પ્રતિકાત્મક ફોટો
સુરત :હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રોજગાર-ધંધા અર્થે વસવાટ કરી રહેલા મોટાભાગના પરપ્રાંતીઓએ પોતાના માદરે વતન જવા માટે વાટ પકડી છે. અમદાવાદથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર તરફ જતી ટ્રેનોમાં લાંબી પ્રતિક્ષાયાદી બની છે. જે શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે તે લોકસભાની ચૂંટણી પૂર્વ થયા બાદ જ પરત ફરશે, એટલે કારખાનાઓ અને ઉદ્યોગોમાં બે મહિના કામદારોની અછત વર્તાશે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરોમાં રાજસ્થાન, યુપી, બિહાર સહિતના પરપ્રાંતના લાખો શ્રમિકો રોજગાર-ધંધા સાથે સંકળાયેલા છે. વર્ષોથી પરિવારો સાથે વસવાટ કરતા શ્રમિકોએ આમ તો ગુજરાતને પોતાનુ વતન બનાવી દીધુ છે પણ ખાસ કરી રાજસ્થાન, યુપી અને બિહારમાં હોળી-ધૂળેટીના તહેવારનું મહાત્મ્ય વધુ હોવાથી પરપ્રાંતના આ શ્રમિકો હોળી-ધૂળેટીના તહેવાર માટે પોતાના માદરે વતન જવા માટેની વાટ પકડતા હોય છે.
રાજસ્થાનના શ્રમિકો તો પોતાના વતન પહોંચી પણ ગયા છે. આમ તો કારખાના અને ફેકટરીઓમાં કામ કરનારા શ્રમિકો આઠ-દસ દિવસની રજા લઈને વતન ગયા છે પણ કારખાનેદારોના કહેવા મુજબ આ શ્રમિકો લોકસભાની ચૂંટણી બાદ જ ગુજરાત પરત ફરશે. સુરતમાં મંદીનો સામનો કરી રહેલા પાવરલુમ અને ગારમેન્ટસના ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે, કારણ કે મોટાભાગના શ્રમિકો પરપ્રાંતના છે. હોળીના તહેવાર માટે રજા લઈને વતન ગયેલા શ્રમિકો હવે લોકસભાની ચૂંટણી બાદ જ પરત ફરશે.
કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ સહિતના અન્ય રાજ્યોના ૫૦ ટકાથી વધુ કામદારો હોળી અને લગ્નોની મૌસમ હોવાથી પોતાના વતન જઈ રહ્યા છે. સામાન્ય રીતે હોળીના તહેવાર બાદ કામદારો પરત ફરતા હોય છે પરંતુ આ વખતે એપ્રિલ અને મે મા લોકસભાની ચૂંટણી હોવાથી શ્રમિકો ચૂંટણી બાદ જ ગુજરાત પરત ફરશે. કાપડ ઉદ્યોગમાં મંદીને કારણે વિવર્સ ઘણા સમયથી પરેશાન હતા અને હવે શ્રમિકોની અછતને લીધે ઉત્પાદન કરી શકાશે નહીં. ઘણા વેપારીઓને ઓર્ડર રદ થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
CP/RP
Reader's Feedback: