
મુક્તક એટલે જેને આપણે છૂટું-નાનું કાવ્ય કહી શકીએ તે. આ એક પ્રકારે શ્લોક કહેવાય. એવા એક શ્લોકમાં કોઈ ભાવ, કોઇ અનુભવ, કોઇ ઊર્મિ એવી સુંદર રીતે અભિવ્યક્ત થઈ હોય કે એ સાંભળતાં-વાંચતાં આપણા મનમાં સતત ગૂંજ્યા કરે અને જીવનમાં પડછાયા કરે.
સંસ્કૃત-પ્રાકૃતમાં અને અપભ્રંશ તથા બોલીઓમાં સદીઓથી આવી મુક્તક રચનાઓ થતી આવી છે. એટલે મુક્તક કાવ્યપ્રકાર આપણો ભવ્ય વારસો છે. આવાં પાણીદાર મોતી જેવાં અનેક મુક્તકો સાહિત્યમાં મબલક મળે છે.
અર્વાચીન સમયમાં કવિ દલપતરામથી માંડી આજની અનુઆધુનિક કવિતામાં સતત આ પ્રકારનો મહિમા થતો રહ્યો છે! મુક્તકો લખવાં કપરું કામ છે. આપણા સાહિત્યની ગતિવિધિને માણવા-નાણવા સમય- સમયાંતરે કેવાં મુક્તકો રચાયાં છે એ પણ જાણવું જોઇએ.
'હે સખી! છે ઝંખના તારી મને-' નામનો મુક્તકોનો ખૂબ સુંદર સજાવટવાળો સંગ્રહ આવ્યો. આ પહેલાં એમણે, 'હે સખી! સંદર્ભ તારો છે અને-', ' હે સખી! તું રક્તમાં મારા વહે છે.' જેવાં મુક્તકોના સંગ્રહો આપ્યાં છે.
કવિ શ્રી દિલીપ મોદી વ્યવસાયે ડોક્ટર છે. તેઓ સ્વભાવે સરળ અને અતિસંવેદનશીલ છે. એટલે ઉત્તમ કવિ પણ છે. ગઝલોમાં સારું કાઠું કાઢનાર દિલીપ મોદીએ મુક્તકોનું વિશાળ આકાશ સર કર્યું છે તે એમનાં મુક્તકો જોતાં સમજાય છે. કવિએ આ મુક્તકોમાં જીવનના દરેક પાસાંને ઉજાગર કર્યાં છે. એમાં 'વાત્સલ્યમૂર્તિ જનેતાને - પૂ. બાને....' વિશે આઠેક મુક્તકો છે. પ્રથમ મુક્તકમાં સંતાન અને માતાની વચ્ચે રહેલી લોહીની સગાઇ અફલાતૂન કરી તેના સંબંધનો મહિમા કર્યો છે. પછીનું ચિત્ર શૈશવનું છે. માની મમતાનું છે.
ડાળ શૈશવની ઉપર હંમેશ રમતા
કાળિયો મોંમોં મૂકે ને એમ જમતા
ચીજ છે. અદ્દભુત જીવનમાં, આ જગતમાં
હોય ના બીજું કશું પણ માની મમતા!
કુટુમ્બભાવનાનું મધુર ચિત્ર...મા શૈશવકાળમાં પ્રેમથી કોળિયો જમાડતી હોય છે. એકવાર ટી.વી.માં કોઇ પક્ષી ચાંચે ચાંચે માળામાં બચ્ચાને ખવડાવતું હતું. એ મારી ગ્રાન્ડ ડોટર હયાએ જોયું-બોલી ઊઠી, "દાદા, આ ખવડાવે છે તે એ બચ્ચાંની મા છે ને!"
"હા, પણ તને કેવી રીતે સમજાયું, બેટા ?"
"મારી મમ્મી મને ખવડાવે છે ને એટલે!" તેણે હસીને સ્પષ્ટતા કરી. આ ચીજને કવિએ જીવનમાં અદ્દભુત છે એમ કહ્યું છે. એ જ છે માની મમતા! એ મમતાના સ્વરૂપને કવિએ પછીના મુક્તકમાં વિસ્તાર્યું છે. જુઓ...
રાત દહાડો ખ્યાલ સૌનો રાખતી
છે દુઃખી છે ભૂખી ને ચે જાગતી
નિત્ય ચિંતા એની આદત ને સ્વભાવ
જોડ જનનીની મળે ક્યાં ચાહતી?
ઘરના નાના-મોટાનો એ સતત ખ્યાલ રાખે છે. બધાની ચિંતા કરવી એ એની આદત-સ્વભાવ છે એટલે જ બોટાદકરે ગાયું છે ને-
જનની જોડ સખી નહિ મળે રે લોલ...
બાળકને જરી સરખી વેદના થાય... માંદગી આવે.... જખમ થાય... કે એની ઊંઘ હરામ!
માના ખોળામાં કરામત હોય છે
એ જગા સૌથી સલામત હોય છે
શિશુનાં જખ્મો કરે ક્યાંથી સહન?
આંસુ આંખોમાં અનામત હોય છે
આપણે બધાએ માના ખોળામાં સલામતી અનુભવી છે જ. મા છે ને! પોતાના સંતાનની બધી નબળાઇ-સબળાઇ તે ભીતરમાં તો જાણતી જ હોય છે તેની આગળ બાળકનું કોઈ બહાનું ચાલતું નથી. જુઓ...
જો માએ સંતાનને-બાળકને સચ્ચાઇના, માણસાઇના, ભલાઇના, નમ્રતાના, વિનય-વિવેકના પાઠ શીખવ્યા હશે તો એની જિંદગીની નાવની સફર સહી દિશામાં જ હશે!
ઋજુમય હો સ્પર્શની ભીની અસર
મૂર્તિ છે વાત્સલ્યની હરપળ સભર
ચાલતું ન કોઇ બ્હાનું, જૂઠ પણ -
પાક્કી છે એની સમજ, એની નજર
એ બાળ મોટપણે માને શી રીતે જુએ છે.
વિશ્વ છે દરિયો ને દરિયાની ભીતર
હું શ્વસું સાન્નિધ્યનાં મોજાં પ્રખર
હેતનું મા તો હલેસું છે, મિત્રો!
જિંદગીની નાવમાં કરતો સફર
વિશ્વરૂપી દરિયાની ભીતર માનું સાંનિધ્ય પ્રખર હોય છે. કવિએ એક જોરદાર કલ્પના મૂકી માતાની ગરિમાને આકાશની ઊંચાઇ આપી દીધી!
'હેતનું મા તો હલેસું છે, મિત્રો!'
જેનાથી જિંદગી સદાય તાજગી અનુભવે-તાજગી આપે તે નામ માત્ર એટલે મા. એટલે એ લાગણીનું ઉચ્ચ તીર્થધામ છે.
જો માએ સંતાનને-બાળકને સચ્ચાઇના, માણસાઇના, ભલાઇના, નમ્રતાના, વિનય-વિવેકના પાઠ શીખવ્યા હશે તો એની જિંદગીની નાવની સફર સહી દિશામાં જ હશે! આ કવિનો જબરજસ્ત મૌલિક વિચાર- 'હલેસું'ના કલ્પન દ્વારા દર્શાવાયો છે. જેનાથી જિંદગી સદાય તાજગી અનુભવે-તાજગી આપે તે નામ માત્ર એટલે મા. એટલે એ લાગણીનું ઉચ્ચ તીર્થધામ છે.
આ છલકતી તાજગીનું નામ મા છે
જન્મ લીધો જ્યાં મે તે બસ ગામ મા છે
મા તે મા બીજા બધા વગડાના વા હો
લાગણીનું ઉચ્ચ તીરથ-ધામ મા છે
અને એટલે તો માના આશીર્વાદથી ઉમર ઊભરાય છે. કોઇ મા ગમે તેવી મા-સંતાનને આશીર્વાદ જ આપે.. સાંભળો લઘુકથા....
એક યુવક એની પ્રેયસીને ખૂબ ચાહતો હતો. અઢળક પ્રેમ કરતો હતો. પેલી યુવતી યુવકના પ્રેમમાંય પાગલ હતી. પછી એક દિવસ પેલી યુવતીએ કહ્યું, "જો તું મને ખરેખર ચાહતો હોય-એમાં સચ્ચાઇ હોય તો જા,તારી માતાનું હૃદય લઇ આવ!"
સાંભળતા જ પાગલ યુવક ઘરે ગયો. માને વહાલથી ભેટયો ને તેની સાથે ચપ્પાથી તેની છાતી ચીરી હૃદય કાઢી લીધું. તે લઈ દોડ્યો પેલી પ્રેમિકા પાસે... રસ્તામાં ઠોકર લાગતાં પડ્યો, પેલું હૃદય બોલ્યું, "બેટા, તને વાગ્યું... દીકરા!"
પણ પેલો યુવક તો પ્રેમિકાની આગળ જઈ ઊભો. બોલ્યો, "લે પ્રિયે, તારી ઇચ્છા પૂરી કરી! "
"પ્રેમિકા બોલી, "જા હટ લુચ્ચા, જે પોતાની માનો ના થયો તે મારો ક્યાંથી થશે?" અને યુવતી તેને છોડી ગઇ.
માનું હૃદય તે માનું હૃદય !
YM / KP
Reader's Feedback: