૨૫ ડીસેમ્બર દુનિયાભરમાં ઇસુ ખ્રિસ્તના જન્મદિન તરીકે ઉજવાય છે. પરંતુ ઇસુ ખરેખર પૃથ્વી પર જન્મ્યા હતા ખરા?
ખ્રિસ્તી મિશનરીઓ ગર્વભેર કહે છે કે તમારા રામ અને કૃષ્ણ તો કાલ્પનિક પાત્રો છે, જયારે અમારા ઇસુ તો ઇતિહાસની નક્કર હકીકત છે. તેમણે અપંગોને ચાલતા કર્યા, અંધોને દ્રષ્ટિ આપી, માંદાને સાજા કર્યા, ભૂતપલિત ભગાડ્યાં અને મડાંને બેઠા કર્યાં.
અમારા ગુરુ રામ સ્વરૂપ કહેતા તેમ કેટલીક બાબતોમાં ઐતિહાસિકતા બહુ મહત્ત્વની નથી હોતી. હું અને તમે ઐતિહાસિક વ્યક્તિઓ છીએ; પરંતુ માત્ર 'હોવાથી' આપણને મહાનતા કે કોઈ સદગુણ આપોઆપ પ્રાપ્ત થઇ જતો નથી. પણ જયારે પંથના સ્થાપકની ઐતિહાસિકતા તેના માર્કેટિંગ માટે વપરાય ત્યારે તેમાં ઊંડા ઉતરવાનું મન થાય.
છેલ્લા બસો-અઢીસો વર્ષમાં પશ્ચિમમાં બાઈબલ અને ઇસુ ખ્રિસ્તના જીવન વિષે પુષ્કળ અને ઊંડું સંશોધન થયું છે. સંશોધન કરનાર વિદ્વાનોમાં ઘણા શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ હતા, કેટલાક વિરોધીઓ હતા તો કેટલાક ખુલ્લું મન ધરાવતા તટસ્થ અભ્યાસુ હતા. તમામ સંશોધનનો સાર એ નીકળ્યો કે ઇસુના જીવન વિષે એક પણ (રિપીટ) એક પણ વાત--તે જન્મ્યા હતા કે નહિ તે પણ--ખાતરીથી કહી શકાય તેમ નથી. ઇતિહાસની સરાણના પ્રથમ સ્પર્શે જ ઈસુની ઐતિહાસિકતા હવામાં ઓગળી જાય છે.
માનવતાના મસિહા જેવા મહાન મિશનરી ડો. આલ્બર્ટ શ્વાઈટ્ઝર લખે છે કે "ઈસુના જીવન વિશેના વિવેચનાત્મક અભ્યાસનું તારણ અત્યંત નિરાશાજનક છે. નાઝારેથના ઇસુ જે મસિહા તરીકે પ્રગટ થયા, જેમણે ઈશ્વરના રાજ્યનો બોધ આપ્યો, જેમણે પૃથ્વી પર સ્વર્ગના રાજ્યની સ્થાપના કરી અને પોતાના કાર્ય પર અંતિમ મહોર લગાવવા માટે મોતને વહાલું કર્યું તેનું દુન્યવી અસ્તિત્વ કદી હતું જ નહિ. ઈસુની મૂર્તિનો નાશ બહારથી થયો નથી. પરંતુ એક પછી એક ઉભી થતી નક્કર ઐતિહાસિક સમસ્યાઓ તેના ટુકડે ટુકડા કરી નાખે છે..." (ધ ક્વેસ્ટ ફોર હિસ્ટોરિકલ જીસસ પૃષ્ઠ ૩૯૭)
રોમન સામ્રાજ્યની પડતીનો પ્રસિદ્ધ ઈતિહાસ આલેખનાર એડવર્ડ ગિબન નોંધે છે કે સેનેકા, પ્લીની, ટેસીટસ, પ્લુટાર્ક, એપીક્ટેટસ કે માર્ક્સ એન્ટોનિયસ જેવા જાગૃત અને ધીરગંભીર મનીષીઓ ઇસુ કે ખ્રિસ્તી પંથથી સાવ બેખબર હતા અથવા તો તેમણે એની સાવ ઉપેક્ષા કરી હતી. (ડીક્લાઇન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર પૃ.૪૪૨)
આવા નકારાત્મક તારણ પર આવવાનું કારણ એ કે ઈસુના બિન-ખ્રિસ્તી સમકાલીનોએ એમના જન્મ, ચમત્કારો કે ઉપદેશોની કોઈ નોંધ લીધી નથી અને બાઈબલનો પુરાવો વિશ્વસનીય નથી. કહે છે કે તેમના જન્મ સમયે ધોળા દિવસે ત્રણ કલાક સુધી અંધારું છવાઈ ગયેલું. પરંતુ આ અદ્ભુત ઘટનાનો બાઈબલની બહાર ક્યાંય ઉલ્લેખ નથી. પ્રાચીન રોમનો ઈતિહાસ અત્યંત વિગતવાર નોંધાયેલો છે. જે સમયે ઇસુ હયાત હોવાનું કહેવાય છે તે સમયે અથવા તેની આસપાસ રચાયેલા ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનના અનેક ગ્રંથો મોજુદ છે, પરંતુ તે ઈસુથી બેખબર છે. સેનેકા (ઈ.પૂ. ૨ - ઈ.સ. ૬૬) પ્લીની ધ ઓલ્ડર (ઈ.સ. ૨૩-૭૯), માર્શલ (ઈ.સ. ૪૦-૧૦૨), પ્લુટાર્ક (ઈ.સ. ૪૫-૧૨૫ ), જુવેનલ (ઈ.સ. ૫૫-૧૪૦), એપુલીયસ (અવસાન ઈ.સ. ૧૭૦) કે પોસેનિયસ (અવસાન ઈ.સ. ૧૮૫) કોઈ ઇસુ કે ખ્રિસ્તનો ઉલ્લેખ કરતા નથી.
જ્યાં જ્યાં "ક્રેસ્ટસ" અથવા તેના પૂજકોનો છૂટોછવાયો ઉલ્લેખ આવે છે--જેમ કે પ્લીની જુનિયર (ઈ.સ ૬૦-૧૧૪), ટેસીટસ (૫૫-૧૨૦), સ્વેટોનિયસ (૭૦-૧૨૦) અને સલ્પીશિયસ સેવેરસ (અવસાન ઈ.સ. ૪૦૦) તે તમામ ઉલ્લેખો કાં તો નાઝારેથના જીસસ વિષે છે જ નહિ અથવા ખ્રિસ્તી પરંપરાથી પ્રભાવિત થયેલા છે અથવા તો ખ્રિસ્તી લહિયાઓએ પાછળથી ઉમેરેલા છે એવો વિદ્વાનોનો નિષ્કર્ષ છે. ઇયાન વિલ્સનના મતે આ ઉલ્લેખોમાં એવી કોઈ માહિતી નથી જે ઈસુના અસ્તિત્વ વિષે વિશ્વાસ પેદા કરી શકે. (જીસસ: ધ એવિડન્સ પૃ. ૫૧)
પરંપરા અનુસાર ઇસુ યહૂદી તરીકે જન્મ્યા અને યહૂદી તરીકે જ ક્રૂસ પર ચડ્યા. છતાં આશ્ચર્યની વાત છે કે તેમના સમયમાં થઇ ગયેલા યહૂદી ઈતિહાસકારો પણ તેમના વિષે અજાણ છે. યહૂદીઓનો ઈતિહાસ લખનાર ફિલો (ઈ.પૂ. ૨૦-ઈ.સ. ૫૪)ને ઇસુ કે ખ્રિસ્તી પંથની ખબર જ નથી. એ જ સમયના અન્ય ઇતિહાસકાર જસ્ટસ પણ ઈસુથી અજાણ છે.
સૌથી રસપ્રદ કિસ્સો છે ફ્લેવિયસ જોસેફસ (ઈ.સ.૩૬-૯૯/૩૭-૧૦૦). તેણે યહૂદીઓ વિષે બે પુસ્તકો લખ્યાં છે. ધ જ્યુઈશ વોર (ઈ.સ.૭૭) અને એન્ટીક્વિટીઝ ઓફ જ્યૂઝ (ઈ.સ.૯૨). એન્ટીક્વિટીઝ ઓફ જ્યૂઝમાં જીસસ વિષે બે ઉલ્લેખો મળે છે--એક ઉલ્લેખ સીધો અને વિસ્તૃત છે, બીજો ટૂંકો છે. પરંતુ આ બંને ઉલ્લેખો શંકાસ્પદ અને પાછળથી ઘુસાડવામાં આવ્યા હોવાનો મત સી કે બેરેટ સહિત અનેક વિદ્વાનોએ વ્યક્ત કર્યો છે.
હવે બાઈબલનો પુરાવો. બાઈબલના મુખ્ય બે ભાગ છે: જૂનો કરાર (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) અને નવો કરાર (ન્યૂ ટેસ્ટામેન્ટ). નવા કરારમાં ૨૭ ખંડ છે. તેમાંથી ચાર ખંડમાં ઈશુનું જીવન ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. પ્રત્યેક ખંડને ગોસ્પેલ કહે છે. તેના રચયિતા છે: માર્ક, મેથ્યૂ, લ્યુક અને જ્હોન. પ્રત્યેક ગોસ્પેલકારનો દાવો છે કે પોતે ઈસુના જીવન પ્રસંગોનો સાક્ષી હતો અને જેવું જોયું તેવું જ લખ્યું છે. કમનસીબે આ દાવો વિદ્વાનોની કસોટીમાંથી પાર ઉતરતો નથી.
મેથ્યૂ અને લ્યુક કહે છે કે ઇસુ જન્મ્યા ત્યારે હેરોડ જુડીયાનો રાજા હતો. હવે, હેરોડ ઈ.પૂ. ૪માં અવસાન પામ્યો. લ્યુક કહે છે કે ત્રીસ વર્ષની ઉંમરે ઈસુને ધર્મદીક્ષા અપાઈ ત્યારે રોમન સમ્રાટ ટાઈબેરીયસના શાસનકાળનું પંદરમું વર્ષ ચાલતું હતું અને પોન્ટિયસ પાઇલેટ જુડીયાનો ગવર્નર હતો. ટાઈબેરીયસ ઈ.સ. ૧૪માં ગાદી પર આવ્યો. એ હિસાબે ઇસુનો જન્મ ઈ.પૂ. ૨ માં થયો. જ્હોન કહે છે કે ઇસુ અવસાન પામ્યા ત્યારે એમની ઉંમર પચાસ વરસથી ઓછી હતી. એના પરથી ગણો તો એમનો જન્મ ઈ.પૂ. ૧૭-૧૮માં થયો હશે. લ્યુક કહે છે કે તે વખતે સમ્રાટ ઓગસ્ટસે સમગ્ર રોમન સામ્રાજ્યમાં વસ્તીગણતરીનો આદેશ આપ્યો અને ક્વિરીનિયસ સીરિયાનો ગવર્નર હતો. ક્વિરીનિયસ સીરિયાનો ગવર્નર હતો ત્યારે વસ્તીગણતરી જરૂર થઇ હતી, પણ એ ઘટના ઈ.સ. ૬ કે ૭ માં બની હતી. ઇસુ ખરેખર ક્યારે જન્મ્યા હતા?
ઈસુના જીવનના પ્રત્યેક પ્રસંગના નિરૂપણમાં આ જ પ્રકારના વિરોધાભાસો જોવા મળે છે. પ્રત્યેક ગોસ્પેલ ઈસુના જીવનનું પોતાની રીતે નિરૂપણ કરે છે. ઇસુનો જન્મ, ધર્મદીક્ષા, ધર્મોપદેશ, ચમત્કારો, તેમના પર ચાલેલો મુકદ્દમો, ક્રૂસારોહણ, પુનરુત્થાન અને અંતિમ ધર્મોપદેશ જેવા ચાવીરૂપ પ્રસંગોની મહત્ત્વની વિગતોમાં પણ વિવિધ ગોસ્પેલ વચ્ચે એટલા બધા વિરોધાભાસ જોવા મળે છે કે બધા જ પ્રસંગોની સચ્ચાઈ વિષે અને ખુદ ઈસુના અસ્તિત્વ વિષે પણ શંકા જાગે. આ તફાવતો નાસ્તિકો કે અજ્ઞેયવાદીઓએ જ નોંધ્યા છે એવું નથી. પરમ શ્રદ્ધાળુઓ પણ તેની નોંધ લીધા વગર રહી નથી શક્યા. છેક ચોથી સદીમાં સંત ઓગસ્ટાઈને કહ્યું હતું કે ચર્ચ કહે છે એટલે જ હું ગોસ્પેલમાં શ્રદ્ધા રાખું છું.
કુરાનની જેમ બાઈબલ પણ ઈશ્વર કૃત મનાય છે. પરંતુ સેંકડો વર્ષો સુધી તેમાં સુધારાવધારા, ઉમેરા અને બાદબાકી થતા આવ્યા છે. ઘણા મહત્ત્વના પ્રસંગો પાછળથી ઉમેરેલા છે. દાખલા તરીકે વ્યભિચારિણી સ્ત્રીને પત્થરમારામાંથી ઉગારી લેવાનો પ્રસંગ મૂળમાં નહોતો. પોતાને હણનારાઓને માફ કરી દેવાની ઈસુની પ્રાર્થના કે બિનખ્રિસ્તીઓને વટલાવવાનો આદેશ પણ જૂની હસ્તપ્રતોમાં નથી.
વાતનો સાર એ કે કોઠી ધોયે કાદવ નીકળે. ધર્મમાં મહત્ત્વ ઇતિહાસનું નથી, નીતિ અને અધ્યાત્મનું છે. ગીતાના તત્ત્વજ્ઞાનને કૃષ્ણની ઐતિહાસિકતા સાથે સંબંધ નથી. રામની ઐતિહાસિકતા કરતા રામાયણનો સંદેશ વધુ મહત્ત્વનો છે. તેવું જ ઈશુનું સમજવું. ઇસુ થયા હોય કે ન થયા હોય; દયા, કરુણા અને ક્ષમાનો ઉપદેશ કાયમ પ્રસ્તુત હતો, છે અને રહેશે.
VP/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: