નર્મદા યોજનાને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ જીવાદોરીની રાજકારણીઓએ ખાસ કોઇ કાળજી લીધી હોય તેવું ચિત્ર ઉપસતું નથી. નર્મદા યોજનાની સાથે વર્ષોથી જોડાયેલ અનેવર્તમાન સરકાર દ્વારા જેમને યોજનાનાં અમલીકરણમાં સામેલ કરાતાં નથી તેવા એનજીઓનું માનવું છે કે સરકારી માનસિકતા અને પ્રજાની સામેલગીરીના અભાવના કારણે નર્મદા યોજનાનું કામ જોઇએ તે ઝડપે થતું નથી. મૂળ રૂપિયા 6 હજાર કરોડની યોજના આજે રૂપિયા 40 હજાર કરોડ પર પહોંચી જાય તેમ છે.
આજે પાંચ એપ્રિલ નર્મદા યોજનાનો સ્થાપના દિન છે. કેવડિયાકોલોની ખાતે આજ દિવસે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા નર્મદા ડેમની પ્રથમ ઇંટ મૂકવામાં આવી હતી. આટલા વર્ષો બાદ પણ નર્મદા ડેમની ઉંચાઇ કુલ 146.05 મીટર પર પહોંચવાને બદલે 121.92 મીટરે અટકીને ઉભી છે. છેલ્લાં દસ વર્ષમાં નર્મદા યોજના સામે કોઇ વિરોધ નહોતો. આ અગાઉ યોજનાના વિલંબ માટે નર્મદા વિરોધીઓને જવાબદાર ગણવામાં આવતાં હતા. પરંતુ હવે તો કોઇ વિરોધીઓ નથી અને રાજ્ય સરકારના બજેટમાં કરોડો કરોડો રૂપિયા નર્મદા યોજના માટે ફાળવવા છતાં કેનાલના કામોમાં કુલ 75 હજાર કિલોમીટર નેટવર્કમાંથી માત્ર 19,723.07 લંબાઇના કામો પૂર્ણ થયા છે અને હજુ 54,903.26 કિલોમીટર કેનાલના કામો બાકી છે.
ડેમની ઉંચાઇ માટે અવરોધરૂપ કારણો
રાજ્ય સરકારની નર્મદા નિગમના સત્તાવાળાઓના કહેવા પ્રમાણે ડેમની ઉંચાઇ વધારવામાં આવે તો તેનાથી જેમને અસર થાય છે તેવા મહારાષ્ટ્રના ત્રણસો જેટલાં અસરગ્રસ્તોનું હજુ સુધી પુનઃવસન થયું નથી. તેથી ડેમની ઉંચાઇ વધારી શકાતી નથી. ગુજરાતમાં ભાજપ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકારની વચ્ચે ત્રણસો અસરગ્રસ્તોના પુનઃવસનનો મામલો અટકેલો છે.
એનજીઓ શું કહે છે ?
નર્મદા યોજનાની સાથે વર્ષોથી જોડાયેલ એનજીઓ નર્મદા અભિયાનના ડૉ વિદ્યુત જોશીએ જીજીએન સાથેની મુલાકાતમાં કહ્યું કે ત્રણસો અસરગ્રસ્તોનું પુનઃવસન મહારાષ્ટ્ર સરકારે જમીન ઉપલબ્ધ નથી એમ કહીને કર્યું નથી. ગુજરાતે આ અગાઉ મધ્યપ્રદેશના અને મહારાષ્ટ્રના હજારો અસરગ્રસ્તોને પોતાના રાજ્યમાં જમીનો આપીને વસાવ્યા છે. આ જ પ્રશ્ન જ્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરાયો ત્યારે ગુજરાતે અંદાજે રૂપિયા 400 કરોડ આપીને અસરગ્રસ્તો માટે ખાનગી જમીન ખરીદીને મધ્યપ્રદેશમાં જ પુનઃવસન કરાવ્યું છે. શું આ જ ધોરણ મહારાષ્ટ્રના ત્રણસો અસરગ્રસ્તોના પુનઃવસન માટે અપનાવી ન શકાય? સવાલ એ છે કે ગુજરાત સરકારે આ ત્રણસો અસરગ્રસ્તોના પુનઃવસન માટે કયો વિકલ્પ આપ્યો છે.
તેઓ કહે છે કે જો ત્રણસો અસરગ્રસ્તો ગુજરાત આવવા તૈયાર ન હોય તો મહારાષ્ટ્ર સરકારની ખાનગી જમીન ખરીદવા ગુજરાત રોકડા નાણાં ચૂકવે અને મહારાષ્ટ્રમાં જ તેમને પુનઃસ્થાપિત કરી શકે. પરંતુ આ ત્રણસો અસરગ્રસ્તોને બાવળામાં વસાવવાની વિચારણાં થાય તો તે કઇ રીતે શક્ય છે? ત્રણસો અસરગ્રસ્તોની ગુજરાત મહારાષ્ટ્રની સરહદે જ વસાવી શકાય. તેમના કહેવા પ્રમાણે આજે નર્મદાના સ્થાપના દિને એ ખાસ જોવું પડે કે નર્મદા યોજના ગળામાનો હારડો ન બને તેની કાળજી લેવાવી જોઇએ.
વોટર માફિયા !
ડૉ વિદ્યુત જોશી વોટર માફિયા શબ્દનો પ્રયોગ કરતાં કહે છે કે નર્મદાની કેનાલમાંથી ગેરકાયદે પાણી ખેંચવામાં આવી રહ્યું છે. જેમને વોટર માફિયા કહી શકાય. આ ગેરકાયદે લઇ જવાતું પાણી રોકવા તેમણે રાજ્ય સરકારને કાગળ પણ લખ્યો છે. નર્મદા યોજનાને ઝડપથી પૂરી કરવી હોય તો તેમાં એનજીઓ અને ખેડૂતોને ફરીથી સક્રિય કરીને સામેલ કરવા પડશે.
75 હજાર કિલોમીટર નહેર નેટવર્કમાંથી 60 હજાર કિલોમીટર લંબાઇના ઢાળિયા બનાવવાના થાય છે. જેના દ્વારા ખેતરે ખેતરે પાણી પહોંચી શકે. પરંતુ કોઇ ખેડૂત પોતાના ખેતરમાંથી ઢાળિયુ બનાવવાની મંજૂરી ન આપે તો તેને સમજાવવાનું કામ સરકારી તંત્ર કરતું નથી. અને કાગળ ઉપર જ પાણી મંડળીઓ બની ગઇ છે તેવું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. યોજનાને પૂર્ણ કરવા સોશ્યલ એન્જિનિયરીંગની ખૂબ જ આવશ્યકતાં છે.
કેટલું કામ થયું ?
વિધાનસભામાં અપાયેલી માહિતી અનુસાર 2007-08માં કેનાલ નેટવર્કમાં શાખા, વિશાખા, પ્રશાખા અને પ્ર-પ્રશાખામાં કુલ 2073.27 કિલોમીટર લંબાઇના કામો થયા. 2008-09માં કુલ 744.90 કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા. 2009-10માં 289.22 કિલોમીટર લંબાઇના કામો થયા. 2010-11માં 381.25 કિલોમીટરના કામો થયા. 2011-12માં 243.64 કિલોમીટરના કામો થયા છે.
કેટલાં નાણાં ખર્ચાયા ?
31-12-2011ની સ્થિતિએ જુદી જુદી નહેરોના બાંધકામ પાછળ 2007-08માં રૂપિયા 1028.96 કરોડ, 2008-09માં 754.68 કરોડ, 2009-10માં રૂપિયા 730.35 કરોડ, 2010-11માં રૂપિયા 1186.79 કરોડ અને 2011-12માં રૂપિયા 1345.13 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ઉપરોક્ત આંકડા જોતા નહેરોના બાંધકામમાં ઘટાડો જોવા મળે છે અને આ યોજના ક્યારે પૂર્ણ થશે તે સરકારી કાગળમાં નક્કી તો થયું છે પરંતુ વાસ્તવમાં ક્યારે પૂર્ણ થશે તે નક્કી નથી.
Reader's Feedback: