Home» Opinion» Society & Tradition» Kanaiyalal nayak article on ancient harappan civilization in gujarat

ગુજરાતમાં હડપ્પીય સ્થળોની શોધ

Kanaiyalal Nayak | September 19, 2012, 10:00 AM IST

અમદાવાદ :

1931ના વર્ષમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ રંગપુર ગામ નજીક રસ્તો બાંધવાની કામગીરી દરમિયાન ત્યાં એક આકસ્મિક શોધ થઈ. હાલનું રંગપુર ઘણા વિશાળ ટીંબા પર આવેલું છે. આ ટીંબો આદ્ય-ઐતિહાસિકકાળમાં આ સ્થળે ઉત્તરોત્તર થયેલા વસવાટોને લઈને રચાયેલો છે. સંશોધન પરીક્ષણને આધારે હડપ્પા અને મોહેં-જો-દડોમાં મળી આવેલાં માટીનાં વાસણોના ઠીકરાંને તે પ્રકારના જાહેર કરવામાં આવેલા. આ શોધે “સિંધુ ખીણની સભ્યતા”નાં દક્ષિણ તરફના વિસ્તારની શક્યતા સૂચવી, તેથી 1934-35માં ભારતમાં “પુરાવસ્તુ સર્વેક્ષણ” તરફથી ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું. તેમાંથી પ્રાપ્ત થયેલી ચીજોના પરીક્ષણને આધારે રંગપુર “સિંધુ-ખીણની સભ્યતાનું” અગ્રસ્થાન હોવાનું જાહેર થયું હતું.

 

ગુજરાતની તળભૂમિને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ સાથે જોડતા માર્ગને જળ સિંચતી સાબરમતી નદીના મધ્યભાગના અને નીચાણના વિસ્તારમાં સ્થળ તપાસ કરવામાં આવી. સાબરમતીના મધ્યપ્રવાહની બાજુમાં આવેલ ઉ.ગુજરાતનાં મેદાનોમાં પૂર્વકાલીન હડપ્પીય વસાહતો માલૂમ પડી નહીં. પરંતુ તપાસ કરતાં લોથલનું સ્થળ 1954ના નવેમ્બર માસમાં શોધવામાં સફળતા મળી હતી.

ઉત્ખનનમાંથી પ્રાપ્ત થયેલ માટીની ચીજો અને બીજી ચીજોએ સિંધુ-સભ્યતાના અગ્રસ્થાન તરીકેના રંગપુરના દાવાને પુનઃસ્થાપિત કરવામાં સહાય કરી. ઉપરાંત ગુજરાતમાં તે સભ્યતાના હા્સ અને પરિવર્તનના તબક્કા દર્શાવતી વધારાની આધાર-સામગ્રી પણ પૂરી પાડી. આમ છતાં એમાં સિંધુ-મુદ્રાઓ બિલકુલ ન મળી અને સિંધુ-સંસ્કૃતિના સ્વાભાવિક લાલ મૃત્પાત્રો ઉપરાંત એનાથી ભિન્ન પ્રકારના એવા આછા પાંડુરંગનાં મૃત્પાત્રો મળ્યાં એ હડપ્પીય સંસ્કૃતિની અવનતિનું સૂચક ગણાયું. ત્યારબાદ હડપ્પીય લોકોની દક્ષિણ ગુજરાત તરફથી હિલચાલનું તાત્પર્ય અને દ્વીપકલ્પ પર થયેલી એમની સંસ્કૃતિની અસર સમજવા માટે સૌરાષ્ટ્રમાં વધુ સમુદ્ર સ્થળો શોધવા માટેના પ્રયત્નો થયા.

 

1954માં આ પ્રદેશનું પદ્ધતિપૂર્વક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. જેનાથી સિંધમાંથી સૌરાષ્ટ્રમાં હડપ્પીય લોકો કયાં માર્ગે આવ્યા હતા અને જો ત્યાં વધુ હડપ્પીય વસાહતો હોય તો જાણી શકાય. પહેલવહેલું, ગુજરાતની તળભૂમિને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ સાથે જોડતા માર્ગને જળ સિંચતી સાબરમતી નદીના મધ્યભાગના અને નીચાણના વિસ્તારમાં સ્થળ તપાસ કરવામાં આવી. સાબરમતીના મધ્યપ્રવાહની બાજુમાં આવેલ ઉ.ગુજરાતના મેદાનોમાં પૂર્વકાલીન હડપ્પીય વસાહતો માલૂમ પડી નહીં. પરંતુ તપાસ કરતાં લોથલનું સ્થળ 1954ના નવેમ્બર માસમાં શોધવામાં સફળતા મળી હતી. આમ છતાં આ અન્વેષણે એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો; ભાલ નળકાંઠાના માર્ગ(corridor)માં પૂર્વકાલીન હડપ્પીય સ્થળો મળેલાં નહીં, તેના પરથી અંદાજ આવે છે કે, સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવવા માટે હડપ્પીય લોકોએ ભૂમિમાર્ગ લીધો નહોતો.

 

ત્યારબાદ સૌરાષ્ટ્રની ઉત્તરી સરહદ પર પૂર્વકાલીન હડપ્પીય સ્થળોની ગેરહાજરીએ અને સૌરાષ્ટ્રના પૂર્વે તેમજ મધ્ય ભૂ-ભાગોમાં અનેક ઉત્તરકાલીન હડપ્પીય સ્થળોની હાજરીએ આ જાતના અનુમાનને પુરાવા પૂરા પાડ્યા. 1954થી 1960 દરમિયાન ભૂતપૂર્વ સંયુક્ત મુંબઈ રાજ્યના પુરાતત્વખાતા દ્વારા હડપ્પીય સંસ્કૃતિના વિવિધ તબક્કા ધરાવતાં લગભગ 50 જેટલાં આ સ્થળો શોધવામાં આવ્યાં. જેમાં, હડપ્પીય સ્થળો શોધવા ગુજરાતમાં ઉત્ખનન થયું. તેમાં આમરા, લાખાબાવળ, પ્રભાસ-સોમનાથ, રોજડી(શ્રીનાથગઢ), આટકોટ, દડ અને પીઠડિયા હતા.

 

હડપ્પીય સ્થળોની શોધ દરમિયાન સમુદ્રકાંઠાના વિસ્તારમાં પણ સર્વેક્ષણ હાથ ધરાયેલું. જેમાં સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના પશ્ચિમ અને દક્ષિણકાંઠાનું સર્વેક્ષણ કરવાનું ઈ.સ. 1955-59 દરમિયાન હાથ ધરાયું, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે પૂર્વકાલીન હડપ્પીય અને કેટલાંયે ઉત્તરકાલીન હડપ્પીય સ્થળ શોધવામાં આવ્યાં હતાં. લોથલની દક્ષિણે ઘોઘા(જિ. ભાવનગર) નજીક હડપ્પીય મૃત્પાત્ર મળેલા અને ત્યાંથી વધુ દક્ષિણમાં કોડીનારની નજીક આવેલાં કણજેતરમાં એક ઉત્તરકાલીન હડપ્પીય સ્થળ છે. પ્રાયઃ એને મહાભારતમાં પ્રસિદ્ધ બંદર દ્વારકા તરીકે અનેકવાર ઓળખવામાં આવેલું. તેજ રીતે પશ્ચિમ તરફ બીજાં બે ઉત્તરકાલીન હડપ્પીય સ્થળો મળેલાં.

 

કચ્છના દક્ષિણકાંઠે માંડવી નજીક નવી નાળમાં તેમજ સૌરાષ્ટ્રમાં દક્ષિણકાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપ્પીય બંદરોના સ્થાનથી સમર્થન મળેલું એવી પણ સંભાવના જણાય છે કે હડપ્પીય નાવિકો કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ સીધા જતા હશે.

ક્રમશઃ વેરાવળ પાસે પ્રભાસ અને પોરબંદરથી ઉત્તર તરફ કીંદરખેડામાં, સૌરાષ્ટ્રના કાંઠાની ઉત્તર પશ્ચિમે ટોચ પર જામનગરની નજીક આમરા અને લાખાબાવળ સ્થળો પણ મળેલાં. ઈ.સ. 1955-56માં કચ્છમાં હાથ ધરાયેલા હડપ્પીય સ્થળોના અન્વેષણ દ્વારા ત્રણ પૂર્વકાલીન હડપ્પીય અને ત્રણ ઉત્તરકાલીન હડપ્પીય સ્થળો પ્રકાશમાં આવેલાં. દક્ષિણકાંઠા ઉપર માંડવી નજીક નવી નાળ, સમા-ગોગા અને ઉત્તરમાં નખત્રાણા તાલુકામાં દેસલપરમાં પરિપક્વ હડપ્પીય સંસ્કૃત સ્થળો શોધાયેલાં.

 

દક્ષિણકાંઠે કઠારા પાસે ટોડિયો અને વધુ ઉત્તરમાં કતેસર તથા ભૂજ તાલુકામાં લૂણા હા્સ પામતી હડપ્પીય સંસ્કૃતિનાં મથક મળેલાં. ઉપરાંત લાખાપર, સૂરકોટડા અને પબુમઠમાં પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિ સ્થળો મળેલાં. દેસલપર, પબુમઠ અને સૂરકોટડા જેવાં ઉત્તર દિશાનાં સ્થળો કચ્છની પ્રાચીન સમુદ્રતટ-રેખા સૂચવે છે, સામાન્ય રીતે હડપ્પીય સમયમાં કચ્છનું મોટું રણ ખુલ્લા સમુદ્રના રૂપમાં હતું. અને સિંધમાંથી ત્યાં ભૂમિ માર્ગે પહોંચી શકાતું નહોતું. તેવી ઘણી સંભાવના પુરાત્તત્વવિદો એ વ્યક્ત કરેલી કે પૂર્વકાલીન હડપ્પીય લોકો કચ્છમાં પ્રથમ આવી વસ્યા અને ઉત્તરકાંઠા પર સ્થિર થયા. બીજો હડપ્પીય લોક સમૂહ કાંઠે દક્ષિણ તરફ અને લોથલ તરફ પહોંચેલો.

 

કચ્છના દક્ષિણકાંઠે માંડવી નજીક નવી નાળમાં તેમજ સૌરાષ્ટ્રમાં દક્ષિણકાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપ્પીય બંદરોના સ્થાનથી સમર્થન મળેલું એવી પણ સંભાવના જણાય છે કે હડપ્પીય નાવિકો કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ સીધા જતા હશે. આ ઉપરથી એટલું અનુમાની શકાય છે, કે હડપ્પીય અંતર્ગામીઓ ભૂમિમાર્ગ કરતાં સમુદ્રમાર્ગને વધુ પસંદ કરતાં એ નિઃશંક કહી શકાય છે.

 

ગુજરાતમાંનાં સૌથી વધુ હડપ્પીય સ્થળોમાંથી મળતી વિપુલ પુરાવસ્તુકીય સાધનસામગ્રીના સમીક્ષિત અભ્યાસથી એ ઘણું સ્પષ્ટ થાય છે કે બેઉ સમયે સમુદ્રમાર્ગ લઈને હડપ્પીય લોકો કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે પ્રવાહમાં આવ્યા. પહેલી હિલચાલ ઈ.પૂ. 2450માં થઈ હશે જે વેપારીઓ પૂરતી માર્યાદિત હતી. આ વેપારીઓ કાંઠાનાં વેપારીમથકોમાં સ્થિર થયા અને તેઓએ વેપારી વસાહતો સ્થાપી, જે ક્રમે ક્રમે ઔદ્યોગિકકેંદ્રોમાં વિસ્તૃત થઈ. આનું તાદ્રશ દ્રષ્ટાંત લોથલ છે.

 

અત્યાર સુધીમાં જાણવામાં આવેલું પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિનું છેક દક્ષિણનું મથક ભાગાતળાવ તરીકે ઓળખાય છે. એ ટીંબો ભરૂચ જિલ્લામાં કીમના મુખપ્રદેશ જેતપોર નજીક આવેલો. ભરૂચ નજીક ઉત્તરકાલીન હડપ્પીય બે સ્થળો મહેગામ અને તેલોદમાં છે.

મોટે ભાગે પૂરને કારણે થયેલા સિંધુ ખીણની વસાહતોના નાશને લઈને બીજી હિલચાલ ઈ.પૂ. 1900માં થઈ. આ સમયે એ વેપારી માલની શોધમાં જનારા સમૃદ્ધ વેપારીઓ નહિ, પરંતુ મોટી સંખ્યામાં સ્થળાંતર કરેલા દીન અને આપદ્-ગ્રસ્ત આશ્રયાર્થીઓ હશે. એ લોકોએ કચ્છમાં ટોડિયો અને સૌરાષ્ટ્રમાં આમરા, લાખાબાવળ, પ્રભાસ, કીંદરખેડા અને કણજેતર જેવાં નદીમુખો ઉપરનાં બંદરોમાં કામચલાઉ વસાહતો સ્થાપી હશે તેમ જણાય છે. સમય જતાં તેઓ વધુ અનુકૂળ પ્રદેશો શોધતાં અંદરના ભાગમાં વસ્યા. આમ ગોપ, શ્રીનાથગઢ (રોજડી), દેવળિયા, બાબરકોટ વગેરે સ્થળોએ ઉત્તરકાલીન હડપ્પીય લોકોની કેટલીક મોટી ગ્રામ-વસાહતો અસ્તિત્વમાં આવી હશે એમ ઉપરોક્ત આધારો પરથી અનુમાની શકાય છે.

 

હડપ્પીય સંસ્કૃતિનો પ્રચાર માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ પૂરતો માર્યાદિત નહોતો, સાહસિક હડપ્પીય વેપારીઓ પશ્ચિમકાંઠે વધુ દક્ષિણમાં આગળ વધ્યા. અત્યાર સુધીમાં જાણવામાં આવેલું પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિનું છેક દક્ષિણનું મથક ભાગાતળાવ તરીકે ઓળખાય છે. એ ટીંબો ભરૂચ જિલ્લામાં કીમના મુખપ્રદેશ જેતપોર નજીક આવેલો. ભરૂચ નજીક ઉત્તરકાલીન હડપ્પીય બે સ્થળો છે : એક મહેગામમાં અને બીજું તેલોદમાં. આ સ્થળો અનુક્રમે ભરૂચ તાલુકામાં નર્મદા નદીના મુખની નજીક અને આમોદ તાલુકામાં આવેલાં. આ નદીમુખ પરનાં બંદરોથી સમૃદ્ધ અંતઃપ્રદેશને લઈને હડપ્પીય લોકો આકર્ષાયા.

 

રાજપીપળાની અકીકવાળી ટેકરીઓ મહેગામ અને ભાગાતળાવથી જવું સરળ છે. લોથલના મણિયારોને જોઈતા અર્ધકિંમતી પથ્થરોની આયાત આ સ્થળોએથી થતી હશે. તાપી પ્રદેશનાં જંગલોમાંથી સાગ અને બીજી જાતોનું લાકડું બાંધકામ માટે આયાત કરવામાં આવતું. નર્મદા અને તાપીના આજુબાજુ પ્રદેશોમાંથી નિકાસ થતી હશે, બીજો પદાર્થ એ રૂ(કપાસ) હશે.

 

સિંધુ-સભ્યતાના બધાં જ મુખ્ય લક્ષણો લોથલમાં જોવા મળે છે, જે પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતા હશે.

 

આ રીતે હાલના ગુજરાતનાં હડપ્પીય સંસ્કૃતિનાં કેન્દ્રો પુરાવસ્તુકીય સર્વેક્ષણ અને ઉત્ખનન દરમિયાન મળેલા અને તેમાંથી મળેલા પુરાવશેષોના આધારે અનુંમાની શકાય છે.

 

KP

Kanaiyalal Nayak

Kanaiyalal Nayak

(ગુજરાત વિદ્યાપીઠનાં પ્રાધ્યાપક ડો.કનૈયાલાલ નાયકે ગુજરાતના 'ઈતિહાસ અને સંસ્કૃતિ' વિષયમાં ગહન અભ્યાસ કર્યો છે અને ગુજરાતના ઈતિહાસ અંગે અનેક સંશોધનો કર્યાં છે. તેઓ આ લેખમાળામાં ગુજરાતના ભૌગોલિક, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓનો ક્રમબદ્ધ રીતે પરિચય આપી ગુજરાતના ઇતિહાસની વણખેડાયેલી બાબતો પર પ્રકાશ ફેંકશે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.55 %
નાં. હારી જશે. 20.81 %
કહીં ન શકાય. 0.64 %