માણસનું સ્વપ્ન શું હોઈ શકે ? આખી સૃષ્ટિ પરમ આનંદમાં અત્યંત શાંતિથી પૂર્ણ પ્રેમભાવે જીવતી હોય આવું કઈ રીતે બને ?
ઓશો કહે છે “ દરેક માણસની ક્ષમતા અલગ અલગ હોય છે. એક માઈલનું અંતર દોડીને પાર કરવાનું સો લોકો સો અલગ અલગ સમયમાં કરી શકશે પણ દોડી રહેલા એ સો લોકોને અટકી જવાનું કહીએ તો ? અટકવાનું તો એક જ સમયે, એક જ ક્ષણે શક્ય છે. બાહ્ય જગતની અવિરત ચાલતી ખુદની દોડધામને રોકીને પોતાની ચેતનાને ભીતર વાળી લેવી એટલે પરમ આનંદની, પૂર્ણ પ્રેમની , કાયમી શાંતિની અંદર પ્રવેશ ( પા. 40 )
ઓશો અને મનુષ્ય ચેતનાના ઉત્થાનની પ્રક્રિયા કહે છે. અત્યંત પ્રસન્ન વ્યક્તિત્વ, ક્યારેય ચહેરાની શાંતિ અને સ્મિતમાં જરાય ઓટ ન જણાય, આંખોમાંથી નીતરતો પ્રેમ સદા ય જળવાઈ રહે, સદાય સ્વસ્થ રહી શકાય એવું ત્યારે જ બને જ્યારે વ્યક્તિને પોતાની ભગવત્તાનો સાક્ષાત્કાર થઈ ગયો હોય. માણસે બનાવેલ મંદિરમાં તો પ્રભુ ક્યાંથી હોય કારણ કે માણસની બનાવેલી ચીજ માણસથી મહાન ન હોઈ શકે, શક્ય છે કે પ્રભુ અને તેનું મંદિર તમારી ભીતર જ છે કારણ કે એ ઈશ્વરે બનાવેલું છે. જ્યારે માણસની બધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, સંકલ્પો અદ્રશ્ય થઈ જાય છે ત્યારે તે પોતાનામાં જ સંતૃપ્તિનો અનુભવ કરે છે. આ જ પોતાની ભગવત્તાનો સાક્ષાત્કાર, પ્રભનો સાક્ષાત્કાર. એટલે તો આચાર્ય રજનીશે પોતાને આ અનુભવબોધ થતાં જ ભગવાન રજનીશ જાહેર કર્યા, ત્રિ-મંદિર કોલા અને કેલનપુરના અધિષ્ઠાતા અક્રમ વિજ્ઞાની દાદાજીએ પોતાને દાદા ભગવાન કહેનારને પુષ્ટિ આપી. જેને અનુભવ થાય કે આ આત્મા એ જ પરમાત્મા તે સૌ ભગવાન. “ જબ મૈં થા તબ હરિન નહીં. જબ હરિ હૈ મૈં નાહીં “ કબીર.
ઓશો તો એમના સાધકોએ આપેલું નામ છે ઝેન કથાઓમાં શિષ્ય ગુરૂને ‘ઓશો’ નામે સંબોઘે છે.ઓશો એટલે જેની કરૂણા અનંત છે. આધ્યાત્મિક અનુભૂતિ પણ ઓશનીક ગણાય અને એ અનુભૂતિ કરનાર ઓશો. ગુરૂપૂર્ણિમા આષાઢી પૂનમને દિવસે કેમ છે તે વિશે ઓશોએ કહેલું કે ગુરૂતો પૂનમના ચાંદની જેમ નિમિત છે. તેના દ્રારા સત્યને પ્રકાશ વાદળાં રૂપી શિષ્યો સુધી પહોંચે છે. રજનીશજીએ સંસારને જ સર્વસ્વ માની, ખાઓ, પીઓ અને મોજ કરોમાં માનતા ઝોરબા અને સંસારત્યાગી શાશ્વત જીવનની ખોજ કરતા બુદ્ધી બંનેના દ્રષ્ટિકોણને અધૂરા ગણ્યા છે. પૃથ્વીને, જીવનને વધુ સુંદર બનાવો, દેહની ચિંતા કરો પણ એમાં રચ્યાપચ્યા ન રહો. બહાર જેટલું જ ભીતરનું જીવન પણ આનંદમય, શાંતિપૂર્ણ, સમૃદ્ધ જોઈએ. બંને દ્રષ્ટિકોણ ભેગા થાય તો ઝોરબા થી બુદ્ધી બને. આ જીવનનો સોનેરી મધ્યમમાર્ગ છે.
નઈ હવા કો જરા બંધ કમરે મેં આને દો
ઉસકો ખોને દો જો કિ પાસ કભી થા હી નહીં
જિસકો ખોયા હી નહીં, ઉસકો ફિરસે પાને દો
આવી મનની મક્કમ સ્થિતિ હોય ત્યારે 126 ચોરસમાઈલના વિસ્તારના રજનીશપૂરમનું નિર્માણ શક્ય બને. તેનું પોતાનું હવાઈમથક હોય અને પોતાનાં વિમાન હોય, હજારો વૃક્ષો હોય, હજારો માણસો ત્યાં વસતાં હોય, હજારો પશુ-પક્ષી નિર્ભય થઈ વિહરતાં હોય, કોઈના રેહઠાણને તાળું ન હોય, બધાં જ જે કામ કરતાં હોય તે પુજા સમજીને કરતાં હોય, નાચતાં-ગાતાં- આનંદથી ફરતાં હોય, જ્યાં અપરાધીવૃતિ જ ન હોય ત્યાં અપરાધ-ગુનાઓ પણ ન હોય “ સ્વર્ગ હોય છે કે નહીં તેની ખબર નથી પરંતુ હોય તો આનાથી સુંદર નહી હોય “ ( પા.144 )
તો આ હતું ઓશો રજનીશજીનું સ્વપ્ન, જે એમણે પૃથ્વીના એક નાનકડા વિસ્તાર પૂરતું સિદ્ધ કર્યું હતું. આખી પૃથ્વી આવી બને એવું સ્વપ્ન એ આપણે માટે છોડી ગયા છે તેની વાત ખૂબ હ્રદયસ્પર્શી રીતે “ મેરે પ્રીય આત્મન “ પુસ્તકમાં શ્રી સત્ય નિરંજને (પી.સી. બાગમારે ) કરી છે. અનો સુંદર ગુજરાતી અનુવાદ શ્રીમતી સરોજબેન પટેલે કર્યો છે. ઉંઝા જોડણીમાં છપાયેલું આ પુસ્તક રૂપિયા 150માં ઓશો સત્યદીપ મેડીટેશન સેન્ટર, 32, જોધુપર કુંજ સોસાયટી, રામદેવનગર ક્રોસ રોડ, સેટેલાઈટ, અમદાવાદ -15 પરથી મળે છે.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: