ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિવેકાનંદયાત્રાના માધ્યમ દ્વારા એક રીતે ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. તેમની સામે અનેક પડકારો આ વખતે ઊભા છે. ચોમાસું ખેંચાતાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઇ હતી, તેમના જ સાથીદારો આજે તેમની સામે પડ્યા છે, કોંગ્રેસ, જીપીપી ઉપરાંતના પક્ષો પણ ગુજરાતમાં ચૂંટણી લડવા માટે થનગની રહ્યાં છે ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે, પાકવીમા માટે સરકારની યોજનાઓ ઉપરાંત ચૂંટણીલક્ષી ખાસ વાતચીત જીજીએન દ્વારા રાજ્યના કૃષિમંત્રી દિલીપ સંઘાણી સાથે કરવામાં આવી હતી. પ્રસ્તુત છે દિલીપ સંઘાણી સાથેની જીજીએનની ખાસ વાતચીતના અંશ...
પ્રશ્ન: મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે હવે ખેડૂતો માટે સરકારની યોજના શું છે?
જવાબ: આ વખતે ગુજરાતમાં વરસાદ ઘણો મોડો થયો અને જેના કારણે મગફળી અને કપાસ જેવા બે મુખ્ય પાક નિષ્ફળ ગયાનું જાણવા મળતાં જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ક્રોપ કટિંગ પહેલાં જ દુષ્કાળ જાહેર કરી દીધો. સામાન્ય રીતે ક્રોપ કટિંગ થઈ ગયા બાદ જ દુષ્કાળ જાહેર કરી શકાય છે પણ અમારી સરકારે આ નિર્ણય પહેલાં જ લઈને ખેડૂતોને, પશુપાલકોને જે મદદ થવી જોઈતી હતી તેની પહેલ ક્રોપ કટિંગ પહેલાં જ કરી લીધી.
પ્રશ્ન: હવે થોડો વરસાદ આવ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિ શું છે?
જવાબ: છેલ્લા 15 દિવસ દરમિયાન ભગવાનની મહેરબાની ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થઈ છે પણ મગફળી અને કપાસનો પાક મહદ્અંશે નિષ્ફળ છે અને ખેડૂતો હવે અન્ય પાક તરફ જઈ રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારને પાકવીમાની રકમ તાત્કાલિક છૂટી કરવા પત્ર લખ્યો છે અને જ્યારે કેન્દ્ર સરકારનાં નાણાં આવી જશે એટલે અમે રાજ્ય સરકાર વતી આપવાનાં થતાં 50% રકમ ઉમેરીને તાત્કાલિક અમે આપી દઇશું.
કોંગ્રેસની સરકારે તો એવા કાયદા બનાવ્યા હતા કે ખેડૂતો જો ન માને તો સીધા જેલમાં જાય! આ કાયદાનો વિરોધ કરવા માટે જ્યારે ખેડૂતો ગાંધીનગર આવ્યા હતા તો તેમના પર ગોળી ચલાવી હતી. આ કાયદો ભાજપે સરકારે દૂર કર્યો હતો.
પ્રશ્ન: દુષ્કાળમાં શરદ પવારની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતે નાણાકીય સહાય માંગી હતી. શું કેન્દ્ર તરફથી કોઈ પ્રતિસાદ આવ્યો ખરો?
જવાબ: તમે જાણો જ છો કે કોંગ્રેસની સરકાર વચનો આપે છે પણ વ્યવસ્થા નથી આપતી. આટલા સમય પછી પણ ખેડૂતોને હક્કના પૈસા મળ્યા નથી. કોંગ્રેસ ગુજરાત પ્રત્યે અન્યાયનું વલણ બંધ કરે એ ઈચ્છનીય છે.
પ્રશ્ન: પણ કોંગ્રેસે તો આત્મહત્યા કરી લેનાર ખેડૂતોને એક લાખના ચેક આપ્યા.. ભાજપે શું આપ્યું?
જવાબ: કોંગ્રેસ ચૂંટણી સમયે જ આવાં કામ કરે છે. દેશમાં આકસ્મિક વીમાયોજના છે અને કેન્દ્ર સરકાર માત્ર 50 હજાર ખેડૂતોનું આકસ્મિક મોત થાય તો જ સહાય આપે છે જ્યારે ગુજરાત સરકાર તો આ યોજના હેઠળ રૂ. 1 લાખ આપે જ છે. માત્ર ખેડૂત જ નહિં પણ ઘરના કોઈ સદસ્યનું પણ આકસ્મિક મોત થાય તો પણ આપે છે. કોંગ્રેસમાં ત્રેવડ હોય તો આ યોજનામાં રૂ. 1 લાખ જાહેર કરે! આ યોજના કોંગ્રેસના રાજ્યમાં પણ અમલી નથી. જો કોંગ્રેસને ખેડૂતોની ચિંતા હોય તો આ યોજનાની જાહેરાત કરીને દેશભરમાં અમલ કરાવે અને જો એવું ન કરી શકે તો માનવું કે ચૂંટણી આવી છે એટલે આ લોકોને ખેડૂતો યાદ આવ્યા છે. કોંગ્રેસની સરકારે તો એવા કાયદા બનાવ્યા હતા કે ખેડૂતો જો ન માને તો સીધા જેલમાં જાય! આ કાયદાનો વિરોધ કરવા માટે જ્યારે ખેડૂતો ગાંધીનગર આવ્યા હતા તો તેમના પર ગોળી ચલાવી હતી. આ કાયદો ભાજપ સરકારે દૂર કર્યો હતો.
પ્રશ્ન: વિરોધીઓ દ્વારા એમ પણ કહેવામાં આવતું હતું કે ભાજપને આ વખતે કેશુભાઈ નહિ પણ વરસાદ અને દુષ્કાળ હરાવશે?
જવાબ: કોંગ્રેસે તો વરસાદ ખેંચાય તેવા હવનો કરાવ્યા હતા અને એ લોકો ઇચ્છતા હતા કે રાજ્યમાં વરસાદ ન આવે અને દુષ્કાળ જાહેર થાય, પણ ભગવાન 10 વર્ષથી અમારી સાથે છે અને અંતે વરસાદ પણ આવ્યો અને કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું.
જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2012માં પણ નરેન્દ્ર મોદી જ છે અને રહેશે. રહી વાત વડાપ્રધાનપદની તો એનો નિર્ણય હાઈકમાંડ કરે છે. પણ એક વાત તો છે કે નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીમાં છવાઈ જશે અને તેની નોંધ દેશ અને દુનિયા લેશે.
પ્રશ્ન: ગુજરાતમાં સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણીજંગ થતા હતા પણ આ વખતે નીતિશકુમારની જેડીયુ, શિવસેના, સમાજવાદી પાર્ટી અને બસપા પણ મેદાનમાં છે
જવાબ: લોકશાહી છે અને કોઈ પણ પાર્ટી અહીં આવીને ચૂંટણી લડી શકે છે અને ગુજરાતમાં આવીને તેઓ પ્રચાર પણ કરી શકે છે. એટલું જ નહિં, 182 સીટ ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખી શકે છે. કોઈ પણ પાર્ટી આવે...નીતિશકુમાર આવે કે અન્ય કોઈ પણ પક્ષના રાષ્ટ્રીય નેતા કે મંત્રી આવે...જ્યાં સુધી આ ચૂંટણીનો સવાલ છે ત્યાં સુધી નરેન્દ્ર મોદીની જીત પાકી છે. જનતાનો જવાબ ડિસેમ્બરમાં મળી જશે.
પ્રશ્ન: એનો મતલબ તો એ થયો કે તમારી દ્રષ્ટિએ મોદી જંગ જીતી ગયા છે!
જવાબ: આ વખતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારનો વિજય નિશ્ચિત છે અને માત્ર ગુજરાતમાં જ નહિ પણ તેનું વજન કેન્દ્રમાં પણ વધશે. દેશમાં પણ તેમની લોકપ્રિયતા છે તેનાથી પણ ઘણી વધી જશે અને ગુજરાતની જીત બાદ દેશના નેતા પણ મોદીને સ્વીકારે એવી અમારી અપીલ છે.
પ્રશ્ન: તમે એવું માનો છો કે 2012માં ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી 2014માં પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી બનશે?
જવાબ: જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2012માં પણ નરેન્દ્ર મોદી જ છે અને રહેશે. રહી વાત વડાપ્રધાનપદની તો એનો નિર્ણય હાઈકમાન્ડ કરે છે. પણ એક વાત તો છે કે નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીમાં છવાઈ જશે અને તેની નોંધ દેશ અને દુનિયા લેશે.
SP / KP
Reader's Feedback: