Home» Opinion» World» Article of virendra parekh on us shut down

અમેરિકા ડીફોલ્ટર થશે?

Virendra Parekh | October 09, 2013, 02:32 PM IST
article of virendra parekh on us shut down

મુંબઇ :

પાડેપાડા લડે અને ઝાડનો ખો નીકળે એમ અમેરિકાના બે મુખ્ય પક્ષોની સાઠમારીમાં ડોલર ધીબેડાઈ ગયો છે. કમરતોડ મંદીમાંથી માંડ માંડ બેઠા થઇ રહેલા અમેરિકાના અર્થતંત્ર માટે આ આફત અણધારી ભલે ન હોય પણ વણજોઈતી તો હતી જ. ખરી ઉપાધિ આગળ છે. અત્યારે જોવા મળેલી અક્કડાઈ એ મામલે પણ ચાલુ રહેશે તો જગતનો સૌથી સમૃદ્ધ દેશ તેના ઇતિહાસમાં પ્રથમ વાર ડીફોલ્ટ૨ બની શકે છે.

આપણને ગમે કે ન ગમે, અમેરિકામાં થતી ઉથલપાથલની અસરમાંથી ભારત બાકાત રહી શકે એમ નથી. મે મહિનાની આખરમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે સહેજ ઈશારો કર્યો કે અમે અમારી અતિશય ઢીલી નાણા નીતિને સહેજ કડક બનાવવાનું વિચારીએ છીએ ત્યાં તો દુનિયાભરની બજારોમાં મંદીનો ધરતીકંપ સર્જાયો. એ ભય સહેજ ઓસર્યો ત્યાં સિરિયામાં અમેરિકાની લશ્કરી દખલગીરીની શક્યતા ઉભી થઇ. તેનો રસ્તો નીકળ્યો ત્યાં આ નવી આફત આવી પડી છે.  

ફ્યુએલ પાઈપમાં કચરો આવે અને કાર અટકી પડે તેમ અમેરિકાનું સરકારી તંત્ર અત્યારે બંધ પડી ગયું છે. ૧ ઓક્ટોબરથી શરુ થયેલા નાણાકીય વર્ષના ખર્ચને ત્યાંની સંસદે મંજૂરી આપી નથી તેથી સરકારી ખર્ચ પર બૂચ લાગી ગયું છે. શરૂઆતનાં પરિણામો ખાસ ગંભીર નથી. આશરે આઠ લાખ જેટલા "બિનઆવશ્યક" કર્મચારીઓને કપાતે પગારે ઘરે બેસવું પડ્યું છે, જયારે "આવશ્યક" કર્મચારીઓને વગર પગારે કામ કરવાની સૂચના મળી છે. વિદેશી સહાયનો પ્રવાહ અટકાવી દેવાયો છે. નેશનલ પાર્ક, મ્યુઝીયમ, જાહેર સ્થાપત્યો અને કેટલીક સરકારી સેવાઓ બંધ છે. નાસાના મોટા ભાગના સ્ટાફને 'છુટ્ટી' અપાઈ છે, પરંતુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેલા બે અમેરિકી અવકાશયાત્રીઓનો નાસા સાથેનો સમ્પર્ક જળવાઈ રહે તેની વ્યવસ્થા થઇ ગઈ છે. રાષ્ટ્રીય પ્રાણીઘરમાં મહાકાય લાલ પાન્ડા પર નજર રાખતા કેમેરા બંધ કરાયા છે, પણ પ્રાણીઓની સારસંભાળ લેવાનું ચાલુ રખાશે.

જીદ, અહમનો ટકરાવ અને આપણા કરતા સામા પક્ષનું વધુ ખરાબ દેખાશે એવી ગણતરીથી અમેરિકાના રાજકારણીઓએ દેશને મુશ્કેલીમાં ધકેલી દીધો. કાગડા બદ્ધે કાળા. આ ઘટનાક્રમથી અમેરિકાની છબી ખરડાઈ છે.

આ પરિસ્થિતિ ઉભી થઇ છે રિપબ્લીકન અને ડેમોક્રેટિક પક્ષ વચ્ચેના ગજગ્રાહમાંથી. પ્રજાના જીવનમાં સરકારની ભૂમિકા કેટલી અને કેવી હોવી જોઈએ તેના વિષે બંને વચ્ચે પાયાના મતભેદો છે. અત્યારના મતભેદોમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે જાહેર આરોગ્ય વ્યવસ્થા. ડેમોક્રેટિક  પ્રમુખ ઓબામાએ તમામ અમેરિકનોને આરોગ્ય વીમો મળી રહે તે માટે અફોર્ડે્બલ કેર એક્ટ નામનો કાયદો કર્યો છે જે સામાન્ય ભાષામાં ઓબામાકેર તરીકે જાણીતો છે. ગરીબ અને વીમા વગરના લોકોને પણ તેનાથી આરોગ્ય વીમાનો લાભ મળશે. સંસદના નીચલા ગૃહમાં (હાઉસ ઓફ રેપ્રેઝંટેટિવ્ઝમાં)  રિપબ્લીકનોની બહુમતી છે જે ઉપરોક્ત કાયદાને રોળી નાખવા આતુર છે. પરંતુ ઉપલા ગૃહમાં ડેમોક્રેટિક પક્ષની બહુમતી છે. બંને ગૃહની સંમતિ વગર બજેટ પાસ થાય નહિ અને છેવટની ઘડી સુધી કોઈ નમતું જોખવા તૈયાર ન થયું ત્યારે ઓબામાએ સમગ્ર તંત્રને વ્યવસ્થિત રીતે ક્રમશ: બંધ કરવાના આદેશો આપવા પડ્યા.

આ મુદ્દે બંને પક્ષોનું વલણ જાણીતું છે અને તેમની વચ્ચેની ખેંચતાણ પણ નવી નથી. ૩૦ સપ્ટેમ્બરની ડેડલાઈન પણ સૌને ખબર હતી. છતાં જીદ, અહમનો ટકરાવ અને આપણા કરતા સામા પક્ષનું વધુ ખરાબ દેખાશે એવી ગણતરીથી રાજકારણીઓએ દેશને મુશ્કેલીમાં ધકેલી દીધો. કાગડા બદ્ધે કાળા. આ ઘટનાક્રમથી અમેરિકાની છબી ખરડાઈ છે.

હાલના શટડાઉનને કારણે અમેરિકાને રોજ ૩૦ કરોડ ડોલરનું નુકસાન થતું હોવાનો અંદાજ છે. શટડાઉન જેટલો લાંબો ચાલશે તેટલી પરિસ્થતિ વધુ બગડશે. કમરતોડ મંદીમાંથી અમેરિકન અર્થતંત્રને  માંડમાંડ કળ વળી રહી હતી. ત્યાં આ ફટકો પડ્યો. અમેરિકન ફેડરલ રિઝર્વ નાણાકીય પ્રોત્સાહન (દર મહીને નવા છાપેલા ડોલર વડે ૮૫ અબજ ડોલરના બોન્ડની ખરીદી) ક્રમશ: ઓછું કરવાનું વિચારતું હતું. પણ હવે એ વિચાર તેણે હાલ પૂરતો મોકૂફ રાખવો પડશે. ડોલરનો પ્રવાહ ચાલુ રહેવાની શક્યતા દેખાતા તેલ અને સોનું મજબૂત થઇ ગયાં, જયારે ડોલર નબળો પડ્યો. શેર બજારમાં તેજીનો માહોલ સર્જાયો અને રૂપિયો મજબૂત થાય એ આપણને ગમે, પણ અમેરિકામાં આર્થિક વિકાસ ધીમો પડે તો ભારતની નિકાસને અસર થયા વગર ન રહે. દરમિયાન ભારતીય ઔષધ કંપનીઓએ અમેરિકામાં દવા બનાવવા અને વેચવા માટે કરેલી અરજીઓનું પ્રોસેસિંગ અટકી પડ્યું છે. 

અત્યારની કટોકટીનો ઉકેલ હાથવેંતમાં લાગતો નથી. ઓબામાએ કહી દીધું છે કે અમે મુઠ્ઠીભર જમણેરી રૂઢીચૂસ્તોના બ્લેકમેઈલીંગને તાબે થવાના નથી. જે ખર્ચ માટે બંને પક્ષો અગાઉ સંમત થઇ ચૂક્યા છે તેમાં પથરા નાખવાનો અર્થ નથી. આવી પરિસ્થતિ ૧૯૯૬માં પણ ઊભી થઇ હતી. તેને  પગલે રિપબ્લીકનો પ્રજામાં અળખામણા થયા હતા અને બિલ ક્લીન્ટન માટે બોબ ડોલને હરાવવું આસાન થઇ પડ્યું હતું. જો કે આજે કેટલાક રિપબ્લીકનોને લાગે છે કે તે વખતે આપણે નકામું નમતું જોખી દીધું હતું!

શેર બજારમાં તેજીનો માહોલ સર્જાયો અને રૂપિયો મજબૂત થાય એ આપણને ગમે, પણ અમેરિકામાં આર્થિક વિકાસ ધીમો પડે તો ભારતની નિકાસને અસર થયા વગર ન રહે. દરમિયાન ભારતીય ઔષધ કંપનીઓએ અમેરિકામાં દવા બનાવવા અને વેચવા માટે કરેલી અરજીઓનું પ્રોસેસિંગ અટકી પડ્યું છે.


જો આ મડાગાંઠ ચાલુ રહે તો અમેરિકા જ નહિ, જાગતિક અર્થતંત્ર માટે વધુ મોટી કટોકટી ઉભી થવાની શક્યતા છે. ૧૭ ઓક્ટોબર અગાઉ અમેરિકી સંસદે અમેરિકાના કુલ સરકારી કરજની ટોચમર્યાદા વધારવાને મંજૂરી આપવાની છે. તેમ ન થાય તો અમેરિકા તેની નાણાકીય જવાબદારી અદા નહિ કરી શકે અને ડીફોલ્ટર બનશે.

અંદાજપત્ર પસાર કરવાની નિષ્ફળતા અને કરજની ટોચમર્યાદા વધારવાની નિષ્ફળતા બંને અલગ વસ્તુઓ છે અને અલગ સૂચિતાર્થો ધરાવે છે. શટડાઉનથી ગરબડ સર્જાય છે પણ સરકારે વચનભંગ કરવાની સ્થિતિમાં મૂકાવું પડતું નથી. કરજમર્યાદાની વાત જુદી છે. છેક શરૂઆતથી અમેરિકન સરકાર કેટલું કરજ લઇ શકે તેના પર અમેરિકન સંસદનો અંકુશ રહેતો આવ્યો છે. અત્યારે આ મર્યાદા ૧૬,૭૦૦ અબજ ડોલરની છે. તે ૧૯ મેના રોજ પૂરી થઇ ગઈ પણ અન્ય ખર્ચમાં કાપ મૂકીને કામ ચલાવ્યું. પરંતુ હવે પાઘડીનો વળ છેડે આવ્યો છે અને ૧૭ ઓક્ટોબરથી આગળ ખેંચી શકાય તેમ નથી. પછી શું? ચાલુ કરવેરાની આવકમાંથી અને ૩૦ અબજ ડોલરની રોકડ અનામતમાંથી થોડો વખત ચલાવી શકાય. પરંતુ થોડા સપ્તાહોમાં એ પણ ખૂટી જાય. પછી બોન્ડનું વ્યાજ આપવું હોય તો બેકારી ભથ્થું ન અપાય એવું બને. ટૂંકમાં અમેરિકાની સરકાર પોતાની નાણાકીય જવાબદારી પૂરી ન કરી શકે.

આ પરિસ્થતિ  અભૂતપૂર્વ છે. તેનાં પરિણામોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પણ તે ખૂબ ગભીર હશે તેમ કહી શકાય. અમેરિકન ટ્રેઝરી બોન્ડ જોખમરહિત છે એવી ધારણા પર જગતની નાણાવ્યવસ્થા ઉભી છે. તેને ભયંકર આંચકા લાગે. જો તેની સરકારે કરજ ન કરવા માટે ખર્ચ ઘટાડવો પડે તો રાષ્ટ્રીય આવકમાં  ૩.૪ ટકાનો ઘટાડો થાય, અર્થાત અમેરિકા નવેસરથી મંદીમાં સપડાઈ જાય.

આવું થશે જ એમ ધારી લેવાની જરૂર નથી. પરંતુ જો થાય તો જે દેશોમાં અંદાજપત્રની અને ચાલુ ખાતાની ખાધ મોટી હશે તેમની હાલત વધુ કફોડી થશે એ નક્કી. આવા દેશોમાં ભારતનો નંબર મોખરે છે. સરકારે સમો વર્તીને પાણી પહેલા પાળ બાંધવાની જરૂર છે. 

VP/DP

Virendra Parekh

Virendra Parekh

(વીરેન્દ્ર પારેખ મુંબઈથી પ્રકાશિત થતા એક અંગ્રેજી આર્થિક પાક્ષિક 'કોર્પોરેટ ઇન્ડિયા'ના એકઝીક્યુટીવ એડિટર છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %