ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૮મી મેના રોજ લેનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ ચુકી છે, ત્યારે મેડીકલ તેમજ પેરામેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની ઈન્ફર્મેશન બુકલેટ, યુઝર આઈડી, પાસવર્ડ, પીન નંબર વગેરેને લગતી તમામ માહિતી બોર્ડની વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થયા બાદ મેડીકલ અને પેરામેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફરજીયાત એવી ગુજકેટની પરીક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજકેટના પ્રશ્નપત્રમાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાનના કુલ ૧૨૦ પ્રશ્ન પુછવામાં આવશે. દરેક સાચા ઉત્તર માટે એક માર્ક મળશે, જ્યારે ખોટા ઉત્તર માટે ૦.૨૫ માર્ક કપાઈ જશે. આ પરીક્ષામાં પ્રશ્ન પુસ્તક અને ઓએમઆર ઉત્તરવહીનો કોડ નંબર એક જ રહેશે જે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ચકાસી લેવાનો રહેશે. પ્રશ્નપત્રના નંબરમાં કોઈ ફેરફાર જણાય તો વિદ્યાર્થીઓએ સુપરવાઈઝરનું ધ્યાન દોરી તેને બદલી દેવાનો રહેશે.
વિદ્યાર્થીએ બેઠક નંબર પ્રશ્ન પુસ્તક અને ઉત્તર પત્રક નક્કી કરેલી જગ્યાએ જ લખવાનું રહેશે. ગુજકેટની પરાક્ષામાં સામાન્ય કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉત્તરવહી કે પ્રશ્નપત્રના કોઈપણ ભાગ, કોઈપણ પરિસ્થિતિમાં અલગ કરી શકાશે કે વાળી શકાશે નહીં, આ ઉપરાંત વિદ્યાર્થીઓએ રફકામ પ્રશ્ન પુસ્તિકામાં આપવામાં આવેલ નિર્ધારીત જગ્યાએ કરવાનું રહેશે જ્યારે પુરવણીમાં છેકછાક માટે સફેદ સહીનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજકેટની પરીક્ષાનું પ્રશ્નપત્ર સોલ કરવા માટે વિદ્યાર્થીઓને ત્રણ કલાક આપવામાં આવે છે.
CP/RP
Reader's Feedback: