(આજના લેખમાં આપણે ગુજરાતના અંત્યપાષાણયુગ અને એ સમયનાં પ્રાણીઓ તથા માનવના અવશેષો અંગે અલભ્ય માહિતી અંગે વિસ્તૃત છણાવટ કરીશું.)
ગુજરાતમાં 1947 પહેલાંના વડોદરા રાજ્યના કડી પ્રાંતમાં સાબરમતીનાં તટ પાસે વાત્રકના કાંઠામાં, વડોદરા પ્રાંતમાં ઓરસંગ અને હીરણ નદીના કાંઠા પાસે, નવસારી પ્રાંતમાં કીમ અને તાપીના તટ પાસેના, સૌરાષ્ટ્રમાં અમરેલી પ્રાંતમાં, ઓખામંડળમાં અને વળા(વલભીપુર) પાસે નાનાં પથ્થરનાં હથિયારો અને ઠીકરાં મળ્યાં હતાં. આ રીતે પથ્થરનાં હથિયારો સાથે ઠીકરાં પણ મળ્યાં હોવાથી રોબર્ટ બ્રુશ ફૂટે આને “નવો પાષાણયુગ” કહેલો. કારણ કે માનવ જંગલી અવસ્થામાંથી રખડતો-રઝળતો મટી એક જગ્યાએ ઠરીઠામ થવા લાગ્યો. સ્થાયી થતાં એને વાસણોની જરૂર લાગી હશે, અને માટીનાં વાસણોની ઉત્પત્તિ થઈ હશે.
આ રીતે ગુજરાતમાં બે પાષાણયુગો, એક જૂનો અને બીજો નવો-થઈ ગયા હોવાનું અનુમાન કર્યું હતું. પ્રથમ પાષાણયુગની સંસ્કૃતિના અવશેષો નદીના આદ્યપટમાં મળતા હતા અને બીજા યુગના અવશેષો હાલના ગુજરાતની સપાટી પરથી, આ બે વચ્ચે કોઈ સ્થળે લગભગ 61 મીટર(200 ફૂટ) અંતર હતું. આ રીતે બે યુગ વચ્ચે બહુ મોટું અંતર હશે તેમ જણાય છે.
અકીકનાં હથિયારો મોટાં, quartziteના ઉપલો અને એના ટુકડાઓ, વાટવાને કે ઘસવાને માટે બનાવેલી વેળુ-પાષાણની નાની નિશાનીઓના ટુકડા અને હજારો અશ્મિભૂત થયેલાં હાડકાંના ભાંગેલા ટુકડા, પ્રાણીઓનાં હાથ-પગ, જડબાં, કરોડ, ખભા વગેરેના અવશેષો લગભગ 2.14 મીટર(7 ફૂટ) ઊંડે સુધી મળ્યા.
1941માં ગુજરાતના પ્રાગ-ઐતિહાસિક શોધ પ્રવાસની જે યોજના શરૂ થઈ તેનો એક ઉદ્દેશ ફ્રૂટની આ માન્યતા કેટલે અંશે ખરી હતી એ પણ તપાસવાનો હતો. આથી ઉત્તર ગુજરાતમાં જે જે સ્થળોએ ફ્રૂટને આવાં નાનાં અકીકનાં હથિયાર અને ઠીકરાં મળ્યાં હતાં. તેમાંના થોડાંક-વિજાપુર તાલુકામાં હરિપુરા, ગઢડા, પેઢામલી, ફુદેડા, મહેસાણા તાલુકામાં મેઉ, મૂલસણ અને આખજ, કડી તાલુકામાં ડાંગરવા અને કૈયલ અને મધ્યગુજરાતમાં મહીને કાંઠે જાલમપુરા અને વાસદ, ઓરસંગને કાંઠે બહાદરપુર, વડેલી, બોડેલી અને હીરણને કાંઠે શ્રીગામ કણબી-એ સ્થળોએ આ શોધક જૂથે શોધ ચલાવી.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતને છેક છેડે ખેરાળુ તાલુકામાં હાડોળ અને એની આસપાસ રંગપુર અને ઓટલપુર તેમજ મહેસાણા તાલુકામાં લાંઘણજ, સિદ્ધપુર તાલુકામાં રણછોડપુરા અને ઓરસંગને કાંઠે ઢોકલિયા-એવાં તદ્દન નવાં સ્થળો પણ તપસ્યાં હતાં. એવી રીતે બનાસ, મહી અને નર્મદા કાંઠા પાસે પણ આવાં હથિયાર મળ્યાં છે. રંગપુર(જિ. સુરેન્દ્રનગર)માં આવા ભૌમિતિક તથા અ-ભૌમિતિક હથિયાર મળ્યાં છે. જોખા(જિ. સુરત)માં નૂતન પાષાણયુગના સ્તરમાં તથા લોથલ(જિ. અમદાવાદ) અને પ્રભાસ(જિ. જુનાગઢ)માં તામ્રપાષાણયુગનાં સ્તરોમાં આ કાલનાં ટૂંકા સમાંતર ભુજ પાનાં જેવાં હથિયાર મળ્યાં છે.
આ શોધખોળથી એટલું તો પુરવાર થયું કે આખાયે ગુજરાતમાં એક સમય એવો હતો જયારે માનવ નાનાં અકીકનાં હથિયાર વાપરતો. આ હથિયારોને “લઘુપાષાણ હથિયારો” કહે છે અને એ પરથી આ યુગને “લઘુપાષાણયુગ” તરીકે ઓળખવામાં આવે છે.
લાંઘણજ અને હીરાપુર સ્થળોએ ટીંબાઓ પર ખોદકામ કરતાં ઠીકરાઓ ફક્ત સપાટી પર જ અને એનાથી ઊંડે 0.9 મીટર(3 ફૂટ) સુધી જ મળ્યાં, જયારે અકીકનાં હથિયારો મોટા, quartziteનાં ઉપલો અને એના ટુકડાઓ, વાટવાને કે ઘસવાને માટે બનાવેલી વેળુ-પાષાણની નાની નિશાનીઓના ટુકડા અને હજારો અશ્મિભૂત થયેલાં હાડકાંના ભાંગેલા ટુકડા, પ્રાણીઓનાં હાથ-પગ, જડબાં, કરોડ, ખભા વગેરેના અવશેષો લગભગ 2.14 મીટર(7 ફૂટ) ઊંડે સુધી મળ્યાં છે.
આનાથી પણ વધારે અગત્યની શોધ એ છે કે નાનાં હથિયારો સાથે ચૂનારૂપ થયેલાં હાડકાંઓ, મુખ્યત્વે પ્રાણીઓના અવશેષો અને માનવનાં હાડપિંજરો મળી આવ્યાં છે. લાંઘણજમાં અંધારિયા ટીંબાના ખોદકામમાંથી નીકળેલાં માનવ અને પ્રાણીઓના અવશેષો મોહેં-જો-દડોના અવશેષો કરતાં વધારે પ્રાચીન હોવાનો સંભવ છે.
આ પરથી એટલું તો સાબિત થયું કે સપાટી પરનાં અને એનાથી નીચે 0.6 મીટરે(2 ફૂટ) મળતાં ઠીકરાઓને અકીકનાં ઓજારો સાથે કંઈ સંબંધ નથી. ઠીકરાં કેવળ સપાટી પરથી જ મળતાં હોવાથી એ આધુનિક સમયના હોવા જોઈએ. તેઓની બનાવટ વગેરેના અભ્યાસ પરથી પણ આ અનુમાન સાચું લાગે છે. આમ હોવાથી જે માનવ અકીકના ઉપલો લાવતો અને એમાંથી જુદાં જુદાં હથિયાર ઘડતો એ નવા પાષાણયુગનો નહિ, પણ એની પહેલાંના સમયનો હોવો જોઈએ એમ લાગે છે અથવા એ પાષાણયુગમાં પ્રવેશ કરતો માનવ હોવો જોઈએ, એમ 0.9 થો 1.2(3થી 4 ફૂટ) પર મળતાં થોડાંક ઠીકરાંની એક જાત પરથી અને ખોદકામમાંથી મળેલી બે વસ્તુઓ–એક quartzite નો ગોળ, વચ્ચે કાણું પાડેલો પથ્થ૨ અને બીજો chlorite schist નો લીસો ઘસેલો, મોટા છરાના પાના જેવો પથ્થર સૂચવે છે. આથી આજ હવે આને “નૂતનપાષાણયુગ” તરીકે નહિ, પણ પ્રાચીન પાષાણયુગમાંના “અંત્યપાષાણયુગ” તરીકે ઓળખવામાં આવે છે.
ચૂનારૂપ થયેલાં માનવના અને પ્રાણીઓના અવશેષો
આનાથી પણ વધારે અગત્યની શોધ એ છે કે નાનાં હથિયારો સાથે ચૂનારૂપ થયેલાં હાડકાંઓ, મુખ્યત્વે પ્રાણીઓના અવશેષો અને માનવનાં હાડપિંજરો મળી આવ્યાં છે. લાંઘણજમાં અંધારિયા ટીંબાના ખોદકામમાંથી નીકળેલાં માનવના અને પ્રાણીઓના અવશેષો મોહેં-જો-દડોના અવશેષો કરતાં વધારે પ્રાચીન હોવાનો સંભવ છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટે કાર્બન C14 ના આધારે એનો જે સમય આંક્યો હતો તે ઈ.પૂ. 2500ની આસપાસનો છે.
જેમ જેમ ગુજરાતમાં વધારે ખોદકામ થશે તેમ તેમ “અંત્યપાષાણયુગ” ના સંસ્કૃતિ અને માનવ પર વધારે પ્રકાશ પડશે; હાલ તો મુખ્યત્વે નાનાં પ્રકારનાં હથિયાર-પથ્થરના મોટા હથોડા, ચળકાટ લાવવા કે રંગ ચડાવવા માટે વાપરેલા પથ્થરો અને પ્રાણીઓનાં અસંખ્ય હાડકાઓ પરથી આ યુગના માનવની સંસ્કૃતિનો અને એ સમયની આબોહવાનો કંઇક ખ્યાલ આવી શકે.
(આવતાં લેખમાં આપને ગુજરાતના અંત્યપાષાણયુગના માનવીની રીતભાતો અંગે અને આ અંત્યપાષાણયુગના કાળ, પ્રાચીન પાષાણયુગના અંત અને નૂતન પષણયુગની શરૂઆત અંગે વધુ માહિતી મેળવીશું.)
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: