Home» Life» Health» Healthy vasana in winter season

શિયાળાની પહેલી પસંદ સ્વાસ્થ્યપ્રદ વસાણાં

જીજીએન ટીમ દ્વારા | December 25, 2012, 05:28 PM IST

અમદાવાદ :

શિયાળો જામતા જ ગુજરાતી કુટુંબોમાં વસાણાં અને અડદિયાં તથા શિયાળુ પાક બનાવીને ખાવાની એક અનોખી પરંપરા છે. આને પરંપરા જ ગણી લો, કારણ કે શિયાળા વિના ભાગ્યે જ ગુજરાતી ઘરમાં વસાણાં બને છે. શિયાળામાં વસાણાં ખાવાથી આખું વર્ષ શરીરમાં ઊર્જા રહે છે તેમ જ વસાણાંમાં ઉપયોગમાં લેવાતાં લોટ, સૂકોમેવો, ઘી વગેરે શરીરને ઊર્જા અને શક્તિ પૂરી પાડે છે.

જોકે વધતી જતી મોંઘવારી અને બદલાયેલી ખાણીપીણીની શૈલીને પ્રતાપે એક પ્રશ્ન ચોક્કસ થાય કે  હવે લોકો અડદિયાં ખાવાનું પસંદ કરે છે ખરા? અને ખાવાનું પસંદ કરતાં હોય તો પણ આજની મોંઘવારીમાં અડદિયાંને લગતી વસ્તુઓ ખરીદવી પોસાય તેમ છે? મોટા ભાગના યુવાનો તથા સ્કૂલમાં જતાં બાળકો અડદિયાંની કડવાશને કારણે તથા યુવતીઓ ચરબી અંગે સભાન હોવાથી અડદિયાં ખાવાનું ટાળે છે, પરંતુ એક ચોક્કસ વડીલવર્ગ એવો છે જે શિયાળા દરમિયાન વિવિધ વસાણાં ખાવાનું પસંદ કરે જ છે.

જેમ જેમ ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે ફરી એકવાર ઘરડેરાઓ અડદિયાં અને વસાણાંની મજા તથા પૌષ્ટિકતાને યાદ કરી રહ્યાં છે. ઘી, મેથી, અડદ અને જુદાં જુદાં સૂકામેવાથી ભરપૂર વસાણાં ખાવાની વાત જ નોખી છે. આજની પેઢીને ભાગ્યે જ સૂંઠપાક, ગુંદરપાક, બદામપાક, કચરિયું, સાલમપાક, કાટલું, અડદિયાં, તલપાક જેવા પાકની ખબર હશે! પરંતુ જેણે જેણે આવાં વસાણાં ખાધાં હશે તેઓ તો કહેતાં જ હશે કે, વસાણાં ખાધા વિના શિયાળો નકામો...

શિયાળા દરમિયાન આવા પાક ખાવાને લીધે શરીરમાં ઉષ્મા તો જળવાઈ જ રહે છે. સાથેસાથે આખું વર્ષ શરીરની ઊર્જા અને શક્તિ પણ સચવાઈ રહે છે. શિયાળો જામે એટલે આજેય મોટાભાગની ગૃહિણીઓ સ્વાસ્થ્યપ્રદ પાક અને વસાણાં બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. કારણ કે, શિયાળાના ચાર મહિના જો સારું અને સ્વાસ્થ્યવર્ધક ભોજન લેવામાં આવે તો આખા વર્ષ દરમિયાન શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. અને એટલે શિયાળો આવતાંની સાથે ખોરાકમાં એવી કેટલીક બાબતોનો સમાવેશ આપોઆપ થઈ જાય છે જેની શરીરને વિશેષ જરૂર હોય અને તંદુરસ્તીમાં વધારો કરે.

શિયાળામાં ભૂખ વધારે લાગે છે, કેમ કે શિયાળામાં ઠંડી પડવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે. આ ઋતુનો પ્રબળ જઠરાગ્નિ પૌષ્ટિક આહાર દ્રવ્યોને સરળતાથી પચાવે છે એટલે આપણે ત્યાં આરોગ્યને દૃષ્ટિ સમક્ષ રાખીને શિયાળામાં અતિ પૌષ્ટિક એવા વિભિન્ન વસાણાં અથવા પાક ખાવાનો રિવાજ અથવા પરંપરા છે.

પહેલાના સમયમાં મોટાભાગનો વર્ગ અડદિયાં ખાવાનું પસંદ કરતો હતો, પરંતુ આજે તો માત્ર ઉચ્ચ મધ્યમવર્ગને જ તેની કિંમતો પોસાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મોંઘવારીએ જે રીતે માઝા મૂકી છે તેમાં મધ્યમવર્ગને તો વસાણાં બનાવવા ઘણાં આકરાં પડે છે. વસાણાં કે અડદિયાં પાકના નામે ઓળખાતા શિયાળુ પાકમાં ઘી, તેજાના અને સૂકોમેવો વપરાતો હોવાથી મધ્યમવર્ગને તે મોંઘો પડે છે તેમ છતાં ઘણા લોકો શિયાળામાં વસાણાં ખાવા પસંદ કરે જ છે.

હવે તો મીઠાઈઓવાળા પણ જુદાં જુદાં પાક ઓર્ડરથી તૈયાર કરવા લાગ્યા છે અને બજારમાં વસાણાં 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલોના પેકિંગમાં મળી રહે છે. આ વર્ષે ઘી, ખાંડ તથા જુદા જુદા સૂકામેવા મોંઘા હોવાથી શિયાળુ પાકમાં પણ 30થી 35 રૂપિયાનો વધારો થયો છે.

સ્વાસ્થ્ય માટે જાગૃત યુવાનો શિયાળામાં ડાયેટની ચિંતા કર્યા વિના મોજથી વસાણાં આરોગે છે, પરંતુ શહેરોમાં કેટલોક એવો વર્ગ પણ છે જે વસાણાં પસંદ કરતો નથી. ખાસ કરીને ટીનેજર્સ. ફાસ્ટફૂડ, જંકફૂડ  અને ગરમાગરમ તીખી વસ્તુઓ પસંદ કરતાં બાળકો વસાણાં ખાવા પસંદ કરતાં નથી. વળી મેથીનાં થોડા કડવા લાડુથી પણ આ પેઢી દૂર ભાગે છે.

જોકે આ બધી વાસ્તવિકતા હોવા છતાં ગુજરાતમાં ઘણાં એવાં વસાણાં તથા અડદિયાં પ્રેમી છે જેઓ ઠંડીનું સામ્રાજ્ય રહે ત્યાં સુધી વસાણાં, સ્વાસ્થ્યપ્રદ પીણાં, કાવો બધું જ આરોગીને સ્વસ્થ તથા નિરામય આરોગ્યને જાળવી રાખવા કમર કસે છે.


MP / KP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %