દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર રચી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા... ડિસેમ્બરમાં ચૂંટણી પરિણામ આવ્યા છતા અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને દેશભરમાં આમ આદમી પાર્ટીની શું અસર લોકસભા ચૂંટણીમાં થશે તેની ચર્ચા સતત થઇ રહી છે.
ફેબ્રુઆરી 2013માં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પ્રદેશ કારોબારી સમિતીની રચના કરી. અને 6 હજાર સભ્યો શરૂઆતમાં નોંધાયા હતા. પણ ડિસેમ્બર 2013માં આપ પાર્ટીએ દિલ્હીમાં દમખમ દેખાડ્યુ, અને પાર્ટીનાં સભ્યોની સંખ્યા 70 હજારને પાર થઇ ગઇ.
2014નાં લોકસભા ઇલેક્શનને લઇને રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે, ત્યારે આપ પાર્ટીનાં પર્ફોમન્સને જોતા રાજકીય પંડીતો લોકસભા ચૂંટણીમાં આપ પાર્ટીને નજરઅંદાજ ન કરી શકાય તેમ માની રહ્યા છે, ખાસ કરીને જ્યારે ભાજપના વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીનાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે ગ્લોબલ ગુજરાત ન્યૂઝે આમ આદમી પાર્ટીનાં ગુજરાત રાજ્યનાં કન્વીનર સુખદેવ પટેલ સાથે વાતચીત કરીને લોકસભા ચૂંટણી પૂર્વે અને ત્યારબાદ આપ પાર્ટીની રણનીતિ અને ગુજરાતમાં અનેક પડકારો સામે આપ પાર્ટી કેટલી સજ્જ છે, તે જાણવાનો પ્રયાસ કર્યો.
જીજીએન : આમ આદમી પાર્ટીનાં મતે હાલમાં ગુજરાત કયા પડકારોનો સામનો કરી રહ્યુ છે.
સુખદેવ પટેલ : ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાતમાં વિકાસ ઘણો થયો છે. અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ રાજ્યમાં આવી છે, પરંતુ તમે ધ્યાનમાં માનવ વિકાસ સૂચકાંક પર ધ્યાન આપશો તો અનેક સમસ્યાઓ સામે આવશે. ઉ.દા. તરીકે બાળકોમાં કુપોષણ અને શિક્ષણ બાબતે ગુજરાતે સારો દેખાવ કર્યો પણ હાલનાં સમયમાં ગુજરાત તેમા પાછળ પડી રહ્યુ છે. એવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાત ઔદ્યોગિક નિગમની વસાહતો ક્યાં તો મુશ્કેલ સ્થિતીમાં છે, અથવા તો બંધ થઇ છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો જ સૌથી વધુ રોજગારી આપે છે. પણ હાલમાં કામદારોનું શોષણ થઇ રહ્યુ છે. બેરોજગારી વધી રહી છે. મલ્ટીનેશનલ કંપનીઓનાં ઓટોમેશનને અનુસરે છે, જેનાથી કામદારોની ઓછી જરૂર પડે છે. અને કામદારોની માંગમાં ઘટાડો થાય છે. જેથી રોજગારી માટે કામદારોએ અન્યત્ર સ્થળાંતર કરવુ પડે છે, જેનાંથી બાળકોનાં અભ્યાસને પણ અસર થાય છે.
મુખ્ય મુદ્દો બજેટની ફાળવણીનો છે. અમે જોઇ રહ્યા છે કે સરકારનાં બિન ઉત્પાદક ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. અનેક પ્રકારનાં ઉત્સવો અને કાર્યક્રમોને કારણે સરકારની આર્થિક સ્થિતી ડામાડોળ થઇ રહી છે. દેવુ વધી રહ્યુ છે. સામાજીક ક્ષેત્ર માટે ફાળવવામા આવતા બજેટમાં ઘટાડો થઇ રહ્યો છે. અગાઉ જ્યારે ભાજપ સત્તામાં હતુ ત્યારે શિક્ષણ ક્ષેત્રે 23 ટકા બજેટની ફાળવણી કરવામાં આવતી હતી, પણ ગત્ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે 14 ટકા બજેટની ફાળવણી કરવામાં આવી છે. આ 7 ટકાનો ઘટાડો દર્શાવે છે કે સરકારની પ્રાથમિકતાઓ બદલાઇ છે.
જીજીએન : ગુજરાતનો ઇતિહાસ કોમી રમખાણો અને ધાર્મિક ભેદભાવયુક્ત રહ્યો છે. ત્યારે આપ પાર્ટી આ પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરશે ?
સુખદેવ પટેલ : ગુજરાતમાં તોફાનોનો ઇતિહાસ 1969થી રહ્યો છે. અગાઉનાં તોફાનો શહેરોમાં કેન્દ્રિત હતા. પણ છેલ્લે 2002માં જે તોફાનો થયા તે શહેરો સમગ્ર રાજ્યમાં ફેલાયા હતા. 2002 પહેલાનાં તોફાનો રાજ્ય સમર્થિત ન હતા, પણ અલગ-અલગ ધર્મનાં મતોનું ધ્રુવીકરણ કરી વોટ મેળવવા માટે થતા હતા.
હવે, ધ્રુવીકરણની રાજનીતિને કારણે અનેક લોકોએ જુના અમદાવામાં પોતાના ઘર છોડી દીધા. જેમાં હિંદુ-મુસ્લિમ બંને ધર્મનાં લોકોનો સમાવેશ થાય છે. એક સરહદનું નિર્માણ થયુ છે. આ વૉટબેંકનું રાજકારણ છે. જે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ધ્રુવીકરણને મજબૂત કરવાનું કાર્ય કર્યુ છે. આપ પાર્ટી માને છે કે કોઇ પણ વ્યકિત પહેલા નાગરિક છે. આમ આદમી પાર્ટી ધર્મ અને જાતીથી ઉપર ઉઠીને તમામ લોકોને મદદ કરવાનું કામ કરશે. અને વોટબેંકની રાજનીતિ ક્યારેય આપ પાર્ટી નહીં કરે.
જીજીએન : ધાર્મિક વિભાજનને અટકાવવા માટે તમે શું પ્રયત્ન કરશો, તેનું કોઇ નક્કર ઉદાહરણ આપી શકો ?
સુખદેવ પટેલ : આપ પાર્ટી માને છે કે આજે આમ આદમી પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે. જેમાં દરેક ધર્મનાં લોકો છે. લોકોને તમામ સુવિધાઓ મળે એ અમારો પ્રથમ પ્રયત્ન રહેશે. હાલનાં સમયમાં ધર્મનાં આધારે ભેદભાવ જોવા મળે છે. હાલમાં ગરીબ વિસ્તારોમાં જોઇશું તો મોટાભાગે લઘુમતી કોમનાં લોકો વધારે જોવા મળશે જેઓ મર્યાદીત સુવીધાઓ સાથે જીવનનિર્વાહ કરી રહ્યા છે. અમે એ લોકો પર ધ્યાન આપીશુ એટલા માટે નહીં કે તેઓ લઘુમતી કોમનાંછે. પણ તેમના મૂળભૂત માનવ અધિકાર પ્રભાવિત થયા છે. અને અમે તેમના અધિકાર અપાવીશું.
જીજીએન : જ્યારે નીતિની વાત આવે છે. તમે લઘુમતીઓની સ્થિતીમાં કેવી રીતે સુધારો કરશો ? શું આપ પાર્ટી લઘુમતિ માટે આરક્ષણને સપોર્ટ કરશે ?
સુખદેવ પટેલ : આરક્ષણ અને ક્વૉટા દ્વારા ક્યારેય કોઇ ઉકેલ આવ્યો નથી. જેમ કે આદિવાસીઓ, દલીતોને આરક્ષણ, ક્વૉટા મળ્યો છે. પણ હજુ સુધી તેમની પરિસ્થિતીમાં કોઇ સુધારો થયો નથી. જેથી અમે તેમની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને હકીકતમાં તેમના મૂળભૂત અધિકારો શું છે તેના પર કામ કરીશું.
જીજીએન : વર્ષ 2014નાં લોકસભા ચૂંટણી માટે તમારો શું પ્લાન છે ?
સુખદેવ પટેલ : અમે ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યા છે. અમારે એ જોવુ પડશે કે કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે. અમારા ચૂંટણી ઠંઠેરાને આધારે અમારે લાંબાગાળાની રણનીતિ નક્કી કરવી પડશે. અમે જાતિ, ધર્મ, જાતિ અને પ્રદેશના આધાર સમાન પ્રતિનિધિત્વ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અમારી માટે સૌથી મોટો પડકાર સમય છે.
જીજીએન : શું આમ આદમી પાર્ટી ભાજપની સામે કોંગ્રેસ કે અન્ય કોઇ રાજકીય પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે ?
સુખદેવ પટેલ : ચૂંટણી જીતવી એ અમારા માટે માઇનસ્ટોન સમાન હશે. જોકે તેનાથી તમામ પરિસ્થિતીઓનું નિરાકરણ નહી આવે. દિલ્હીમાં અમે અમારા દમ પર ચૂંટણી લડ્યા, પણ અમને પૂર્ણ બહુમતી ન મળી. ચૂંટણીમાં અમે કોંગ્રેસની સામે લડ્યા પણ તેમનો સપોર્ટ લીધો. અને મુદ્દાઓ આધારિત સપોર્ટ લીધો. અમે કોઇ સમાધાન ન કર્યુ. જ્યારે અમે દિલ્હીમાં સમાધાન ન કર્યુ, તો ગુજરાતમાં કેવી રીતે કરીશુ. અમારે કોઇ પણ પાર્ટીનાં સમર્થનની જરૂર નથી. ન તો લઇશુ.
જીજીએન : શું આનંદીબેન પટેલનાં પતિ મફતલાલ પટેલ આપ પાર્ટીમાં જોડાવાનાં છે ?
સુખદેવ પટેલ : થોડા સમય પહેલા મીડિયામાં આ પ્રકારનાં અહેવાલ આવ્યા હતા કે મફતલાલ પટેલ આપ પાર્ટીમાં જોડાવાના છે. પણ હાલમાં જે અહેવાલ આવ્યા છે તેમાં જાણવા મળી રહ્યુ છે કે તેમના પરિવાર દ્વારા મફતલાલ પર દબાણ છે. ખાસ કરીને તેમની પુત્રી દ્વારા દબાણ થઇ રહ્યુ છે કે તેઓ આપ પાર્ટીમાં ના જોડાય.
જીજીએન : શું તમે મફતલાલ પટેલ સાથે સંપર્કમાં છો ?
સુખદેવ પટેલ : ના. અનેક લોકો આપ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. હું છેલ્લા કેટલાક સમયથી મફતલાલ પટેલને જાણું છું, પણ આ બાબતે કોઇ ચર્ચા થઇ નથી.
જીજીએન : શું આપ પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જોડાણ કરશે ?
સુખદેવ પટેલ : આપ એક રાષ્ટ્રીય પાર્ટી છે, જેની પાસે જનતાનો મેન્ડેટ છે. ત્યારે જનતાનાં મેન્ડેટ સમજીને કોઇ પાર્ટીમાં જોડાવા માંગે તો તેમનું સ્વાગત છે. પણ જો કોઇની ઇમેજ સારી ન હોય, અથવા તો કોમવાદી ઇમેજ હોય તો તેમની સાથે ક્યારેય કોઇ જોડાણ નહી થાય, ન તો તેમને પાર્ટીમાં સ્થાન મળશે.
જીજીએન : તો તમે એમ કહી રહ્યા છો કે જીપીપી જાતીવાદી કે કોમવાદી પાટી છે ?
સુખદેવ પટેલ : ક્યારેય કોઇ પાર્ટી માટે પ્રત્યક્ષ રીતે આ ઉચ્ચારણો યોગ્ય નથી. પણ જે પ્રકારની જીપીપીની ઇમેજ છે કે તેઓ ભાજપમાંથી અલગ થઇને નેતાઓએ આ પાર્ટી બનાવી છે. અને આ પ્રકારની પાર્ટીઓ માત્ર ચૂંટણી આવે ત્યારે બહાર આવતી હોય છે.
જીજીએન : આપ પાર્ટી ભાજપનાં જૂના નેતાઓને પોતાની પાર્ટીમાં સ્થાન આપી રહી છે, જેમ કે કનુભાઇ કળસરિયા. તો ભાજપ અને આપમાં ફરક શું ?
સુખદેવ પટેલ : જ્યા સુધી કનુભાઇ કણસરિયાની વાત ત્યા સુધી તેઓ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય છે. પણ જ્યારે કનુભાઇ ધારાસભ્ય હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે આંદોલન કર્યુ. રેલીઓ યોજી. પણ ભાજપે તેમની વિરુધ્ધ કોઇ કાર્યવાહી ન કરી. આખરે જ્યારે ભાજપનું સભ્ય રિન્યુઅલ કરવાની વાત આવી ત્યારે તેમને સભ્યપદ રિન્યુઅલ ન કર્યુ. બીજી વાત કનુભાઇ કણસરિયાએ હંમેશા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ કર્યો છે. કનુભાઇ જેવા વ્યકિત પાર્ટી સાથે જોડાય તે સારી બાબત છે.
જીજીએન : મીડિયામાં એવા અહેવાલ આવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી આપ પાર્ટીની કામગીરી પર નજર રાખી રહ્યા છે. શું છે તમારી પ્રતિક્રીયા ?
સુખદેવ પટેલ : એ સારી બાબત છે કે નરેન્દ્ર મોદી અમારા પર નજર રાખી રહ્યા છે, જેથી જો અમારાથી કોઇ ભૂલ થશે તો અમે તેને સુધારવાનો પ્રયત્ન કરીશુ. અમારી પણ મોદી પર નજર છે, કે તેઓ શું કરી રહ્યા છે.
જીજીએન : નરેન્દ્ર મોદી અને ભાજપનું ગુજરાતમાં જે પ્રદર્શન છે, તે અંગે તમે શું કહેશો ?
સુખદેવ પટેલ : ભાજપ એક અનેક લોકોએ ભાજપ છોડી દીધુ. ખાસ કરીને એ નેતાઓ જે ભાજપનાં પાયામાં રહ્યા હતા. લોકો ભાજપ છોડી રહ્યા છે કારણ કે તેમને ખબર પડી રહી છે કે ભાજપ એક કરપ્ટ પાર્ટી છે. નરેન્દ્ર મોદીએ પાર્ટીની શક્તિ તોડી છે. માત્ર તેમના પ્રિતીપાત્ર નેતાઓને જ પાર્ટીની જવાબદારી મળે છે. મોદીએ માત્ર એ લોકો જ પસંદ છે, જે તેમના કહેવા મુજબ કાર્ય કરે. જેથી આમ આદમી માટે ભાજપમાં કોઇ સ્થાન નથી.
DP
Reader's Feedback: