હિન્દુ ધર્મમાં અનેરી આસ્થા ધરાવતા જગતમંદિરે તાજેતરમાં ચડાવાયેલ ચાંદીજીના ધ્વજાજીના માલિકી હકક મુદ્દે મંદિર દેવસ્થાન સમિતિ અને ધ્વજાજી ચડાવવાની વિધી કરાવનાર અબોટી બ્રાહ્મણો આમને-સામને આવી જતા છેલ્લા પાંચ દિવસથી વિવાદ વકર્યો છે. સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આખરે દેવસ્થાન સમિતિ દ્વારા એક ડઝન અબોટીઓ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જ્યારે કે આ મુદ્દે સામાજિક અને રાજકીય આગેવાનો મધ્યસ્થી કરીને તાત્કાલિક નિવેડો ન લાવે તો અબોટી બ્રાહ્મણો દ્વારા લોકસભા ચુંટણીમાં બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ચારધામ પૈકીના એક એવા દ્વારકાના જગતમંદિરે ચડાવાયેલી ચાંદીની ધ્વજાજી હાલ વિવાદમાં સપડાતા સમગ્ર હિન્દુ સમાજમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. ભાવનગરના નવા સાંગણા ગામના અંબિકા આશ્રમના ભાવિકોએ ગત તા. ર૪મી ના રોજ સાંજે શાસ્ત્રોકતવિધી દ્વારા ૧૧ કીલો ચાંદીથી અને પ૦ ગ્રામ સોનાથી જયશ્રી દ્વારકાધીશ અક્ષરોએ મઢેલ ધ્વજાજી ચડાવી પૂણ્યતાનું ભાથું બાંધ્યું હતું.
બીજી તરફ શાસ્ત્રોકત વિધી કરી મંદિરના શીખર પર ધ્વજાજી આરોહણ કરી અબોટી બ્રાહ્મણોએ આ ધ્વજાજીનું અવરોહણ કરી પોતાના ઘરે લઇ ગયા હતાં. આ બાબતે જાણ થતા દેવસ્થાન સમિતિ ટ્રસ્ટ દ્વારા અબોટી બ્રાહ્મણોને ધ્વજાજી જમા કરાવવા સુચના આપી હતી. પરંતુ અબોટીઓ તરફથી કોઇ પ્રત્યુતર નહી આવતા આ મુદ્દે દેવસ્થાન સમિતિ દ્વારા દ્વારકા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. પોલીસે તમામા બાબતની ખરાઇ કર્યા બાદ શાસ્ત્રોકત વિધી કરનાર એક ડઝન અબોટીઓ સામે ઇન્ચાર્જ નાયબ વહીવટદાર કમલેશ શાહની ફરિયાદ નોંધી હતી. ધ્વજાજીના માલિકીના હકક મુદ્દે ફરિયાદ થતા હિન્દુ ધર્મમાં ચકચાર પ્રસરી જવા પામી છે.
દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતીના ઇન્ચાર્જ વહીવટદાર દ્વારા સ્થાનિક પોલીસમાં આઇપીસી કલમ-૪૦૬, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે શાસ્ત્રોકત વિધી કરી ધ્વજાજીનો કબજો સંભાળનાર દિલીપભાઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, રઘુભાઇ ત્રિવેદી, કમલેશભાઇ ત્રિવેદી, ભરતભાઇ ત્રિવેદી, નિકુભાઇ ત્રિવેદી, લલીતભાઇ ત્રિવેદી, અશોકભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ ત્રિવેદી, કાનજીભાઇ ત્રિવેદી અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસો સમાવેશ કરાયો હતો.
AI/RP
Reader's Feedback: