃરી કામગીરી અને છેલ્લે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સહી થયા બાદ ચૂંટણીપંચમાં જે જાહેરનામું મોકલવાની નકલ હશે, તે નકલ તમને અપાશે.
CP/RP
Reader's Feedback: