માર્ચ ૨૦૧૩માં પૂર્ણ થયેલી પવન ઉર્જાની નીતિના સ્થાને ગુજરાત સરકારે ગત ઓગસ્ટ મહિનામાં નવી અમલમાં મુકેલી નીતિમાં પવન ઉર્જા દ્વારા ઉત્પાદિત વીજળીનો પ્રતિ યુનીટનો ભાવ અગાઉ જે રૂ. ૩.૫૬ હતો તેમાં વધારો કરીને તે ભાવ પ્રતિ યુનિટ દીઠ રૂ. ૪.૧૫ ઠરાવવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાત સરકારની વીજ કંપની જીયુવીએનએલ કે અન્ય વીજળી વિતરણ પરવાનેદારને વેચાણ કરી શકાશે. પરંતુ મોટી અફસોસની વાત એ છે કે આ નીતિને કોઈ જોઈએ તેવો આવકાર મળ્યો નથી તેમજ નવા કોઈ વીજ ઉત્પાદકો આ માટે એમઓયુ કરવા માટે આગળ આવ્યા નથી.
જો કે આ નક્કી કરવામાં આવેલા વીજ દરો આગામી ૨૫ વર્ષ માટે અમલમાં રહેશે. વિકાસકારોને પ્રોત્સાહન રૂપે પવન ઉર્જા દ્વારા ઉત્પાદિત થતી વીજળીને વિધુત શુલ્કમાંથી માફી આપવાની જોગવાઈ આ નવી નીતિમાં અમલી બનાવી છે.
આ ઉપરાંત પવન દ્વારા ઉત્પાદિત થયેલી વીજળી વિકાસકારો ઈચ્છે તો ગુજરાતમાં આવેલી તેમની ફેકટરીમાં સ્વવપરાશ માટે ઉપયોગ કરી શકશે. વીજ વપરાશ માટેની આ જોગવાઈ વ્હીલીંગ અને ટ્રાન્સમીશન ચાર્જીસ સાથે કરવામાં આવી છે. રાજ્યના ઊંડાણવાળા વિસ્તારોમાં સરકારી પડતર જમીનમાં પવન ઉર્જા મથકો સ્થાપવા માટે વિકાસકારોને જમીન ફાળવવા માટેની જોગવાઈ પણ નવી નીતિમાં કરવામાં આવી છે. જેના કારણે પડતર બિન ઉપજાવું જમીનો હરિત ઉર્જા ઉત્પાદિત કરવા માટે ઉપયોગમાં લઇ શકાશે.
જો કે સરકાર દ્વારા લગભગ દસ વર્ષ બાદ જાહેર કરાયેલી આ નવી નીતિમાં ૨૫ વર્ષ માટેના જે પીપીએ (પાવર પરચેસ અગ્રીમેન્ટ)નો દર નક્કી કરવામાં આવ્યો છે તે તેની સામેના રોકાણના પ્રમાણમાં વ્યાજનો દર પણ ના નીકળી શકે તેવો હોવાનો મત આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે જ આ નીતિને સરકાર દ્વારા પ્રોત્સાહક ગણાવતી હોવા છતાં કોઈ જ સાનુકુળ પ્રત્યાઘાત પ્રાપ્ત થયા નથી.
સમગ્ર દેશમાં પવન ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા ૧૯,૦૦૦ મેગા વોટ જેટલી છે. ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટરનો લાંબો સમુદ્ર કિનારો હોવા છતાં ગુજરાતમાં પવન ઉર્જાને જે પ્રકારનો આવકાર મળવો જોઈએ તે મળ્યો નથી. સરકારે આ પવન ઉર્જા ક્ષેત્રે જાહેર કરેલી નીતિમાં પુન: વિચારના કરવાનો સમય પાકી ગયો હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે.
PR/RP
Reader's Feedback: