અસીમાનંદનો એક ઈન્ટરવ્યૂ પ્રગટ થયો. તેમાં તેમણે એવું કહ્યું છે કે ઈસ્લામી આતંકવાદનો સામનો કરવા માટે કરવામાં આવેલા વિસ્ફોટોની માહિતી આરએસએસના વડાને હતી અને તેમની સંમતિ પણ હતી. સમજૌતા એક્સપ્રેસ, માલેગાંવ, હૈદરાબાદ મક્કા મસજિદ, અજમેર દરગાહમાં થયેલા વિસ્ફોટોનું કાવતરું અસીમાનંદ અને તેમના સાથીઓએ કરેલું તેનો કેસ હજી ચાલી રહ્યો છે. આ પ્રકારના વિસ્ફોટો કરવાની યોજના થયેલી અને તેની માહિતી મોહન ભાગવતને આપવામાં આવેલી એવું અસીમાનંદનું ઈન્ટરવ્યૂમાં કહેવું છે. 1998-2000ની આસપાસની આ વાત છે. તે વખતે અસીમાનંદ ડાંગમાં સક્રીય હતા. સુરતમાં કોઈ કાર્યક્રમ માટે મોહન ભાગવત અને ઈન્દ્રેશ કુમાર આવેલા. તે વખતે ભાગવત હજી સંઘના વડા બન્યા નહોતા. તેઓ મહામંત્રી હતા. ડાંગના જંગલમાં તેઓ ગયેલા અને અસીમાનંદને મળેલા. અસીમાનંદને કહેલું કે તમે આવું કશુંક કરો તે બરાબર છે, પણ જોજો તેમાં ક્યાંય સંઘનું નામ આવવું જોઈએ નહીં.
હવે આ ઈન્ટરવ્યૂ જ આખો ખોટો છે તેવું અસીમાનંદના વકીલ અને અસીમાનંદ પોતે પણ કહી રહ્યા છે. તેથી પહેલો સવાલ એ કે ઈન્ટરવ્યૂ સાચો કે ખોટો? ઇન્ટરવ્યૂ ખાસ્સો મોટો છે. હકીકતમાં અસીમાનંદ સાથે અંબાલા જેલમાં થયેલી મુલાકાતો અને બાદમાં અસીમાનંદે જેમના ઉલ્લેખો કર્યા તે બધા લોકો સાથેની મુલાકાતો બાદ લખાયેલો લાંબો લેખ છે. ખાસ્સી વિગતો સાથે લેખ છે એટલે ઈન્ટરવ્યૂ તદ્દન ખોટો હોય તેમ લાગતું નથી. જેલમાં કંઈ સત્તાવાર ઈન્ટરવ્યૂ ના થાય. વાતચીત થાય. વાતચીત થયા પછી પાછળની રદીયો આપવાની વાત જાણીતી છે. પણ બીજો સવાલ એ છે કે અસીમાનંદે કહેલી વાતો કેટલી સાચી? અસીમાનંદે ડાંગમાં કઈ રીતે ખ્રિસ્તી મિશનરીઓ વટાળ પ્રવૃત્તિ કરે છે અને કઈ રીતે તેનો સામનો કરવામાં આવેલો તેની વાતો કરેલી છે. સેવા કરવાના સ્વાંગમાં આદિવાસીઓને વટલાવાની ખતરનાક અને દેશને તોડી નાખનારી પ્રવૃત્તિ કરતા મિશનરીઓને રોકવા જરૂરી છે. તે કામ સરકાર તો કદી કરવાની નથી. ભાજપની સરકાર પણ નથી કરવાની ભાઈ, તમે લખી રાખજો. ભાજપ પણ સત્તાનો ભૂખ્યો છે અને સત્તા મળતી હોય તો ખ્રિસ્તીઓને વટલાવવાનું કામ કરવા દેશે. કરવા દીધું પણ હતું. ડાંગમાં અસીમાનંદે ખ્રિસ્તીઓને ફેલાતા અટકાવ્યા અને આદિવાસીઓને ફરી હિન્દુ બનાવ્યા તે વખતે તોફાનો થયેલા. અસીમાનંદ અને તેમના સાથીઓએ અનેક ગામડાંમાં ઊભા થઈ ગયેલા ચર્ચોને તોડી પાડેલા. મામલો બહુ ઉગ્ર બન્યો એટલે વાજપેયીનું દિલ દ્રવી ઉઠેલું. ભાજપના નેતાઓના દિલ આવી બાબતોમાં બહુ દ્રવી ઊઠે. વાજપેયી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહે ઈસ્લામી ટોપીઓ પહેરીને ખાસ ફોટો પણ પડાવેલા છે.
દોસ્ત, વાંધો ઇસ્લામી ટોપી પહેરવાનો નથી, વાંધો ભાજપના દંભનો છે. ભાજપ હિન્દુઓને છેતરે છે તેનો વાંધો છે... તમે ખોટી ધારણાઓ ના બાંધો. ઓકે, આડી વાત છોડો... વાજપેયીએ અડવાણીને કહ્યું અને અડવાણીએ કેશુભાઈને કહ્યું - આ ડાંગમાં બચાડા ખ્રિસ્તી મિશનરીઓની બહુ હેરાનગતિ થાય છે તે જરા તમે અટકાવો. કેશુભાઈએ ડાંગમાં પોલીસને મોકલીને કડક હાથે કામ લીધેલું અને અસીમાનંદના સાથીઓને પકડીને જેલમાં પુરી દીધેલા. અસીમાનંદે એવું પણ આ કથિત ઈન્ટરવ્યૂમાં કહેલું છે કે મોદી તેમને મળેલા અને કહેલું કે - મારું ગોઠવાઈ ગયું છે. હું સીએમ બનવાનો છું અને તમે સારું કામ કરો છો તે તમારું કામ હું સીએમ બન્યા પછી કરીશ. નરેન્દ્ર મોદીએ તેવું કામ કરેલું પણ ખરું. ડાંગમાં અસીમાનંદની સંસ્થાઓ દ્વારા થતા કાર્યક્રમોને ખાસ્સી સરકારી મદદો મળેલી.
જોકે સ્થિતિ બાદમાં પલટાઈ ગઈ. વિસ્ફોટોના કેસમાં અસીમાનંદ અને પ્રજ્ઞાસિંહની ધરપકડ પછી સંઘ અને ભાજપે તેમનાથી હાથ ખંખેરી નાખ્યા છે. અસીમાનંદે પંપા સરોવર પાસે જે આશ્રમ બનાવેલો તેને પણ ભાજપ સરકારે તોડી પાડ્યો છે. ગોધરા પછીના તોફાનોમાં માયાબહેન કોડનાની સહિત અનેક લોકો જેલમાં પહોંચી ગયા છે અને ભાજપ કે સંઘ કે વિહિપ તેમની કોઈ મદદ કરતી નથી તેવા નિસાસા હિન્દુવાદીઓ નાખી રહ્યા છે. એવી મદદ કરવી જોઈએ એવું અમે નથી કહેતા. ગુના કરનારા લોકોને સરકારમાં બેઠેલા રાજકીય પક્ષના સત્તાવાર હોદ્દેદારો મદદ ના કરી શકે. કરવી પણ ના જોઈએ. પરંતુ આ તો તેમના દિલમાં કેવો કકળાટ મચ્યો હશે તે સમજાવવા માટે આટલું બેકગ્રાઉન્ડ આપ્યુ છે.
અસીમાનંદે દબાણના કારણે હવે નિવેદન પાછું ખેંચી લીધું હશે. તેઓ હવે ઈન્ટરવ્યૂ આપ્યાનો પણ ઇનકાર કરશે. પણ તેમણે સંઘ તથા ભાજપે પોતાને તરછોડી દીધા છે તેવી લાગણીથી જ બળાપો કાઢ્યો હશે તેમ માની શકાય. ગુજરાતના એન્કાઉન્ટર વીર પોલીસ અમલદારો પણ હવે જેલમાં સબડે છે (સબડતા નથી યાર, જેલમાં મજા કરે છે) ત્યારે બળાપા કાઢે છે કે અમારા પોલિટિકલ બોસે એન્કાઉન્ટરના ફાયદા લીધા અને અમને જેલમાં પૂરી દીધા. કર્યા ભોગવો. એન્કાઉન્ટર વીર અમલદાર હોય કે અસીમાનંદ હોય, કર્યા જાતે ભોગવવા પડે છે, જેમના માટે તમે કામ કર્યું હતું તે સંસ્થાના વડાઓ સજા ભોગવવા ના આવે.
ખ્રિસ્તી મિશનરીઓની ખતરનાક પ્રવૃત્તિઓને રોકવી જરૂરી છે. ઈસ્લામનો ફેલાવો અને વટાળપ્રવૃત્તિ પણ રોકવી જરૂરી છે. વ્યક્તિગત ધોરણે કોઈ પણ ધર્મ પાળવાની છુટ એક વસ્તુ છે અને ખ્રિસ્તી તથા ઈસ્લામી સંસ્થાઓ વિદેશમાંથી અબજો રૂપિયા લઈને ભારતમાં વટાળ પ્રવૃત્તિ કરે તે બીજી વસ્તુ છે. પરંતુ તેનો સામનો સામે વિસ્ફોટો કરવાથી નહીં થાય. ચર્ચ બાળી દેવાથી વટાળપ્રવૃત્તિ નહીં અટકે. મિશનરીઓ કરે છે તેવી સેવા કરવી પડશે. ગરીબ અને આદિવાસી વિસ્તારમાં શાળાઓ, હોસ્ટેલ, દવાખાના ખોલવા પડશે. ખોલવામાં આવ્યા પણ છે, પણ ખ્રિસ્તીઓ જેટલી સલુકાઈ હજી તેમાં આવી નથી. ખ્રિસ્તી મિશનરીઓ જેવો પ્રચાર કરતા શીખવું પડશે. લોકોને ચોઈસ આપવી પડે અને તેમને ઉચિત ઉપાયો દ્વારા પ્રેરવા પડે કે તેઓ વટલાય નહીં. કોઈને દબાણ કરી શકાય નહીં. દલિતોને, વંચિતોને, આદિવાસીઓને સાચા અર્થમાં મેઈન સ્ટ્રીમમાં લાવવાના પ્રયાસો ના થાય ત્યારે તેમને પોતાનો માર્ગ નક્કી કરવાનો હક છે. તે લોકો કંઈ તમારી દયા નથી માગતા, ભારતના સ્વતંત્ર નાગરિક તરીકે સમાન તકનો અધિકાર માગે છે.
નિબંધ જેવું થઈ ગયું... બીજી વાત હવે કરીએ. સીબીઆઈએ પણ ધડાકો કર્યો. ધડાકો એ રીતે કર્યો કે અમીત શાહનું નામ ઇશરત જહા કેસમાં ના ઉમેર્યું. અલ્યા, આમ કેમ થયું હશે... માથે ચૂંટણી હોય ત્યારે ભાજપને હત્યારો, કોમવાદી વગેરે ચિતરવાનું કામ કોંગ્રેસ સહિત બધા જ રાજકીય પક્ષોનું ફેવરિટ કામ છે. અમીત શાહનું નામ સામેલ થયું હોત તો ધડાકો ના થાત. અમીત શાહને હિરો તરીકે યુપીમાં રજૂ કરી શકાત. યુપીમાં મુઝફ્ફરનગરના રમખાણો પછી હિન્દુત્વ પાછું ફર્યું છે અને તેનો ભરપુર લાભ ભાજપને મળવાનો છે. કોંગ્રેસ અને મુલાયમ તેનાથી ગભરાયા છે. મુસ્લિમ મતો પણ હાથમાંથી ગયા અને હિન્દુ મતો પણ હાથમાંથી ગયા. તેથી કોંગ્રેસની કેન્દ્ર સરકારે સમજીને જ સીબીઆઈને કહ્યું હશે કે અમીત શાહને હિરો ના બનાવતા. તેના બદલે જોકે આઈબીના અધિકારીઓને આરોપી બનાવી દેવાયા છે. ગુજરાતના પોલીસ અમલદારોની લાઈન લાગી છે જેલમાં જવાની, તે લાઈનમાં હવે કેન્દ્રના આઈબી ખાતાના અધિકારીઓ પણ જોડાયા છે.
આ બે મોટા વિસ્ફોટો જેવા સમાચાર હતા, પણ ખાસ કંઈ અવાજો થયા નથી. ઉલટાની શાંતિ થઈ ગઈ છે. અસીમાનંદે આરએસએસના વડા પર જ સીધો આક્ષેપ મૂક્યો એટલે હિન્દુઓના વિરોધી સેક્યુલર પક્ષને નિરાંત થઈ. ચાલો ભાજપની જેમ જ અન્ય સંઘ સંસ્થાઓમાં પણ આંતરિક વિખવાદ અને અસંતોષ પેદા થયો છે. અસીમાનંદ જ નારાજ થયા છે કે તેમને સંઘે તરછોડી દીધા છે. તેમને અંદરોઅંદર લડવા દેવા માટે સેક્યુલરો બહુ ઉહાપોહ નહીં કરે એટલે શાંતિ રહેશે. અમીત શાહનું નામ ના લઈને કોંગ્રેસે ભાજપને બૂમરાણ મચાવવાની તક નથી આપી. સીબીઆઈનો દુરુપયોગ, દુરુપયોગ... એમ કરીને ભાજપે કાગારોળ મચાવી હોત. તેવી તક ના મળી એટલે હિન્દુવાદી પક્ષ પણ ચૂપ બેસશે. ટૂંકમાં બે મોટા ધડાકા થયા પછી શાંતિ થઈ ગઈ. ઓમ શાંતિ શાંતિ.
DP
Reader's Feedback: