ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલાં ગુજરાતના મુખ્ય પ્રતિદ્વંદ્વી રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત અન્ય એનડીએના સાથી રાષ્ટ્રીય પક્ષ જેડીયુએ પણ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેડીયુએ બુધવાર 12મી સપ્ટેમ્બરથી પોતાના પ્રચાર-પ્રસારની કામગીરીના શ્રીગણેશ કર્યાં છે. પક્ષનાં રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી ચંદ્રરાજ સિંઘવીએ જીજીએનને વિશેષ મુલાકાત આપી હતી. જેના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે.
પ્રશ્ન: ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં જેડીયુની રણનીતિ શું રહેશે ?
જવાબ: ગુજરાતની આગામી ચૂંટણીઓમાં જનતાદળ યુનાઈટેડ(જેડીયુ) કોઈ પણ પ્રકારના મિકેનિકલ રોબોટને ચૂંટણીના મેદાનમાં ઉતારશે નહીં. જનતાદળ પોતાની તાકાત અને દમ સાથે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં ઝંપલાવશે.
પ્રશ્ન: જેડીયુ એનડીએનો ઘટક પક્ષ છે તેમ છતાં ગુજરાતમાં ભાજપની સામે કેમ મેદાનમાં ઊતરી રહ્યો છે?
જવાબ: આ એક અફવા છે. અમે તો અમારી પાર્ટી માટે ચૂંટણી લડીએ છીએ. અમારા કોઈ શત્રુ નથી, બલકે અમે એક પ્રતિદ્વંદ્વી હરીફ ઉમેદવાર છીએ. આ ચૂંટણીમાં ભાજપની સામે ઉમેદવાર ઊભો રાખવાથી ભાજપ અને સાથી પક્ષોના બનેલા સંગઠન એનડીએ અને જેડીયુ વચ્ચેના સંબંધોમાં ક્યારેય દરાર પડવાની નથી.
પ્રશ્ન: ગુજરાતમાં કયા વર્ગના મતદારોનો જેડીયુને આવકાર મળશે ?કેમ મળશે?
જવાબ: જેડીયુ પાસે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપલાવવાને માટે સબળ કારણ છે. આ પક્ષ પાસે શરદ યાદવ અને વડાપ્રધાનપદના દાવેદાર એવા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર જેવાનું નેતૃત્વ છે. જ્યાં સુધી ગુજરાતને લાગેવળગે છે, ત્યાં સુધી ગુજરાતના ગરીબો, આદિવાસીઓ, ટ્રાયબલ, અલ્પસંખ્યક એવા મુસ્લિમોનો મોટો સમૂહ જેડીયુને સમર્થન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કમિટેડ મુસ્લિમ અને આદિવાસી તથા ગરીબોના મતો અમને મળશે. આ ઉપરાંત પટેલો, ઠાકોરો સહિત અન્ય જ્ઞાતિના મતો પોતાના પક્ષને મળશે. કોંગ્રેસની રણનીતિ એવી રહેવા પામી છે કે તેણે આજ સુધી ગુજરાતને એકપણ અલ્પસંખ્યક નેતા આપ્યા નથી.
પ્રશ્ન: ગુજરાતની પ્રજા પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસનાં કાર્યોથી સંતુષ્ટ છે. તો પછી જો કોંગ્રેસને મત ન આપે તો જેડીયુને કેમ આપશે?
જવાબ: અમે ગુજરાતમાં પ્રજાને ભાજપ, મોદી કે કોંગ્રેસ સાથે તોડવાની વાત કરવા માટે આવ્યા નથી. અમે તો માત્ર જેડીયુની સાથે જોડાવાની વાત કરવા માટે આવ્યા છે. જેડીયુની વિચારસરણી સાથે જોડાનારો મોટો વર્ગ છે. તેઓના મતોથી અમે વણકલ્પી સફળતા મેળવીશું એમાં કોઈ બેમત નથી. જેડીયુનું ગુજરાતમાં આગમન એ કોઈને હરાવવા માટે કે પછીથી કોઈની સાથે ઝઘડાવવા માટે નથી. પરંતુ એક ખાસ વર્ગ જે જેડીયુની વિચારસરણીને માને છે એની વાચાને પરિપૂર્ણ કરવા માટે જેડીયુએ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. અમે ગુજરાતમાં એનડીએને કે ભાજપને નબળાં પાડવા માટે આવ્યા નથી. એનડીએ અખંડ જ રહેશે. તેમજ એનડીએ અને જેડીયુના સંબંધો પણ અખંડ રહેશે.
પ્રશ્ન: કોંગ્રેસ અને યુપીએનું ભાવિ કેવું લાગે છે?
જવાબ: કોંગ્રેસને આવનારા ભવિષ્યમાં શોધવા માટે દૂરબીન જોઈશે. જ્યારે ભાજપ અને એનડીએના ઘટકપક્ષો દેશના શાસનની ધૂરા ભવિષ્યમાં સંભાળશે. ભાજપની સત્તાનાં વધતાં જતાં રાજ્યો અને તામિલનાડુ, પંજાબ અને અન્ય રાજ્યોના કોંગ્રેસ વિરુદ્ધના લોકજુવાળ એની સાક્ષી પુરાવે છે. જયારે કોંગ્રેસ પાસે તો સમખાવા પૂરતાં જ આસામ, ત્રિપુરા જેવા આંગળીના વેઢે ગણી શકાય એટલાં રાજ્યો છે.
PP / KP
Reader's Feedback: