આયર્લેન્ડમાં ભારતીય મહિલા તબીબ સવિતા હલપ્પનવારનાં મૃત્યુની ઘટનામાં ગંભીર વલણ અપનાવતાં ભારત સરકારે આયરિશ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડમાં તબીબોએ ‘એક કેથોલિક દેશ’ હોવાનો હવાલો આપીને ગર્ભપાત કરવાનો ઈનકાર કર્યો હતો. જેના કારણે 31 વર્ષીય ભારતીય ડેન્ટિસ્ટ સવિતાનાં લોહીમાં ઝેર ફેલાતાં તેનું મૃત્યુ થયું હતું.
એક રિપોર્ટ અનુસાર આયર્લેન્ડમાં ભારતીય રાજદૂત દેવાશિષ ચક્રવર્તી આ મુદ્દો આયરિશ સરકાર સમક્ષ ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની રહેવાસી સવિતાના લોહીમાં ઝેર ફેલાતાં 28 ઓક્ટોબરે ગૈલવેની યુનિવર્સિટી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તબીબોએ આયર્લેન્ડ એક કેથોલિક દેશ હોવાનું કહીને તેનું ગર્ભપાત અંગેનું ઓપરેશન કરવાનો ઈનકાર કરી દીધો હતો.
આ સમાચાર પછી ડબલીનમાં આયર્લેન્ડના ગર્ભપાત અંગેના નિયમો વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા. આરોગ્યમંત્રી જેમ્સ રિલેએ જણાવ્યું હતું કે આ મુદ્દે તપાસ કરવામાં આવશે. આયર્લેન્ડની સંસદ ‘ધ ડેલ’ની બહાર લગભગ 2000 જેટલા લોકો એકત્રિત થયા હતા, જેમણે દેશના આ વિવાદાસ્પદ ગર્ભપાતના કાયદામાં સંશોધનની માંગ કરી છે. અહીં સવિતાની સ્મૃતિમાં એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. દરમિયાન મહિલા તબીબનાં માતા-પિતાએ આંતરરાષ્ટ્રીય તપાસની માંગણી પણ કરી છે.
JD
Reader's Feedback: