આ દુનિયામાં હજુ ચમત્કારો બને છે તેનો અહેસાસ કરાવતી એક ઘટના આ વરસે નેશનલ એવોર્ડ જાહેર થયા ત્યારે બનેલી. જ્ઞાન કોરીયા નામના ગુજરાતી છોકરીને પરણેલા ગોવાનીઝે બનાવેલી ધ ગુડ રોડ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો એ સાંભળી સૌને આંચકો લાગી ગયેલો. છપ્પનની છાતી નહીં પણ કમર ધરાવતા ફાંદાળા હીરો ને તેમના કરતાં બે ઈંચ વધારે કમર ધરાવતી પહેલવાન હીરોઈનોવાળી ગુજરાતી ફિલ્મોના જમાનામાં નેશનલ એવોર્ડ લઈ જાય એવી ગુજરાતી ફિલ્મ અચાનક ક્યાંથી ફૂટી નિકળી તેવો સવાલ સૌને થયેલો. શનિવારે એ મોટા આંચકાનો આફ્ટરશોક આવ્યો અને ભાગ મિલ્ખા ભાગ તથા લંચબોક્સ જેવી સરસ ફિલ્મોને બાજુએ ધકેલીને ધ ગુડ રોડ ફિલ્મોના સર્વોચ્ચ મનાતા ઓસ્કાર એવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થઈ. આ જાહેરાત સાંભળી લોકો હેબક ખાઈ ગયા છે. કારણ એ જ કે ગુજરાતી ફિલ્મ આ સ્તરે પહોંચે તેવી કલ્પના જ કોઈએ કદી કરી નથી.
એક તરફ આ જાહેરાતના કારણે લોકો દિગ્મૂઢ છે તો બીજી તરફ ધ ગુડ રોડ ફિલ્મ વિશે ભારે કકળાટ પણ મચ્યો છે. કકળાટનો મુદ્દો એ છે કે આ ફિલ્મમાં ગુજરાત અને ખાસ તો કચ્છનું સાવ ખોટેખોટુ ચિત્રણ કરાયું છે. ફિલ્મમાં ત્રણ વાર્તા સમાંતર રીતે ચાલે છે. ફિલ્મમાં વાર્તા મુંબઈથી પોતાના વતન કચ્છ આવતા એક દંપતિની છે. આ દંપતિનો સાત વરસનો દીકરો ઢાબા પરથી ખોવાઈ જાય છે ને એક ટ્રક ડ્રાઈવરને મળે છે. આ ટ્રક ડ્રાઈવરની પાછી પોતાની કરમકહાણી છે. ટ્રક ડ્રાઈવર અને આ છોકરા સિવાય બીજી એક નાની છોકરીની કથા પણ સમાંતર ચાલે છે. એ રીતે ફિલ્મમાં ત્રણ મુખ્ય પાત્રોની વાર્તા છે પણ એ બહાને જ્ઞાન કોરીયાએ કચ્છમાં અને ગુજરાતમાં હાઈવે પર વેશ્યાવૃત્તિ ધમધોકાર ચાલે છે ને નાની નાની છોકરીઓને પણ રાત પડે પોતાનાં શરીર વેચવા રસ્તા પર ઉભી કરી દેવાય છે એનું બહુ ખરાબ ને ગંદુ ચિત્રણ કર્યું છે તેવો કકળાટ કેટલાક લોકોએ મચાવ્યો છે. આખા ગુજરાતમાં ક્યાંય આવું ચાલતુ નથી ને આ તો ગુજરાતને બદનામ કરવાની વાત છે એવી તેમની દલીલ છે.
ભાગ મિલ્ખા ભાગ તથા લંચબોક્સ જેવી સરસ ફિલ્મોને બાજુએ ધકેલીને ધ ગુડ રોડ ફિલ્મોના સર્વોચ્ચ મનાતા ઓસ્કાર એવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થઈ. આ જાહેરાત સાંભળી લોકો હેબક ખાઈ ગયા છે. કારણ એ જ કે ગુજરાતી ફિલ્મ આ સ્તરે પહોંચે તેવી કલ્પના જ કોઈએ કદી કરી નથી.
આ દલીલ આમ તો ખોટી છે કેમ કે આખા ગુજરાતમાં આવું ક્યાંય ચાલતુ નથી તેવું કોઈ ના કહી શકે. બનાસકાંઠા જિલ્લામાં એક આખું ગામ જ વેશ્યાવૃત્તિ પર નભે છે ને ત્યાં પુરૂષો પણ પોતાની બહેન-દીકરીઓના દલાલો તરીકે કામ કરે છે. આ યુવતીઓ રસ્તા પર જ ઉભી રહે છે ને ઠેર ઠેરથી પુરૂષો ત્યાં આવે છે. આ ગામની કથાઓ આખી દુનિયાનાં છાપે ચડેલી છે ને ગામને સુધારવાની મથામણ વરસોથી ચાલે છે પણ ઝાઝો ફરક પડતો નથી. કચ્છમાં એવું કદાચ નહીં ચાલતુ હોય પણ ગુજરાતમાં ક્યાંય આવું નથી ચાલતુ એવી દલીલ ટકે એમ નથી. આ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે કેટલાક ફિલ્મી સમીક્ષકોએ પણ આ ફિલ્મની આ જ મુદ્દે ઝાટકણ કાઢેલી. ફિલ્મી સમીક્ષકોને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે જ પણ એ લોકો ગુજરાતમાં આવું કશું ચાલે છે કે નહીં એવું સર્ટિફિકેટ આપવા માટે ઓથોરિટી નથી. એ લોકો પોતાની દસ બાય દસની કેબિનમાંથી કે પછી સો સ્ક્વેર યાર્ડના ફ્લેટમાંથી બહાર નિકળીને જુએ તો ખબર પડી કે દુનિયા શું છે. અઢીસો રૂપિયા ખર્ચીને મલ્ટિપ્લેક્સના એરકન્ડિશનરની ઠંડી હવા ખાતાં ખાતાં ને પોપકોર્ન ચગળતાં ચગળતાં ને કોકની ચૂસકી લેતાં લેતાં ફિલ્મ જોવી ને પછી ઓફિસના એરકન્ડિશનરની હવા ખાતાં ખાતાં રીવ્યુ ફટકારી દેવો એ અલગ વાત છે ને બહારની દુનિયા ખરેખર શું છે તે સમજવું બંનેમાં ફરક છે.
બીજી એક વાત એ કે આ પ્રકારનો કકળાટ નવો નથી. મૂળભૂત રીતે તો આ બધા કકળાટ પાછળ પબ્લિસિટી કમાઈ લેવાના ધખારા હોય છે. ફિલ્મને પબ્સિલિટી મળી જ રહી છે તો આપણે પણ તેનો લાભ ઉઠાવી લઈએ એવી હલતકી માનસિકતા હોય છે. ધ ગુડ રોડ મહાન ફિલ્મ છે કે નહીં એ ઈતિહાસ નક્કી કરશે પણ મોટા ભાગની બહુ વખણાયેલી ફિલ્મો વિશે શરૂઆતમાં આવો કકળાટ મચતો જ હોય છે. મીરા નાયરે સલામ બોમ્બે બનાવી એ વખતે પણ આ રીતે બધા તલવાર તાણીને કૂદી જ પડેલા. મીરાએ મુંબઈનું ખોટુ ચિત્રણ કરીને તેની આબરૂનો બટ્ટો લગાડી દીધો છે એવી ટીકાઓનો મારો ચાલેલો. જે લોકોને મુંબઈને સુધારવામાં રસ નહોતો એવા લોકો મીરાની ફિલ્મની બોન પૈણવા કૂદી પડેલા કેમ કે તેમાં પબ્લિસિટી મળતી હતી.
આ જ કમનસીબી છે. ટીકા કરનારા લોકોને દેશની ગરીબી કે વેશ્યાવૃત્તિની ચિંતા નથી ને એ દૂર કરવામાં રસ નથી પણ તે પિક્ચરમાં બતાવાય તો તેમની આબરૂ જતી રહે છે. ખેર, એ બધા કકળાટ પછીય સલામ બોમ્બે અને પાથેર પાંચાલી ક્લાસિક ગણાય જ છે. ધ ગુડ રોડ વિશે પણ એવું બની શકે ને બનવું જોઈએ, કેમ કે આ ફિલ્મ પર ગુજરાતી ભાષાનો સિક્કો છે ને એક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતે તેના માટે બધું કુરબાન છે.
હવે એ જ ફિલ્મ મુંબઈના એક થીયેટરમાં 44 વીક ચાલેલી. ને થીયેટર પણ અત્યારે શુરૂ હોતે હી ખતમ થઈ જાય છે તેવાં દોઢસો સીટોનાં મલ્ટિપ્લેક્સ થીયેટર નહી પણ 1000 સીટનું સીંગલ ને જાયન્ટ સ્ક્રીનનું થીયેટર. એક બાજુ ફિલ્મે મુંબઈની ઈજ્જતનો કચરો કરી નાંખ્યો છે તેવો કકળાટ ચાલતો હતો ને બીજી બાજુ મુંબઈનાં લોકો હોંશે હોંશે પિક્ચર જોવા આવતાં ને પૈસા વસૂલ થયા એમ માનીને ખુશ થઈને જતાં. સલામ બોમ્બે ઓસ્કારની રેસમાં ગઈ ત્યારે પાછો કકળાટ મચેલો ને આ પિક્ચર આખી દુનિયામાં દેશની આબરૂનો ધજાગરો કરી નાંખશે તેવી વાતો ચાલેલી. ફિલ્મ ઓસ્કારમાં ફાઈનલમાં પહોંચી ત્યારે બધાંની બોલતી બંધ થઈ ગયેલી. સલામ બોમ્બે આજેય ટ્રેન્ડસેટર ફિલ્મ ગણાય છે ને દર વરસે ઓસ્કાર એવોર્ડની મોસમ જામે ત્યારે એ ફિલ્મને અચૂક યાદ કરાય છે ને તેની સામે કકળાટ કરનારા ક્યા ખૂણામાં પડ્યા પડ્યા સડે છે તેની કોઈને ખબર નથી. સત્યજીત રેની પાથેર પાંચાલી ને બીજી ફિલ્મો વિશે પણ આવો કકળાટ થયેલો જ છે. સત્યજીત રે દેશની ગરીબી બતાવીને વિદેશમાં વાહવાહ ને એવોર્ડ મેળવે છે તેવી ટીકાઓ થતી.
આ જ કમનસીબી છે. ટીકા કરનારા લોકોને દેશની ગરીબી કે વેશ્યાવૃત્તિની ચિંતા નથી ને એ દૂર કરવામાં રસ નથી પણ તે પિક્ચરમાં બતાવાય તો તેમની આબરૂ જતી રહે છે.
ખેર, એ બધા કકળાટ પછીય સલામ બોમ્બે અને પાથેર પાંચાલી ક્લાસિક ગણાય જ છે. ધ ગુડ રોડ વિશે પણ એવું બની શકે ને બનવું જોઈએ, કેમ કે આ ફિલ્મ પર ગુજરાતી ભાષાનો સિક્કો છે ને એક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતે તેના માટે બધું કુરબાન છે.
RP/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: