રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ૩૦મી એપ્રિલના રોજ યોજાવાનું છે. જેને ધ્યાનમાં રાખીને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફરજીયાત મનાતી ગુજકેટની પરીક્ષાના તારીખ પાછી ઠેલવવામાં આવી છે. જેથી હવે ગુજકેટની પરીક્ષા ૮મી મેના રોજ લેવામાં આવશે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં વિલંબ બાદ અંતે શિક્ષણ બોર્ડે ૨૭ એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્યારબાદ રાષ્ટ્રીય ચૂંટણીપંચ દ્વારા દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભાની બેઠકો માટે ૩૦મી એપ્રિલના રોજ મતદાન યોજવાની જાહેરાત કરાઈ છે જેના કારણે ગુજકેટની પરીક્ષામાં અવરોધ પેદા ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે.
હવે ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલની જગ્યાએ ૮મી મેના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની પીનનું વિતરણ રાજ્યના ૪૨ કેન્દ્રો પરથી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૪ના રોજ કરવામાં આવશે. રૂપિયા ૨૫૦નો ડીમાન્ડ ડ્રાફ્ટ રજુ કરીને વિદ્યાર્થીઓ પીન નંબર મેળવી શકશે. જ્યારે ગુજકેટની પરીક્ષા માટેના આવેદન પત્રો ૩૧મી માર્ચથી ભરી શકાશે જેની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજકેટની પરીક્ષાના માહિતી પુસ્તિકા અને પીન નંબરનું વિતરણ સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા મુકામે નિયત કરેલા કેન્દ્રો પર ૧૫ એપ્રિલ સુધી કરવામાં આવશે.
CP/RP
Reader's Feedback: