રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખાડે ગઈ છે ત્યારે સત્તા પક્ષ ભાજપના રાજમાં ખુદ ભાજપના કોર્પોરેટરો પણ ફફડી રહ્યા છે. શહેરના વાલ્મીકી વાડીમાં રહેતા અને વોર્ડ નંબર 3 ના ભાજપના કોર્પોરેટર કરશનભાઈ વાઘેલાના ઘરે બે દિવસ પહેલા રીઝવાન સહિતના સ્થાનિક અસામાજિક તત્વો રાત્રે હથિયારો લઈને ધસી ગયા હતા અને તમે મારા ભાઈને પાસામાં ધકેલવા પોલીસને મદદ કરી છે તેવું કહી ડેલીએ પાટા મારી આતંક મચાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે આજે સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા રેલી કાઢી પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના સત્તામાં ખુદ ભાજપના કોર્પોરેટરો જ અસલામતી અનુભવી રહ્યા હોય તેવી ઘટના રાજકોટ શહેરમાં બનવા પામી છે. શહેરના વોર્ડ નંબર 3 ના ભાજપના કોર્પોરેટર કરશનભાઈ વાઘેલાને અગાઉ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર રીઝવાન દલ અને તેના 6 જેટલા સાગરીતો બે દિવસ પહેલા ભાજપના કોર્પોરેટરના ઘરે રાત્રે ઘટક હથિયારો લઈને દોડી ગયા હતા અને મારા ભાઈને તમે કેમ પાસામાં ધકેલવામાં પોલીસને મદદ કરી છે તેમ કહીને દરવાજા ઉપર પાટાઓ મારીને બેફામ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
આ ઘટનાથી ભાજપ કોર્પોરેટર કરશનભાઈ વાઘેલાનો પરિવાર ફફડી ઉઠ્યો હતો અને આ અંગે કંટ્રોલમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો, પરંતુ હુમલાખોરો નાસી છૂટ્યા હતા ત્યારે આ અંગે વાલ્મીકી સમાજ દ્વારા આજે સમાજના લોકોને સાથે રાખીને રેલી કાઢી પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી જઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.રજૂઆત કરવા માટે અદર પ્રવેશતી વેળાએ પોલસી સાથે સામાન્ય માથાકૂટ પણ થઇ હતી. વાલ્મીકી સમાજની રજૂઆત સાંભળીને પોલીસ કમિશ્નરે પણ તાકીદે પગલા લેવાની અને હુમલાખોરોને પકડી લેવાની ખાતરી આપી હતી.
વિકાસશીલ ગુજરાત અને સલામત ગુજરાતના બણગા ફૂકતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાશનમાં ખુદ તેમના જ કોર્પોરેટરો લુખ્ખા તત્વો સામે ફફડી રહ્યા છે પોતે પણ એક તબ્બક્કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે તેવી કબુલાત આપી હતી.
JJ/RP
Reader's Feedback: