Home» Interview» Sports» Yoga girl jalpa

અવિરત પ્રયત્નથી કોઈ પણ પરિસ્થિતિ બદલી શકાય છે-જલ્પા કાચિયા

પ્રતીક કાશીકર | June 02, 2012, 12:00 AM IST

અમદાવાદ :


ગુજરાતના પેટલાદ જેવા નાના શહેરની 18 વર્ષની કિશોરી જલ્પા કાચીયાએ યોગા જેવા નવા ક્ષેત્રમાં નિપુણતા મેળવી છે. જેના લીધે તેને ૨૩-૨૪ જુન ૨૦૧૨માં પોર્ટુગલના બેજા ખાતે યોજાનાર વર્લ્ડ યોગા ડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની અને ત્યાં પ્રદર્શન કરવાની તક મળી છે.આ બાબતે જીજીએન જોડે કરેલી ખાસ વાતચીતના અંશ નીચે પ્રમાણે છે.

પ્રશ્ન : તમે આટલી નાની ઉમરે રીધમ યોગા પદ્ધતિમાં સારી નિપુણતા મેળવી છે અને હવે તમને પોર્ટુગલમાં થનારી "વર્લ્ડ યોગા ડે" પરિષદમાં ભાગ લેવાની તક મળી છે. એના વિષે થોડી માહિતી આપશો.

જવાબ : હા જરૂર. ગત વર્ષે દિલ્લી ખાતે યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય સ્તરની રિધમિક યોગા ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં મને સિલ્વર મેડલ મળ્યું હતું. મારા ત્યાંના દેખાવ અને ત્યાર બાદ બેંગ્લોર ખાતે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં મને ૩ ગોલ્ડ મેડલ મળતાં યોગા ફેડરેશન દ્વારા મારી પોર્ટુગલના બેજા શહેર ખાતે થનાર વર્લ્ડ યોગા ડે પરિષદ માટે પસંદગી કરવામાં આવી છે. આ પરિષદના પ્રારંભિક સત્રમાં મારે પરફોર્મ કરવાનું છે તેવું જણાવાયુ છે.

પ્રશ્ન: આ રિધમિક યોગા શું છે અને તે બીજા યોગા કરતા કઈ રીતે અલગ છે?

જવાબ : રિધમિક યોગા એ યોગનું એક સ્વરૂપ જ છે જે સંગીતના તાલે કરવામાં આવે છે. રિધમિક યોગા એ જોડીમાં અથવા એકથી વધુ લોકો સાથે કરવામાં આવે છે. અને તેમાં ખાસ કરીને સંગીતના તાલ અને યોગની મુવમેન્ટ નું ધ્યાન રાખવામાં આવે છે. આ રીતના યોગા સામાન્ય યોગા કરતા વધુ મહેનત અને ધ્યાન માંગી લેતા હોય છે. એવું કહી શકાય કે આ પદ્ધતિ યોગા અને જીમ્નાસ્ટીકનો સમન્વય છે.

પ્રશ્ન: તમે રિધમિક યોગા તરફ ક્યારે આકર્ષિત થયા અને તેનું પ્રશિક્ષણ ક્યારથી ચાલુ કર્યું?

જવાબ : મેં આ રમત ૧૦ વર્ષની ઉમર થી શરુ કરી હતી. અને પહેલા કેમ્પથી જ આ રમતમાં રસ પડ્યો હતો અને મારા ગુરુ બોરસદના ભાનુપ્રસાદ પંડ્યા પાસે મારા પ્રશિક્ષણની શરૂઆત કરી. એમને મારામાં પ્રતિભા છે તેવું લાગ્યું તેથી મારી પાસે ખુબ મહેનતથી પ્રેક્ટીસ કરાવી. આજે એ મહેનતે જ મને યશ અપાવ્યો છે.

પ્રશ્ન : આજ સુધી કેટલી યોગા સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને એમાં કેવું યશ પ્રાપ્ત થયું છે એની વિગત આપશો?

જવાબ : ૨૦૦૪ થી આજ સુધી મેં ગુજરાત, નવી દિલ્લી, બેંગ્લોર અને પુના ખાતે ૯ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. જેમાં ૪ રાજ્ય લેવલની ૪ રાષ્ટ્રીય લેવલની અને એક આંતરરાષ્ટ્રીય લેવલની સ્પર્ધાનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓ થકી આજ સુધી મેં ૧૧ પદકો જીત્યાં છે જેમાં સૌથી વધારે મને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મળ્યા છે. મને અલગ અલગ સ્પર્ધાઓમાં સુવર્ણ, રજત અને કાંસ્ય પદકો મળ્યા છે.

પ્રશ્ન : આ રમત ની કેળવણી લેવામાં કેવી અને કેટલી તકલીફ પડી?

જવાબ : આ રમતને શીખવા માટે મેં અને મારા પરિવારે ઘણી બધી તકલીફો વેઠી છે. મારા પિતાએ બીજા લગ્ન કરતા હું, મારી માતા અને મારી બહેન એકલાં રહી છીએ. મારી માતાએ ઘરકામ કરીને ઘર ચલાવીને મને અને મારી બહેનને ભણાવ્યા અને મને આ રમતમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું છે.

પ્રશ્ન : તમને આ રમતમાં આગળ વધવા માટે અત્યાર સુધી બીજા કોઈનું પ્રોત્સાહન મળ્યું છે?

જવાબ : હા, મને મારા પરિવાર અને કોચ તરફથી ખુબજ પ્રોત્સાહન મળ્યું છે. મારા કોચ મને મફતમાં ટ્રેનીંગ આપે છે ઉપરાંત મારી સ્પર્ધાની એન્ટ્રી ફી અને ઘણી વખત તો મારો ત્યાં થનારો ખર્ચો પણ કોચ જ ઉઠાવે છે. મને હમેશા મારી શાળા તરફથી પ્રોત્સાહન મળ્યું છે. તેઓએ મને ફી માફી થી લઇ બહારગામ રમવા જતી વખતે નાણાકીય મદદ પણ કરી છે. હાલ એન.એસ.પટેલ કોલેજ વિદ્યાનગરમાં બી.એ. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. ત્યાં પણ મને ફી માફી આપવામાં આવી છે અને મારા યોગના બેકગ્રાઉન્ડના કારણે મને એન.સી.સી.માં પ્રવેશ મળ્યો છે. એન.સી.સી.ના વડા દ્વારા મારા આ બેકગ્રાઉન્ડના કારણે પંજાબ ખાતે આયોજન થનારા પંજાબ ટ્રેક કેમ્પમાં જવા માટે પણ મારી પસંદગી કરવામાં આવી છે.

પ્રશ્ન : હવે આગળ શું કરવાનો વિચાર છે?

જવાબ : અત્યારે તો મેં મારું સંપૂર્ણ ધ્યાન આ વર્લ્ડ યોગા ડે પરિષદ પર જ કેન્દ્રિત કર્યું છે. ભવિષ્યમાં મારે હજી આગળ ભણીને યોગશિક્ષક બનવાનું સ્વપ્ન છે. જે થકી હું મારા પરિવારને મદદરૂપ થઇ શકું.

પ્રશ્ન : તમે યોગમાં જે નિપુણતા મેળવી છે એનો ઉપયોગ તમારા વ્યવહારી જીવનમાં થયો છે ખરો કે એ માત્ર એક શોખ જ છે?

જવાબ : મને મારી આ નિપુણતાનો ખુબજ લાભ થયો છે. હું હાલ અહી આવેલ સ્વામીનારાયણ સ્કુલમાં યોગશિક્ષક તરીકેની પાર્ટ ટાઇમ નોકરી કરું છે. જેના થકી મને દર મહીને ૩૦૦૦ રૂ.ની આવક થાય છે, જે મને મારું ઘર ચલાવવા અને મારી મોટી બહેનના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે ખુબ મદદરૂપ છે.

પ્રશ્ન : રિધમિક યોગા શીખવા માંગતા યુવાનો ને શું સલાહ આપશો?

જવાબ : કોઈપણ વસ્તુ શીખવી મુશ્કેલ નથી. જેઓ રિધમિક યોગા શીખવા માંગે છે તેઓ ને હું માત્ર એટલું જ કહીશ કે આ રમત ખુબ જ મહેનત અને સતત અભ્યાસ માંગતી રમત છે. જો તમારે આ રમત શીખવી હોય તો તમારે તમારું પૂરેપૂરું ધ્યાન આ રમતમાં કેન્દ્રિત કરવું પડશે.

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 81.05 %
નાં. હારી જશે. 18.50 %
કહીં ન શકાય. 0.45 %