Home» Humour» Humour Rumours» Article of maitraiyi on garba

જાણો ગાણિતિક ગરબાનાં ઇક્વેશન

Maitraiyi | October 16, 2013, 07:05 PM IST

ન્યૂ જર્સી :

ગરબા એ ગુજરાતી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. નવરાત્રીની શરૂઆત થતા જ દરેક વયની વ્યક્તિમાં રહેલી જુવાની જંતર વગાડવા લાગે છે અને બધા હોંશભેર તૈયારીઓ કરવા લાગે છે. ગુજરાતી સ્ત્રીઓના તો રંગસૂત્રોમાં જ X અને Y સિવાય G નામનું અન્ય એક જનીન જોવા મળે છે જે સ્પેશિયલી ગરબા સ્કીલ્સ ડેવલોપ કરવા માટે જવાબદાર હોય છે!

આવી જ એક નવલી નોરતાની રાતે અમે અમારા સખીવૃન્દ સાથે તૈયાર થતા હતા ત્યારે આરામ ફરમાવી રહેલા જીજાને અમે પૂછ્યું: "કેમ તમારે નથી આવવું?" અમારો પ્રશ્ન સાંભળી જંખવાણા પડી ગયેલા એ બોલ્યા કે “અમે તો તૈયાર જ છીએ, એ તો જરીક જપ્કી લીધી એટલે વાળ વિખેરાઈ ગયા અને અને ઝભ્ભો કરચલીવાળો થઇ ગયો. એમેય હું ગમે એટલો તૈયાર થાઉં ગરબા તો તમારા બેન સાથે જ ગાવા પડશે ને!” પોતાની લાચારીની વિતકકથા આગળ ધપાવતા એમણે અમને પત્ની અને ગરબા વચ્ચેની સામ્યતાઓ જણાવી જેમ કે, પત્ની અને ગરબા બંને ધ્વનીપ્રદુષણ-કારક છે. નવરાત્રી અને પત્ની બંને પુરુષોની ઊંઘ હરામ કરી દે છે, વળી મારા જેવા અમુક હતભાગીઓને તો ગરબાની જેમ પત્ની પણ ગોળ જ...... etc etc!! સખી વિશેના જીજાના વિચારો જાણી અમારું મન અને વદન ખિન્ન થઇ ગયા, પણ એમણે એ હસવામાં કાઢી નાખ્યું.

ખેર, તૈયાર થતા થવડાવતા અમે લગભગ એક કલાક લેટ ૧૦ વાગે ગરબા પ્રાંગણમાં પહોંચ્યા. ગ્રાઉન્ડનો અછડતો અભ્યાસ કરતા માલૂમ પડ્યું કે લોકો ઉભારાયેલા કીડીડ્યારાની માફક જ્યાં-ત્યાં ટોળે વળી નાચી રહ્યા હતા. ઘણાં લોકો અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ બનાવી ઘૂમતા હતા. આ સર્કલોની ઉડીને આંખે વળગે એવી બાબત, વચ્ચે પડેલી વસ્તુઓ, જેવી કે, ચપ્પલ, મોબાઈલ, દુપટ્ટા, દાંડિયા, ખૂંચતા કડલા, એક્સેસેરીઝ અને ઘણા કિસ્સામાં તો પોતાની જાતે ઉભા રહી શકે એ ઉમરના ટાબરિયા હતી. અમને ઈ.સ.પૂર્વે વર્તુળાકાર કુંડાળામાં રમાતા ગરબા યાદ આવી ગયા. પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે એમ વિચારી મન મનાવ્યું અને સૌ પ્રથમ બે હાથ જોડી માં ભવાનીને પ્રાર્થ્યા કે, હે માં! અમે જેવા જઈએ છીએ એવા પેટીપેક -એક પણ સ્ક્રેચ વગરના પાછા ફરશું તો શ્રીફળ વધેરશું.

અંદર દાખલ થતા જ અમને આછી-આછી ઓઢણી (A) માં જેનું રૂપ (B), માં'તું નથી (કારણ કે B>A હોવાથી) એવી ગોપીઓ (X U Y, જ્યાં X, Y = ગોપીઓ) અને એમની સાથે લીલા કરવા (X U Y ના સબ સેટ બનવા) તત્પર બનેલા કાનુડાઓ જોવા મળ્યા. ત્યાંજ સૌનો મનપસંદ ગરબો વાગ્યો:

“હિલોળે હાથ લઈને રમતી કરતાલ,

ઘુમ્મર ઘુમ્મર ચાલે, લાવે ભૂચાલ;

લપટી ને જપટી ના લે સંભાળ….”

બધા ખેલૈયાઓ પૂરજોશમાં રમવા લાગ્યા અમારામાં પણ જોમ રેડાયું અને અમે પણ ૨-૫ રાઉન્ડ રમી કાઢ્યા પણ અમારી ખુશી લાંબો વખત ટકી નહિ. અમારી બાજુના સર્કલમાં રમી રહેલા એક સન્નારીએ એટલા જોરથી હાથ ઉલાળ્યા કે એમનું એક બલૈયું તૂટીને અમારી આંખે વાગ્યું અને મોટું દઈદ ઢીમચું કરી ગયું. આદીમાનવો હાથીદાંતનો ઉપયોગ શિકાર કરવાના હથિયારો બનાવવા શા માટે કરતા? ધોરણ-૫ની પર્યાવરણની ચોપડીનો એ પ્રશ્ન અમને આજે સમજાયો! એ બનાવ પછી મોટા મોટા લફાકા લેતા ખેલૈયાઓની અડફેટે નૈ આવવાનો નિર્યણ કરી અમે બહાર નીકળવા લાગ્યા પણ ત્યાં તો એક મોટી ટ્રેઈન આવી અને એમાં છેડે રહેલા ભાઈ ધૂનમાં ને ધૂનમાં અમારો હાથ ઝાલી એમનું ચકડોળ ચરર ચરર ફેરવવા લાગ્યા. અમે ઝાટકાભેર હાથ છોડાવી ગ્રાઉન્ડ બહાર આવી ગયા અને પાણી પીવા લાગ્યા. જેલ નાખીને ટટ્ટાર કરેલા વાળની ચાંચ બનાવીને ઉભેલા એક હાંફેલા ખેલૈયાએ, અમારા હાથમાં પાણીની બોટલ જોઈ પૂછ્યું “આ પાણીની બોટલ ક્યાંથી લાવ્યા?” અમે ભારે વિનમ્રતાપૂર્વક કહ્યું "અમારા ઘરેથી" ખબર નૈ કેમ પણ એ ભાઈ વિફરેલા ડાઘીયાની માફક અમારી સામે ઘૂરકિયા કરવા લાગ્યા. એ જોઇને અમે ખુરશીની શોધમાં લાગી ગયા…(રખેને એ ભાઈ પોતાના અણીદાર છોગાં વડે ભેટું મારે!)

પણ એવામાં તો સનેડો વાગ્યો અને વળી પાછો લોકોનો ઉત્સાહ બેવડાયો. જેમની કરોડરજ્જુમાં તકલીફ છે એવા આધેડ વયના પુરુષો પણ બેસું -ન બેસું ની સ્થિતિમાં રહી સનેડો રમવા લાગ્યા. અમારું ધ્યાન સામેની તરફ રમી રહેલા કુંડાળા પર ગયું જ્યાં એક ચંડિકાનો ઘાઘરો એની બાજુમાં રમી રહેલા ચંદુના પગ તળે દબાઈ ગયેલો દેખાતો હતો. અમે ચંદુનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો, પણ અમારા ‘ઈશારાનો’ મનગમતો મતલબ કાઢી ચંદુકુમાર ખુશ થયા, એવામાં પેલું કૂકડાની જેમ સહેજ નાની ઉંચાઈનું ઉડી ગોળ ફરીને નીચે બેસી જવાવાળું સ્ટેપ આવ્યું… ચંડિકાબહેને ફોર્મમાં આવી કૂદકો માર્યો, પણ ઘાઘરાના ‘દાવ’ને લીધે એ બીજી જ સેકન્ડે ભફફ દઈને બેસી પડ્યા. પેલા ચંદુને પણ કદાચ હવે મોડે મોડે અમારો ઈશારો સમજાયો એટલે એણે છોભીલી નજરે અમારી સામે જોયું. પણ જાહેરમાં પોતાનો પોપટ થઇ જવાથી ચંડિકાએ છેલ્લે ફૂંદડીમાં પોતાનું પોત પ્રકાશ્યું. ફૂંદડી વખતે એ બમણા જોરથી ગોળ ફરી અને અચાનક ચક્કર આવવાનું બહાનું કરી ચંદુનો હાથ છોડ્યો જેથી ચંદુ ફંગોળાયો અને છેક એન્ટ્રી ગેટ પાસે જઈને પડ્યો. ચંદુનું તો જે થયું હોય તે, પણ આ જોઈને અમને તમ્મર આવી ગયા. આવા ઝનૂની ખેલૈયાઓના કિસ્સાઓનું નિરિક્ષણ કરી અમે વિવિધ ગરબા-પ્રકારોના સ્ટેપ્સ માટે સૂત્ર બનાવ્યા છે.....

     બે તાળીના સાદા ગરબા માટેનું ઇક્વેશન: y = mx + b

     y = ક્યારે અને કેટલો ઉંચો ઠેકડો મારવાનો; x = (પોતાના) વાઈફ કે હસબંડ થી અંતર; m = (મનગમતા મોડલ તરફ) ગ્રાઉન્ડનો ઢોળાવ અથવા "ઝુકાવ" ; b = મનગમતા મોડલથી ક્રોસિંગ ડીસ્ટન્સ

    (ગોળ ફરતી વખતે ફેકટર m પર કાબૂ રાખવો. શકટનો ભાર તાણતા શ્વાન જેવા ઘેલાં લાગીએ એ હદ સુધી લળીલળીને લફાકા લેવા નૈ)    હીંચ રમવાનું સૂત્ર ; 

 h = height/ ઉંચાઈ, b1 = length of top base/ કમરથી ઉપરનો ભાગ, b2 = length of bottom base/ કમરથી નીચેનો ભાગ

(હીંચ લેતી વખતે એક ભુજા 30° અને બીજી 45°ના ખૂણે પ્રસારી, કમર નીચેના ભાગેથી કાટકોણ ત્રિકોણના કર્ણની જેમ લાંબા થઇ જતા ભાવુક ખેલૈયાઓ કે, જેમને બાજુવાળાની આંખ, માથા કે પગનું જજમેન્ટ ના રે'તું હોય એમના માટે!)


    રાસ રમવાનું સુત્ર - ax + by = d, 

જેમાં a, b દાંડિયાની અને x તથા y ખેલૈયાઓની સંખ્યા હોવાથી નોન-ઝીરો હોવા અત્યંત આવશ્યક છે અને d એ સમતલસ્થ પરિમાણ છે. અહી રાસ રમનાર જોડી વચ્ચે સમતલ જળવાવું ખૂબ જ જરૂરી છે. કારણકે ઘણીવાર અમુક લોકો 3-D રાસ રમે છે જે સામેવાળાને ઈજા કરનારું બની જાય છે. રાસ રમવાની સૌથી સેફ પદ્ધતિ પરણિત પુરુષોની હોય છે… સરેન્ડર કરી દીધેલી અવસ્થામાં દાંડિયા લઈને નિ:સ્પૃહભાવે લાઈનમાં ચાલતા રહેવું,જે ખેલૈયાને મન થાય એમની જોડે દાંડિયો અથડાવી લે.

    ફુદરડી ફરવા માટેનું સુત્ર: (x-a)^2+(y-b)^2=r^2 

(અહીં r^2 ≥ 1 મેઇન્ટેન રહેવું જોઈએ. જો r^2 એક કરતા ઓછો હશે અને ફરનારનો ઘરાવો વર્તુળના પરિઘ કરતા વધુ હશે તો સામેવાળી પાર્ટીની ફંગોળાઈ જવાની ગેરંટી છે)

બાકી, નાગીન ડાન્સના ફૂંફાડા, લુંગી ડાન્સના ઠેકડા કે રાજસ્થાની ડાન્સમાં પણ ભાંગડા કરી જાણવાની કળા, એ કોઈ ગાણિતિક સિદ્ધાંતોને આધીન નથી, એ તો નવ દિવસો દરમ્યાન અડધી રાતે આચરકુચર ખાધા પછી પેટમાં ચડેલા આફરા નામની રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે એટલે એના કોઈ સુત્રો હોતા નથી.

આશા રાખું આ વર્ષે આપ સૌની નવરાત્રી બિનહાનિદાયક રહી હશે અને ન રહી હોય તો આવતા વર્ષે અમારા ગાણિતિક ગરબા સુત્રો સૌના સમીકરણો સીધા પડી દેશે!!

Tags:

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %