Home» Life» Society & Culture» Ravishankar maharaj forgotten

ગુજરાતના શિલ્પીની પુણ્યતિથિ વિસરાઈ

જીજીએન ટીમ દ્વારા | July 02, 2012, 05:44 PM IST

ખેડા :

પહેલી જુલાઈ રવિવારના રોજ ગુજરાતના બીજા ગાંધી  ઓળખાતા પૂજ્ય રવિશંકર મહારાજની પુણ્યતિથિ હતી. ગુજરાતની સ્થાપના કરનાર રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો. મહાગુજરાતથી સ્વર્ણિમ ગુજરાતની આ સફરમાં જેમનો અમૂલ્ય ફાળો છે તેવા આ બીજા ગાંધીની  સમાધિ બોરસદ તાલુકાના બોચાસણ ખાતે આવેલી છે તેમ છતાં પૂજ્ય રવિશંકર મહારાજની પુણ્યતિથિએ તેમની સમાધિસ્થાને કોઈ ફરક્યું ન હતું.

ખેડા જિલ્લાના રઢુ ગામે 25મી ફેબ્રુઆરી 1884ના રોજ જન્મેલા રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરીને પૂજ્ય રવિશંકર મહારાજ આજીવન સમાજસેવા સાથે સંકળાયેલા રહ્યા છે, જેમનો મહાગુજરાતની ચળવળમાં  અમૂલ્ય ફાળો છે.

રવિશંકર મહારાજને ગુજરાતના બીજા ગાંધી, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી જેવાં ઉપનામ આપવામાં આવ્યાં છે. વડોદરા ખાતે 1લી જુલાઈ 1984માં પૂજ્ય રવિશંકર મહારાજનું અવસાન થયું હતું અને ત્યારબાદ તેમની સમાધિ બોરસદ તાલુકામાં આવેલ બોચાસણ ખાતે  બનાવામાં આવી હતી.

બોચાસણ ખાતે આવેલ વલ્લભ વિદ્યાલયમાં પૂજ્ય રવિશંકર મહારાજ સંસ્થાને માર્ગદર્શન આપવા માટે વારંવાર આવતા હતા. અને રવિશંકર મહારાજના અવસાન બાદ તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર અહીં બોચાસણ ખાતે આવેલ વલ્લભ વિદ્યાલયમાં કરવામાં આવ્યા હતા. આ ગુજરાતના બીજા ગાંધીની યાદ હમેશાં તાજી રહે તે આશા સાથે તે સ્થાને ચોતરો બનાવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વલ્લભ વિદ્યાલયમાં રવિશંકર મહારાજનું મકાન આવેલ છે. જેની હાલત દયનીય બની જવા પામી છે. તેમ છતાં આ બાબતે તંત્ર બેધ્યાન છે. જોકે હાલના દિવસોમાં સમાધિને મોટી બનાવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પહેલી જુલાઈના દિવસે આવતી પૂજ્ય રવિશંકર મહારાજની પુણ્યતિથિ વલ્લભ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈને યાદ રહી ન હતી.

પૂજ્ય રવિશંકર મહારાજની યાત્રા

રવિશંકર મહારાજે વર્ષ 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના કરી. તેઓ  પટાવાળાથી માંડીને આચાર્ય સુધીની ફરજ બજાવતા હતા. વર્ષ 1921માં તેમણે મકાન અને જમીન રાષ્ટ્રસેવામાં આપવા તેમનાં પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું અને વર્ષ 1923માં બોરસદ સત્યાગ્રહ, હૈડિયાવેરા નહીં ભરવાની ગામેગામ ઝુંબેશ કરી, 1926માં બારડોલી સત્યાગ્રહ, છ મહિના જેલવાસ ભોગવ્યો.

1930માં દાંડીકૂચમાં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ, વર્ષ 1942માં ભારત છોડો ચળવળમાં  અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ લીધો હતો. રવિશંકર મહારાજે જેલવાસ ભોગવ્યો હતો. તેમણે જેલમાં ગામઠી ગીતા સમજાવી હતી અને આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાનાં કામોમાં તેઓ કાર્યરત હતા.

બહારવટિયાઓને સુધારવાનું કામ તેમણે જાનના જોખમે કર્યું હતું. વર્ષ 1955થી 1958 વચ્ચે 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે તેઓ 6000 કિલોમીટર ચાલ્યા હતા. 1920 માં પગરખાં ચોરાયાં ત્યારથી તેમણે પગરખાંનો ત્યાગ કર્યો હતો.

આખી જિંદગી જમવામાં  એક જ ટંક અને તેમાં માત્ર ખીચડીને પસંદ કરતા હતાં, પોતાને માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યાં હતાં, ભારત સરકારના ટપાલખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.00 %
નાં. હારી જશે. 19.35 %
કહીં ન શકાય. 0.65 %