ગુજરાતના પ્રાચીન ભૌગોલિક ક્ષેત્રોમાં જોઈએ તો દંડકારણ્યનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. ‘ભગવદ્ ગોમંડળ’ના ઉલ્લેખ પ્રમાણે દંડકારણ્ય એ ઈક્ષ્વાકુના ત્રીજા પુત્ર દંડકરાજાનો પ્રદેશ હતો. એક વખત ભૃગુકુલોત્પન્ન ઋષિના શાપથી તેનો ચારસો યોજનના વિસ્તારવાળો દેશ નાશ પામી અરણ્ય (જંગલ, વન) જેવો થઈ ગયો હતો. તેથી તેનું નામ દંડકારણ્ય પડ્યું હતું. એ અરણ્ય વિશાળ હતું. રામ અને સીતાના અહીં રહેવા સંબંધી ઘણા પ્રસંગો વિશે પુરાણોમાં ઉલ્લેખો છે. આ અરણ્યમાં છૂટાછવાયાં ઋષિઓના આશ્રમો હતા. આ અરણ્યમાં ઘણાં હિંસક પ્રાણીઓ અને રાક્ષસો રહેતા. આ જંગલ ચિત્રકૂટ પર્વતથી ગોદાવરી નદીના મૂળ સુધી વિસ્તરેલું હતું. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કૈકયીવચનથી સીતા અને લક્ષ્મણ સાથે શ્રીરામ આ વનમાં તેમના વનવાસ દરમિયાન ઘણો સમય રહ્યા હતા. શૂર્પણખાના નાક-કાન કાપવાનો પ્રસંગ અને રાવણ દ્વારા 'સીતાહરણ' પ્રસંગ પણ અહીં જ બન્યો હતો. 'પંચવટી'નો ઉલ્લેખ છે, તો નાસિકની બાજુમાં હાલમાં પણ લોકો કહે છે, જ્યાંથી ગોદાવરી નદી વહે છે. એટલે કે હાલના ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આ વન આવેલું હતું.
સામાન્ય રીતે પ્રાચીન સાહિત્યોમાં મહાભારત, રામાયણ અને રામ સાથે સંબંધ ધરાવતાં પુરાણોમાં ઉપરાંત સંસ્કૃત સાહિત્યમાં પણ અનેક જગ્યાએ ઉલ્લેખ થયેલ 'દંડકારણ્ય' એ ગુજરાતના દક્ષિણ ખૂણે થાણા જિલ્લાની સરહદ પાસે નાસિક જિલ્લામાં ઊંડે સુધી ગોદાવરીના બંને કાંઠાને આવરીને પથરાયેલ વન અંગેની પ્રાચીન માન્યતાઓ છે. ગુજરાત રાજ્યમાંનો ડાંગનાં જંગલોનો પ્રદેશ એનો ઉત્તર ભાગનો અવશેષ છે. જૈન અનુશ્રુતિ પ્રમાણે તો કુંભ કારકટના રાજા દંડકના નામ ઉપરથી અગ્નિકુમાર નામના દેવે એ નગર બાળી નાંખતા, એના સ્થાનનું એ નામ પડેલું હતું.
સામાન્ય રીતે દંડકારણ્યની પ્રસિદ્ધિ રામના વનવાસપ્રસંગથી થયેલી જોવામાં આવે છે અને રામાયણના મૂળ કથાને અનુસરી મહાભારતમાં આવતાં આરણ્યક પર્વમાં આપેલા રામોપાખ્યાનમાં જોવા મળે છે. રામ ચિત્રકૂટગિરિ ઉપર પ્રથમ જઈ વસ્યા હતા.
મહાભારતમાં સભાપર્વમાં સહદેવ દક્ષિણ દિશાના દિગ્વિજયના વર્ણનમાં ઉલ્લેખ થયો છે, જ્યાં સૂર્યારક (સોપારા)ના ગણરાજ્યને હરાવી દંડકા પ્રદેશના લોકોને હરાવ્યાનું કહેવામાં આવ્યું છે. તે જ રીતે અનુશાસનમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે કોઈ બ્રાહ્મણે દંડકાનું મોટુ રાજ્ય નષ્ટ કરી નાખ્યું હતું. આ દંડકાનો પ્રદેશ એ 'દંડકારણ્ય'નો જ હોવાથી સંભાવના જણાય છે. અને તે મહત્વનું તીર્થ પણ હતું એવું આરણ્યક પર્વમાંના તીર્થયાત્રા વર્ણનના ઉલ્લેખથી સમજાય છે, જ્યાં પયોઢણી નદીની મુલાકાત પછી દંડકારણ્યમાં જઈ નાહવાનું લખાયું છે. ત્યાંથી શરભંગાશ્રમ અને ત્યાંથી શૂર્પારકા(સોપારા) તીર્થ જવાનું કહ્યું છે. આ વિધાનો દંડકારણ્યનો સ્થાન-નિશ્ચય કરવામાં સહાયક થાય છે. ત્યાં શૂર્પારક પછી રામતીર્થ અને પછી સપ્ત-ગોદાતીર્થ કહ્યું છે. જે તેનો વિસ્તાર ગોદાવરી નદીની ખીણ પ્રદેશ સુધીનો નક્કી કરે છે.
સામાન્ય રીતે દંડકારણ્યની પ્રસિદ્ધિ રામના વનવાસપ્રસંગથી થયેલી જોવામાં આવે છે અને રામાયણના મૂળ કથાને અનુસરી મહાભારતમાં આવતાં આરણ્યક પર્વમાં આપેલા રામોપાખ્યાનમાં જોવા મળે છે. રામ ચિત્રકૂટગિરિ ઉપર પ્રથમ જઈ વસ્યા હતા. જ્યાં ભરત રામને પાછા લઈ જવા ગયા હતા. પરંતુ રામ પોતાના નિર્ણયને વળગી રહ્યા હતા. અને છેવટે ભરતે પાછા ફરી નંદીગ્રામમાં રામની પાદુકાને રાખી રાજા બની રાજ્ય વહીવટ કર્યો હતો. જે સર્વવિદિત છે. તેમ છતાં રામને મળવા આવવાની સંખ્યા વધતી રહી, તેથી રામ છેવટે બધાથી દૂર શરભંગાશ્રમ તરફ દંડકારણ્યમાં-ગોદાવરી નજીક રહ્યાં અને અહીં લક્ષ્મણે રામની આજ્ઞાથી શૂર્પણખાના નાક-કાન કાપ્યા અને ખર-દૂષણની સાથે ચૌદ હજાર રાક્ષસોનો રામે સંહાર કરેલો.
દંડકારણ્ય એ ગોદાવરીની ખીણને આવરી લેતો વિશાળ પ્રદેશ હતો. અને નામ ડાંગ શબ્દમાં જળવાયેલું હોઈ ડાંગનો આજનો ગુજરાતમાં આવેલ જંગલપ્રદેશ એ પ્રાચીન 'દંડકારણ્ય' નો એક અંતર્ગત ભાગ હોવાનું સ્પષ્ટ કરી શકાય છે.
ત્યારબાદ બીજી ઘટનામાં શૂર્પણખાએ રાવણને ફરિયાદ કરી તેથી રાવણ બદલો લેવા આ વનમાં આવ્યો. રામે સુવર્ણમૃગ તરીકે આવેલા મારીચને અહીં મારેલો. મરતાં-મરતાં મારીચે સીતા-લક્ષ્મણનો પોકાર કરેલો. તેથી સીતાએ લક્ષ્મણને ફરજ પાડી રામ મુશ્કેલીમાં હોવાનું જણાવી મોકલ્યો. આ સમયે સીતાને રાવણ સાધુ કે ઋષિ સ્વરૂપે હરી ગયો એવા ઉલ્લેખ છે. આ બધુ દંડકારણ્યમાં થયેલું તેવા ઉલ્લેખો છે.
તે જ રીતે રામાયણમાં અયોધ્યાકાંડના અંતભાગમાં અત્રિ ઋષિનો આશ્રમ છોડી, આગળ નીકળી 'વન'માં પ્રવેશ કરવાનો ઉલ્લેખ છે. તે જ રીતે અરણ્યકાંડના આરંભમાં જણાવ્યા પ્રમાણે એ 'વન' તે 'દંડકારણ્ય', જ્યાંના તાપસાશ્રમની એક પર્ણશાળામાં એમને ઉતારો આપવામાં આવેલો. વિરાધ-વધ શરભંગ ઋષિને ત્યાં ગમન, સુતીક્ષ્ણ ઋષિ તરફથી સત્કાર દસ વર્ષના નિવાસ પછી અગસ્ત્યાશ્રમગમન અને પંચવટીમાં નિવાસ, શૂર્પણખાનું આગમન ખર અને દૂષણનો વધ, ત્રિશીર્ષનો વધ વગેરેથી લઈ સીતાના હરણ સુધીની ઘટનાઓ બધી વિશાળ દંડકારણ્યમાં બની છે. તે જ રીતે બાણકાદંબરીમાં દંડકારણ્યનું વર્ણન આપેલું છે. એને ત્યાં શબરીનો વાસ કહ્યો છે.
રાજશેખર માહિઢમનીના પ્રદેશ પછી દક્ષિણાપથનો ખ્યાલ આવતાં જે પ્રદેશોનાં નામ આપેલ છે. તેમાં ચોડ અને પાંડ્ય વચ્ચે દંડક કહ્યો છે. પણ ત્યાં કોઈ ક્રમ સ્પષ્ટ નથી જણાતો, તેથી એ વિશે સંભાવના જ કરવી પડે. 'દંડકારણ્ય'નો પ્રદેશ નામ તરીકે જુદુ સૂચન કરે છે, તે સૂર્પારક અને કાંકણ પણ કહેવાયો છે. નાસિક પછી તરત કાંકણ આવે છે. નર્મદા, તાપી, પયોઢણિ, ગોદાવરીને તેણે દક્ષિણાપથમાં કહી છે. આમ દંડકારણ્ય એ ગોદાવરીની ખીણને આવરી લેતો વિશાળ પ્રદેશ હતો. અને નામ ડાંગ શબ્દમાં જળવાયેલું હોઈ ડાંગનો આજનો ગુજરાતમાં આવેલ જંગલપ્રદેશ એ પ્રાચીન 'દંડકારણ્ય' નો એક અંતર્ગત ભાગ હોવાનું સ્પષ્ટ કરી શકાય છે.
KN / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: