ગુજરાતની આબોહવા એકંદરે સમશીતોષ્ણ છે. આ ઉપરાંત ખનીજક્ષેત્રે પણ ગુજરાત અત્યંત સમૃદ્ધ છે. આ લેખમાં ગુજરાતના વિવિધ પ્રદેશોની આબોહવા અને ખનીજ વૈવિધ્ય અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવાની કોશિશ કરાઈ છે.
આબોહવા
ગુજરાતની આબોહવા એકંદરે સમશીતોષ્ણ છે. ઉત્તરના ભાગોમાં આબોહવા સૂકી અને દક્ષિણના ભાગોમાં ભેજવાળી હોય છે. અરબી સમુદ્ર અને અખાતોની અસર નીચે પૂર્વના ભાગોમાં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે ને આબોહવા વધારે ખુશનુમા અને આરોગ્યપ્રદ રહે છે. પૂર્વ સીમા પર આવેલાં વન-આચ્છાદિત પર્વતો અને ડુંગરોને લીધે પણ આબોહવામાં ગરમીની તીવ્રતા ઓછી રહે છે.
સામાન્ય રીતે અહીં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓ આવે છે. શિયાળો સામાન્ય રીતે નવેમ્બરથી ફેબુઆરી સુધી રહે છે. વધારે ઠંડી જાન્યુઆરીમાં પડે છે. શિયાળામાં ઉષ્ણતામાન દિવસે 21થી 38 સે.(70 થી 100 ફે.) સુધી અને રાત્રે 1થી 20 સે.(30 થી 67 ફે.) સુધી રહે છે. આ ઋતુ દરમિયાન આકાશ સ્વચ્છ હોય છે અને ઉત્તર તરફના ઠંડા સૂકા પવન વાય છે. પશ્વિમ દિશાથી તોફાની વાયરા વાય છે ત્યારે સખત ઠંડીનું મોજું ફરી વળે છે, ભયંકર પવન ફૂંકાય છે અને ક્યારેક વરસાદ પણ પડે છે.
માર્ચ મહિનામાં ઉનાળો બેસતાં ધીમે ધીમે ઉષ્ણતામાન વધતું જાય છે. મે માસમાં સખત ગરમી પડે છે. જૂનમાં આકાશમાં વાદળો ઘેરાતાં ગરમીનું પ્રમાણ ઘટવા લાગે છે. ઉનાળામાં સામાન્ય રીતે 37 થી 47 સે.(98થી 116 ફે.) સુધી ઉષ્ણતામાન રહે છે.
ગુજરાતમાં વર્ષનો 90 થી 95 ટકા જેટલો વરસાદ ચોમાસા દરમિયાન પડે છે. આ વરસાદ દક્ષિણ પશ્વિમ દિશામાંથી આવતાં ભેજવાળા પવનો પર તથા બંગાળના ઉપસાગરમાં થતાં દબાણની વધઘટ પર આધાર રાખે છે. સામાન્ય રીતે વરસાદ જુલાઈમાં પડે છે. કિનારાની પટ્ટી પર ભરૂચ સુધી વરસાદનું પ્રમાણ વધતું જાય છે એ ઉત્તર તરફ જતાં ઘટતું જાય છે. વડોદરાની પૂર્વે આવેલા છોટાઉદેપુર-બારિયા પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધારે છે એમાં સાતપૂડા અને વિંધ્ય હારમાળાના પશ્વિમ છેડાની અસર કારણરૂપ છે. અરવલ્લી પર્વતમાળાની દક્ષિણ છેડાની અસરને લઈને આબુ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધારે છે.
ગિરનાર પર્વત અને ગીરની ડુંગરમાળાની અસરને લીધે જુનાગઢથી લઈને જિલ્લાના દક્ષિણ-પશ્વિમ ભાગમાં વરસાદ વધારે પડે છે. ભરૂચ-ડીસાથી પશ્વિમ તરફ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્વિમ ભાગમાં વરસાદનું પ્રમાણ ઘણું જ ઓછું છે. ગુજરાતમાં સહુથી વધુ વરસાદ ડાંગ પ્રદેશમાં પડે છે. ત્યાં ગયા દાયકામાં એક વર્ષે 194.2 સે.મી. જેટલો વરસાદ પડેલો.
બનાસકાઠાંમા વરસાદ 78 સે.મી. જેટલો ઓછો પડે છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ 50 સે.મી. થી 62 સે.મી.પડે છે, જયારે કચ્છમાં માંડ 30 સે.મી. જેટલો વરસાદ પડે છે. ત્યાં કયારેક આઠ સે.મી.જેટલો ઓછો વરસાદ પણ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ચોમાસું હટવા લાગે છે ને ઓકટોબરમાં ઋતુમાં ઘણું પરિવર્તન થાય છે. ચોમાસા અને શિયાળા વચ્ચેના આ માસમાં આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ રહે છે. સિંચાઈ માટે નદીઓ, કૂવાઓ અને તળાવો ઉપરાંત હવે નહેરો પાતાળકૂવાઓની સગવડ થતી જાય છે.
ખનીજો
ગુજરાતમાં ખનીજસંપત્તિ વિશે વધુને વધુ શોધખોળ થતી જાય છે. ખનીજતેલ અને કુદરતી ગેસનાં મથક ખંભાતના અખાતની આસપાસના વિસ્તારમાં લગભગ બધી બાજુએ ઠેકઠેકાણે મળતાં જાય છે. કેટલીક જગ્યાએ કોલસા અને લિગ્નાઈટનો જથ્થો મળે છે. પરંતુ એ બાબતમાં હજી વધુ સંશોધન ચાલી રહ્યું છે.
પંચમહાલ જિલ્લામાં શિવરાજપુર પાસે માઈલો સુધી મેંગેનીઝની કાચી ધાતુ પથરાયેલી છે. છોટાઉદેપુર, બારિયા વગેરે કેટલાંક બીજાં સ્થળોએ પણ મેંગેનીઝ મળી આવવાની નિશાનીઓ દેખાય છે. છોટાઉદેપુર તાલુકામાં આંબા ડુંગરમાં ફ્લોરાઈડનો મોટો જથ્થો મળ્યો છે. પોલાદને સખત કરવામાં મેંગેનીઝની જેમ જેનો ઉપયોગ થાય છે તે ટંગ્સ્ટનની કાચી ધાતુ અરવલ્લીની પર્વતમાળામાંથી તથા પંચમહાલ જિલ્લાના ફિલન્ટના પથ્થરોમાંથી મળી આવે છે. બિન-લોહધાતુઓમાં અહીં તાંબું, સીસું, જસત અને એલ્યુમિનિયમની ધાતુઓ મળે છે.
બનાસકાંઠામાં શિહોરી તથા અંબાજી નજીક તાંબું ગાળવાની ભઠ્ઠીઓ હતી. શિહોરી પાસે, છોટાઉદેપુર, ભાયાવદર અને શિહોર પાસે તાંબાની કાચી ધાતુ હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠા અને પંચમહાલમાં સીસાની કાચી ધાતુ મળે એમ લાગે છે. પંચમહાલમાં જાંબુઘોડા પાસે જસતની કાચીધાતુ મળે એમ જણાય છે. ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં બોક્સાઈટનો મોટો જથ્થો પડેલો છે. બોક્સાઈટમાંથી એલ્યુમિનિયમ નીકળે છે. પંચમહાલ અને છોટાઉદેપુરના પ્રદેશમાં યુરેનિયમ વગેરે મળવાની નિશાની મળી છે ને ઈડર પાસે થોરિયમની કાચીધાતુનાં એંધાણ મળ્યાં છે. આ ધાતુઓ અણુશક્તિના ઉત્પાદનમાં ઉપયોગી છે.
બનાસકાંઠામાં કેટલીક જગ્યાએ કલાઈ, તાંબું અને મેન્ગેનિઝ નીકળે છે. એ ઉપરાંત અમુક સ્થળોએ ગંધક, અબરખ, સુરોખાર, ઘસિયું મીઠું, અડધિયો પથ્થર, આરસ, ખડી, રાતી માટી, પીળી માટી વગેરે નીકળે છે.
બાંધકામ માટેના પથ્થરોમાં ગ્રેનાઈટ સંખેડા તાલુકામાં અને ગ્રેનાઈટ-નાઈસ બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં મળે છે. સારી જાતનો સેન્ડસ્ટોન ગુજરાતમાં અખૂટ પ્રમાણમાં મળે છે, ખાસ કરીને હિંમતનગર, નાથકૂવા(પંચમહાલ) અને સોનગઢ પાસે તેમજ ધ્રાંગધ્રા પાસેની ખાણોમાં. ક્વાર્ટઝાઈટ સેન્ડસ્ટોન વડોદરા જિલ્લાના બધાં સ્તરોમાં તેમજ રાજપીપળા પ્રદેશમાં મળે છે. સુશોભન માટેના પથ્થર પણ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં મળે છે. પાલનપુર, ઈડર, પંચમહાલ અને વડોદરા વિસ્તારમાં મળતા ગ્રેનાઈટ-નાઈસ નકશીકામ માટે સારાં કામ લાગે છે ને એના પર ભારે પોલિશ થઈ શકે છે.
ગુજરાતમાં આરસપહાણનો પણ સારો જથ્થો છે. બનાસકાંઠામાં આરાસુર વિસ્તારમાં સફેદ આરસપહાણ મળે છે. રાજપીપળામાંથી સફેદ, કાળા અને લાલ રંગના આરસપહાણ મળી આવે છે. સંખેડા તાલુકામાંથી લાલ, ગુલાબી, ભૂખરા, નીલ અને પીળા રંગના આરસપહાણ મળે છે.
ગુજરાતમાં ચૂનો અને સિમેન્ટ બનાવવા માટે જોઈતી સામગ્રી પૂરતાં પ્રમાણમાં મળી આવે છે. એમાં પથ્થર ઘણો કામ લાગે છે. એ ખાસ કરીને પોરબંદર, માંગરોળ-સોરઠ, બનાસકાંઠા અને વાડાસિનોર વિસ્તારમાં મળે છે. તળ ગુજરાતમાં નદીઓના કાંપમાં અને જમીનના આવરણો નીચે મળતો કંકર પણ ચૂનો અને સિમેન્ટ બનાવવા માટે કામ લાગે છે.
સાબકાંઠા જિલ્લામાં,ઈડર પાસે અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં ચિનાઈ માટી મળી આવે છે. ગુજરાતમાં બોક્સાઈટ ઉપરાંત સ્ટીએટાઈટ, ડોલોમાઈટ, સિલિકા અને ફેલ્ડસ્પાર જેવા અદ્રાવ્ય પદાર્થ પણ કેટલેક ઠેકાણે મળે છે. વડોદરા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કાચ બનાવવા માટેની રેતી પૂરી પાડતો રેતીનો પથ્થર કેટલીક જગ્યાએ મળે છે. વડોદરા જિલ્લામાં, રાજપીપળા પાસે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં રંગ બનાવવા માટેની વિવિધ માટી મળે છે.
અર્ધ-કિંમતી પથ્થરોમાં અકીક સહુથી વધુ પ્રમાણમાં મળે છે. અકીકની ખાણો ખાસ કરીને રાજપીપળા પાસે આવેલી છે. કેટલેક ઠેકાણે અકીક ઉપરાંત જેસ્પર અને કાર્નેલિયન પણ મળે છે. જિપ્સમ(હરસોઠ) રાજપીપળા પાસે, ઓખામંડળમાં, ઘોઘા પાસે અને કચ્છના તટપ્રદેશમાં મળે છે. ઈડર, દાંતા, છોટાઉદેપુર અને જાંબુઘોડા પાસે ઊતરતી કોટીનું અબરખ મળે છે. ભરૂચ, જંબુસર, જુનાગઢ અને કચ્છમાં મળતી ઊસના જેવી માટી ખનીજ તેલક્ષેત્રોનાં શારકામમાં તેમજ ખનીજતેલ અને વનસ્પતિતેલો શુદ્ધ કરવામાં વપરાય છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તથા ખારાઘોડા(જિ.અમદાવાદ)માં મીઠું પકવવામાં આવે છે. કચ્છના રણનું મીઠું કડવું હોઈ ભાગ્યે જ વપરાય છે. ભૂસ્તરીય અન્વેષણો તથા ઔદ્યોગિક વિકાસ-યોજનાઓ દ્વારા ગુજરાતમાં વધુ ખનીજસંપત્તિ મળી રહી છે.
(આવતાં અંકમાં ગુજરાતનાં સમુદ્રીપ્રદેશો અને માનવ-જીવન અંગે વિસ્તૃત માહિતિ રજૂ કરવામાં આવશે.)
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: