વરસાદમાં ચોતરફ હરિયાળી જોઈને તો આંખો ઠરે જ છે પરંતુ પોતિકા બગીચાને લીલોછમ જોઈને અપાર ખુશી થતી હોય છે. ચોમાસું બગીચાને લીલું પલ્લવ કરી મૂકે છે તો ક્યારેક અતિશય વરસાદને કારણે ગાર્ડનનાં ફૂલ- છોડ કરમાઈ જતાં હોય છે. આવું ન થાય તે માટે તમારા બગીચાને આપો ખાસ સંભાળ...
પાણીનો અતિરેક ન કરવો.
ચોમાસામાં ફૂલ-છોડને કુદરતી પાણી મળી રહેતું હોય છે એટલે તમારે ઉપરથી વધારે પાણી આપવાની જરૂર નહીં રહે. કારણ કે વધારે પડતું પાણી જમા થવાથી પણ ફૂલ-છોડ કોહવાઇને ખરાબ થઈ જાય છે.
ડ્રેનેજ સિસ્ટમ ચકાસવી
જ્યાંથી કૂંડાના કે લોનના પાણીનો નિકાલ થતો હોય તે ડ્રેનેજ સિસ્ટમ ચેક કરી લેવી.. પાણીનો નિકાલ બરાબર નહીં થતો હોય તો પાણી જમા થઇને ત્યાં મચ્છર ઉત્પન્ન થશે. ઇનડોર અને આઉટડોર પ્લાન્ટમાં આ બાબત અંગે ખાસ કાળજી રાખવી.
કેટલીક જીવાતો ગાર્ડનના મિત્ર
ચોમાસામાં નાનાં દેડકા અને અળસિયાંનો ઉપદ્રવ વધી જતો હોય છે. જો ક્યારામાં કે કુંડામાં અળસિયાં જોવાં મળે તો રહેવાં દેવાં, કારણ કે, અળસિયાં જમીનને ખોદીને ખોદીને ફળદ્રુપ બનાવી દે છે. દેડકા છોડને નુકસાન કરનારી ઘણી નાની નાની જીવાતોને ખાઈ જાય છે.
નવા છોડની પસંદગી
મોન્સૂનમાં ઇનડોર કે આઉટડોર માટે કોઈ પણ છોડ ઉગાડવાને બદલે ચોમાસાથી શિયાળા સુધી ચાલે તેવા છોડની પસંદગી કરવી. તેના લીધે શિયાળા સુધી તમારો બગીચો ફૂલોથી ભરેલો લાગશે.
ખાતર અને જંતુનાશક
છોડ માટે ખાતર જરૂરી છે. જ્યારે પણ છોડનાં પાન પીળાં પડતાં લાગે ત્યારે ક્યારામાં ખાતર નાંખવું જોઈએ. ચોમાસામાં બને ત્યાં સુધી કુદરતી ખાતર વાપરવું અને ખાતરને પાણીમાં ઉમેરીને ફૂલ-છોડ પર સ્પ્રે કરવામાં આવે તો એ સૌથી સારું રહેશે.
ચોમાસામાં જીવાતના ઉપદ્રવથી બચવા માટે યોગ્ય પેસ્ટિસાઇડ્ઝનો છંટકાવ કરવો.
માટી ઉપરતળે કરવી
લોનમાં ચાલતી વખતે અથવા તો ક્યારા સરખી કરતી વખતે એ કાળજી રાખવી કે બગીચાની માટી દબાઈ ન જાય. ચોમાસામાં માટી એકદમ પોચી પડી ગઈ હોય છે. વજન આવવાથી માટી એકદમ કઠણ થઈ જશે અને તેને જરૂરી ઓક્સિજન નહીં મળે. અઠવાડિયામાં એક વાર માટી ખોદીને ઉપર નીચે કરવી જોઈએ. કુંડાની માટીને ખૂરપી વડે થોડી ખોદી કાઢવી જોઈએ.
નિંદણ કાઢવું
ક્યારામાં કે કુંડામાં આપણા ધ્યાન બહાર કેટલાંય બી પડ્યાં હોય છે. પક્ષીઓ અને ખિસકોલીઓ ખોરાકના કણ અને દાણા લઇ જતી વખતે પાડી નાખતાં હોય છે. આવાં કેટલાંય બી ચોમાસામાં ઊગી જાય છે. ક્યારામાંથી આવું વધારાનું નિંદણ દૂર કરી નાખવું. જેથી છોડને યોગ્ય પોષણ મળે.
ટ્રિમિંગ
ચોમાસામાં સામાન્ય રીતે ફૂલ-છોડની ડાળીઓ વધારે ફેલાય છે અન તેના લીધે મચ્છર તથા જીવાતો વધી પડે છે. માટે જે છોડ પર ફૂલ ન આવતાં હોય અને જે વૃક્ષ એકદમ ઘટાદાર થઈ ગયું હોય તે તથા વધેલી લોનને કાપીને વ્યવસ્થિત ટ્રિમ કરાવી લેવી.
MP/DT
Reader's Feedback: