Home» Opinion» Politics» South india s local politics once again important for delhi

દક્ષિણ ભારતનું સ્થાનિક રાજકારણ, દિલ્હી માટે પણ ફરી અગત્યનું બન્યું

Hridaynath | March 31, 2014, 04:33 PM IST

અમદાવાદ :

દક્ષિણ ભારતનું સ્થાનિક રાજકારણ આ વખતે વિશેષ ચર્ચામાં છે. કેરળને બાદ કરતાં ત્રણેય રાજ્યોમાં આ વખતે પ્રાદેશિક પરિબળો બહુ અગત્યના બન્યા છે અને લોકસભાની ચૂંટણીમાં તેના પડઘા પડવાના છે. તેના કારણે સ્થિતિ એવી ઊભી થઈ છે કે દેશના રાજકારણમાં, નવી દિલ્હી માટેના રાજકારણમાં ફરી એક વાર દક્ષિણ ભારત અગત્યનું બની ગયું છે.

લોકસભા માટેના પડઘમ વાગી ગયા છે. એપ્રિલના પહેલા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં મતદાન સાથે પગરણ થઈ જશે અને ઉમેદવારોની પસંદગીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે તે પણ પ્રથમ અઠવાડિયે પૂરો થઈ જશે. પછી ચાલશે મુદ્દા અને પ્રચારનું રાજકારણ. પરસ્પરના ઝઘડા ભૂલીને નેતાઓ પોતપોતાના પક્ષના કામમાં લાગી જશે. કેટલાક નેતા પોતાને થયેલો સો કોલ્ડ અન્યાય નહીં ભૂલી શકે તો તે પક્ષને નુકસાન કરવાના કામમાં લાગી જશે, પણ સૌ કોઈ કામમાં લાગી જશે અને કેવા ઉમેદવારો નક્કી થયા છે તેના આધારે હવે વધુ પાકો અડસટ્ટો મૂકાશે.

અડસટ્ટો એવો કે કયા રાજ્યમાંથી હવે કોને કેટલી બેઠકો મળી શકે છે. સામસામા ઉમેદવારો અને અંદરના અસંતોષ પછી હવે વધારે સારી રીતે અડસટ્ટો મૂકાશે. તેના કારણે લાગે છે કે હવે જે ચર્ચા થશે તેમાં ફરી એક વાર દક્ષિણ ભારતનું મૂલ્ય વધારે મૂકાશે.

સૌ પ્રથમ તો ફરી એક વાર શબ્દ શા માટે વાપર્યો તે જોઈએ. ગુજરાતની ચૂંટણી નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર જીતી તે પછી તેમની દિલ્હી માટેની રેસ શરૂ થઈ ગઈ હતી. થોડા વખત પછી કર્ણાટકની ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદીએ ત્યાં જઈને બે સભાઓ પણ કરી હતી. તે પછી જોકે ધીમ ધીમે દક્ષિણ ભારતમાં પ્રચાર પર મોદી ટીમે ધ્યાન આપ્યું હતું. તેમાં સોશિયલ મિડિયાનો સહારો વધારે લેવાયો હતો, કેમ કે હૈદરાબાદ, બેંગાલુરુ, મૈસુર જેવા શહેરોમાં લાખોની સંખ્યામાં યુવાનો કામ કરે છે. આ ઉપરાંત કેરળની પણ મુલાકાતો લીધી હતી. કેરળમાં બે ધાર્મિક મઠોનો આશરો લેવાયો હતો. નારાયણ ગુરુ અને મા અમૃતામયીના ભક્તોને પણ નરેન્દ્ર મોદી મળ્યા હતા.

તેના કારણે લાગતું હતું કે દક્ષિણ ભારત કે જ્યાં ભાજપે હજી ઘણું કરવાનું છે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં સત્તા ગુમાવી અને આંધ્રમાં તેલંગાણના મુદ્દાના કારણે કેવું રાજકારણ કરવું તે ભાજપ સમજી શકતો નહોતો. તામિલનાડુમાં જયલલિતા પર ઘણી આશા હતી. પણ તે આશા ફળી નહીં. જયલલિતાએ ત્રીજા મોરચાની તરફેણ વધારે કરી છે. તેમણે મમતા બેનરજી સાથે વાતચીત કરી છે. આંદામાનમાં એક જ બેઠક છે, પણ તે બેઠક જયલલિતાએ મમતાના પક્ષ ટીએમસી માટે છોડી દીધી છે. આ સૂચક સમજૂતિ છે. આંધ્રમાં પણ ભાજપ હજી કોઈ પક્ષ સાથે જોડાણ કરી શક્યો નથી.

મીનવ્હાઈલ સમગ્ર ધ્યાન વારાણસી પર કેન્દ્રીત થયું હતું. ભારે સોખમણ થાય તેવા વિવાદ વચ્ચે વડિલ મુરલી મનોહર જોષીને હટાવાયા. તેમને કાનપુર મોકલાયા અને વારાણસીમાં નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નક્કી કરી. બિહારમાંથી રામવિલાસ પાસવાન અને રામકૃપાલ યાદવને લઈ લીધા. જેડી (યુ)માંથી સાબિર અલી જેવાને પણ આયાત કર્યા. (તેમને એક જ દિવસમાં પાછા કાઢવા પડ્યા તે અલગ કહાની છે.) આ બધી હલચલ પરથી સ્થિતિ એવી લાગી કે ભાજપનું સમગ્ર ધ્યાન ઉત્તર ભારત પર છે. યુપી અને બિહાર પર છે. સાથોસાથ પૂર્વ ભારત પર ધ્યાન અપાયું. આસામ અને અરુણાચલમાં ભાજપે નરેન્દ્ર મોદીની સભાઓ ગોઠવી. યુપીમાં મુસ્લિમ વૉટિંગ સાગમટે થશે તે રીતે પશ્ચિમબંગમાં પણ મમતાને મુસ્લિમ મતો સાગમટે મળશે. પરંતુ તેની સામે હિન્દુ મતોનો ફાયદો ભાજપને પશ્ચિમબંગમાં પણ થશે તેવું મનાય છે.

આ બધી ગણતરીમાં દક્ષિણ ભારતનું મહત્ત્વ ક્યા દેખાતું નહોતું. એમ લાગતું હતું કે નવી દિલ્હીમાં સત્તા નક્કી કરવામાં આ વખતે દક્ષિણ ભારતની ખાસ ગણતરી નહીં હોય. યસ, જયલલિતા ખરા, પણ જયલલિતા ઉપરાંત પણ એકથી વધારે પરિબળો હવે એવા ઊભા થયા છે કે દક્ષિણ ભારતની અગત્ય પણ વધી છે.

કર્ણાટકમાં ગમે તેવા વિરોધ છતાં યેદીયુરપ્પાને ભાજપમાં લઈ લેવાયા છે. સુષ્મા સ્વરાજે વિરોધ કર્યો તો પણ શ્રીરામુલુને લઈ લેવાયા છે. તેનો અર્થ એ કે ભાજપને અહીં ફાયદો થવાની ગણતરી છે. પરંતુ કેરળમાં ખાસ આગળ વધી શકાયું નથી. તામિલનાડુમાં જયલલિતા ચિંતા કરાવી રહ્યા છે. નાના નાના છ પક્ષો સાથે ભાજપે ગઠબંધન કર્યું છે, પણ ખાસ કરી આશા રાખી શકાય તેમ નથી. આંધ્ર પ્રદેશમાં અત્યારે કોઈ પ્રાદેશિક પક્ષને ભાજપ કે કોંગ્રેસમાં રસ નથી. તેમણે પોતાનું રાજકારણ બદલાયેલી સ્થિતિમાં પાકું કરવાનું છે. અને સંઘનો પોતાનો સર્વે કે જેમાં ખ્યાલ આવ્યો કે દક્ષિણ ભારતમાં હજી પણ રાહુલ ગાંધીનું નામ પ્રમાણમાં વધારે જાણીતું છે.

ભાજપ યુપી અને બિહારમાં ફાયદો મેળવી લેશે. પૂર્વમાં પણ વધુ ડગલાં મંડાશે, પણ તેના કારણે અગાઉ પડેલો ખાડો જ પૂરાશે. 182થી ઘટીને 116 પર ભાજપ આવી ગયો છે ત્યાં ફરી 200 સુધી પહોંચી શકાશે. પણ ત્યાંથી આગળ વધવા માટે હવે એક જ પ્રદેશ બાકી રહ્યો છે અને તે છે દક્ષિણ. દક્ષિણ ફરી એક વાર ભાજપની કસોટી કરશે અને તેના કારણે અલ્ટીમેટલી નવી દિલ્હીમાં રચાનારા કોઈ પણ ગઠબંધનની કસોટી દક્ષિણ ભારત અને તેના નેતાઓ કરશે તે નક્કી છે. લોકસભાના પડઘમ વાગી ગયા છે ત્યારે દક્ષિણ ભારતમાં રાષ્ટ્રીય નહીં, પણ પ્રાદેશિક મુદ્દાઓ ચાલી રહ્યા છે અને છતાં આ પ્રાદેશિક મુદ્દાઓના આધારે આવનારા પરિણામો રાષ્ટ્રીય રાજકારણમાં ફરી એક વાર અગત્યના સાબિત થવાના છે.

DP

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %