ગત રવિવારે કોંગ્રેસની પહેલી યાદી જાહેર થઈ હતી. અને કેજરીવાલ મથુરાના લોકોની વચ્ચે હતા અને ત્યાં પણ તેમણે ગુજરાતના વિકાસના દાવાને પોકળ ગણાવ્યો. અને પોતાની ગુજરાત યાત્રા વિશે જણાવ્યું. જોકે બીજા દિવસે જ સોમવારે મોદીએ બિહારના પૂર્ણિયા ખાતે હૂંકાર રેલી કરી તો રાહુલ ગાંધીએ રાજસ્થાનના ટોંકમાં રેલી કરી હતી.
મોદીએ બિહાર હૂંકાર રેલીમાં નિતીશને આડેહાથે લીધાં તો ઓરિસ્સાથી કોંગ્રેસને આડેહાથે લીધી. જોકે રાહુલ ગાંધી પોતાના અલગ અંદાજથી પોતાની સાથે કોંગ્રેસના યુવા નેતાઓને આક્રામક થવાનું સલાહ-સૂચન આપતા નજરે પડ્યાં. જોકે આ વખતે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ આ ચૂંટણી હારે કે જીતે તે અલગ બાબત છે પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસની પૂરેપૂરી કમાન આવી ગઈ છે. સોનિયા ગાંધી મોટાભાગે શાંત રહેવા પામ્યાં છે.
ગત રવિવારથી લઈને ગઈ કાલના શનિવાર સુધીની રાજકીય સમીક્ષા કરીએ તો, કેજરીવાલ ફોક્સમાં રહેવા પામે છે. અઠવાડિયાના પહેલા જ દિવસે કેજરીવાલ અને એક ટીવી પત્રકારનો ઓફ કેમેરા વાતચીત કરી રહ્યાં હતા. જેમાં કેજરીવાલ પત્રકારને સમજાવી રહ્યાં હતા કે તેમને ક્યો સવાલ પૂછે તો ફાયદો થઈ શકે. જે વીડિયો વાઈરલ થઈ જતાં કેજરીવાલને જવાબ આપવાનું ભારે પડી ગયું હતું. જોકે, તેની સામે કેજરીવાલે પણ ચાન્સ મળતાં ડાન્સ કરી જ લીધો. જ્યારે કેજરીવાલે ફંડ એકત્ર કરવા માટે દાતાઓ સાથે નાગપુરમાં ડીનર કર્યું અને કહી દીધું કે મીડીયા મોદીને ઈશારે ચાલે છે. આ નિવેદન કોઈ કેમેરામાં કેદ થઈ ગયું. સવાર સુધીમાં તો આ વાત ચગડોળે ચઢી ગઈ હતી. તે સાથે જોત જોતામાં મીડીયા પણ ભડક્યું અને કેજરીવાલના સાથીઓ બચાવમાં કૂદી પડ્યાં...
રાહુલ ગાંધીનો પ્રચાર ઘણો સરળ છે. તેમ છતાં ગત શનિવારે ગુગલ હેંગઆઉટના માધ્યમથી કાર્યકર્તાઓ અને યુવા નેતાઓ સાથે વાતચીત કરી અને યુવા નેતાઓને થોડા આક્રામક થવનાની સલાહ આપી.
જોકે નરેન્દ્ર મોદીએ તેમની લાઈને અને લેન્થ પકડી રાખી છે તેમ છતાં તેઓ કઈ બેઠકથી ચૂંટણી લડશે તેના થકી ચર્ચામાં રહ્યાં . જોકે અંતે નક્કી થઈ જ ગયું કે મોદી વારાણસીથી ચૂંટણી લડશે.
મહારાષ્ટ્ર શિવસેના પણ ચર્ચામાં રહી. રાજ ઠાકરે દ્રારા ભાજપને સમર્થન જાહેર થયું અને ઉદ્ધવ ઠાકરે ઉકળ્યાં. રોજે રોજ પોતાના પેપરમાં સંપાદકીય લેખ થકી બફાટ કરવા લાગ્યાં. તે ઉપરાંત કેજરીવાલનું મુંબઈમાં આગમન થતાં જે તેમનો ઉકળાટ ડબલ થઈ ગયો .રાજ ઠાકરેને લઈને ઉદ્ધવ ઠાકરેનો બફાટ ભાજપે સહેજ પણ ધ્યાને ન લીધો અને અંતે કેજરીવાલ મુંબઈથી નાગપુર અને સાઉથ તરફ નીકળી પણ ગયા. પરંતુ ઉદ્ધવ ઠાકરેનો અવાજ સામના મુખપત્રમાં અક્ષરો સુધી જ સિમિત રહ્યો.
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સ્વયંસેવકોને સલાહ આપી જ દીધી. જેમાં તેમણે કહ્યું કે આપણે નમો-નમો કરવાનું નથી આપણે ઘણાં અધૂરાં કામ પૂરા કરવાના છે. આરએસએસ પ્રમુખની આ સલાહે ઘણું જોર પકડ્યું હતું.
રાહુલ ગાંધી ખેડા જિલ્લામાં બાલાસિનોર ખાતે આવ્યાં અને નરેન્દ્ર મોદીને સાફ શબ્દોમાં કહી દીધું કે દેશને ચોકીદારની નહીં પરંતુ અધિકારોની જરૂરિયાત છે. જોકે મોદીએ વળતો જવાબ ઓરિસ્સાથી આપી દીધો અને કહી દીધું અને લોકોને સલાહ આપી કે કામચલાઉ સરકાર માટે વોટ ન કરો, મજબૂત સરકાર માટે વોટ કરો.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક પછી એક પોતાની યાદીઓ જાહેર કરી રહી છે .પરંતુ કોંગ્રેસના નેતાઓમાં અલગ જ વલણ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના મોટાભાગના દિગ્ગજ નેતા ચૂંટણી લડવાન જ તૈયાર નથી. તો ભાજપમાં નવજોત સિંહ સિદ્ધૂ જેવા નેતાઓને વનવાસ લેવાનો સમય આવી ગયો. ભાજપે તે અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ છ યાદી જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરી છે. જોકે જેડીયુ દ્રારા પણ પહેલી યાદી જાહેર થવા પામી છે.
લાલુના નેતા રામકૃપાલ યાદવ ભાજપમાં જોડાયા. તો અન્નાએ મમતાને આપેલો ટેકો નિષ્ફળ રહ્યો. મમતાએ રામલીલા મેદાનમાં અન્ના માટે રેલીનું આયોજન કર્યું અને અન્ના રેલી સુધી ન પહોંચ્યા. જોકે અંતે અન્નાએ કહ્યું કે મેં તો મમતાને સમર્થન કર્યું છે તેમની પાર્ટીને નહીં...જોકે મમતા માટે વર્ષોની રાજનીતિ પછી પણ જાણે આ પાઠ ભણવાનો રહી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે દીદીએ મન મનાવી લીધું.
મોદી મગ્ન બાબા રામદેવમાં પણ આ અઠવાડિયે થોડું પરિવર્તન જોવા મળ્યું. તેમણે કહી દીધું કે મને એનડીએ પાસેથી લેખિતમાં વચન માગ્યું કે તેઓ બાબા રામદેવના મુદ્દાઓ પર કામ કરશે અને વધુમાં તે પણ સંભળાવી દીધું કે તેઓ કોઈના ગુલામ નથી.
કેરી ખાઈને ગોટલો ફેંકી દેવા જેવી સ્થિતિ કોંગ્રેસની તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ કરી. જ્યારે ટીઆરએસ પાર્ટીએ કોંગ્રેસની અંતિમ અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી દીધું અને કહી દીધું કે આગામી લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે તે ગઠબંધન નહીં કરે.
કેજરીવાલની મુંબઈ રેલી બાદ બેંગ્લોર રેલીથી સતત ચર્ચામાં રહ્યાં. મુંબઈની રેલીને કારણે કેજરીવાલત સતત ત્રણ દિવસ ચર્ચામાં રહ્યાં ઉપરાંત તેમનો મીડીયાને નિશાને લઈને કરાયેલા નિવેદને આગમાં ઘી રેડવા જેવું કામ કર્યું . મુંબઈમાં કેજરીવાલના સ્ટંટ ઘણા ચર્ચાએ રહ્યાં. જેમાં તેઓ લોકલ ટ્રેનમાં બેઠા, રીક્ષામાં બેઠા.
જોકે હવે રાજકીય ગરમાવો માત્ર રેલી સુધી જ સિમિત રહ્યો નથી. પરંતુ જેમ જેમ પાર્ટીઓ તરફથી ઉમેદવારોના નામની ઘોષણા થઈ રહી છે તેમ તેમ તોડજોડ પણ વધી રહી છે. નવજોત સિદ્ધૂ , મનોહર જોષી જેવા નેતાઓને મનગમતી બેઠક માટે સંઘર્ષ કર્યો તેમ છતાં બેઠક છોડવી પડી અથવા તો ચૂંટણીથી દૂર રહેવાની ફરજ પડી...તો ગુલ પનાગ જેવી અભિનેત્રીને ઘરે બેઠા બેઠા આમ આદમી પાર્ટીથી ચંડીગઢની ટીકીટ મળી ગઈ તો કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને વગર ઈચ્છાએ પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવાની ફરજ પડી છે.
આવતા અઠવાડિયા સુધીમાં ચિત્ર વધારે સ્પષ્ટ બની જશે. મોટા ભાગની બેઠકોમાં દરેક પાર્ટીના ઉમેદવારો જાહેર થઈ ગયા હશે. એક તરફ ભાજપે જ્યાં વિકાસનું બ્યુગલ વગાડ્યું છે તો તેનાથી વિપરિત કોંગ્રેસ વિકાસનું ગણિત લઈને પ્રજા સમક્ષ પહોંચી છે. જોકે હવે આ બન્ને પાર્ટીઓથી વિપરીત દિશામાં ચાલનારી પોતાને આમ આદમી કહેનારી કેજરીવાલ ગેંગ માટે ભ્રષ્ટાચાર જ મુદ્દો છે તે સાથે ભાજપ અને કોંગ્રેસ તેમના નિશાને છે.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: