Home» Development» Rural Development» Narendra modi at chhota udepur

છોટાઉદેપુર જિલ્લાનો શુભારંભ કરાવતા મોદી

જીજીએન ટીમ દ્વારા | August 30, 2013, 06:24 PM IST

છોટાઉદેપુર :

નરેન્દ્ર મોદીએ મધ્યગુજરાતમાં આદિવાસી ક્ષેત્રના નવરચિત છોટાઉદેપુર જિલ્લામાં આનંદોત્સવ ઉજવી રહેલા વનવાસી મહેરામણના અભિવાદન સમારોહમાં જણાવ્યું હતું કે નવા જિલ્લાઓ વિકાસની નવી શકિતની ઓળખ ઉભી કરશે.

દિલ્હીની કેન્દ્ર સરકાર કુશાસનના રાજરોગથી પીડિત છે અને તેનાથી દેશનું ધનોત-પનોત નીકળી ગયું છે જ્યારે ગુજરાતે સુશાસનની ઓળખ ઉભી કરી છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં ૬૭માં આઝાદી પર્વથી કાર્યરત થયેલા સાત નવરચિત જિલ્લાઓમાં જનતા જનાર્દનનાં અભિવાદન સમારોહ યોજાઇ રહયા છે. આજે નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુરમાં વિશાળ માનવમેદનીનું અભિવાદન કર્યું હતું. બપોરે લુણાવાડામાં નવરચિત મહીસાગર જિલ્લાના અભિવાદન સમારોહમાં પણ મુખ્યમંત્રી મોદી ઉપસ્થિત રહયા હતા.

નવરચિત છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર, કવાંટ, સંખેડા, જેતપુર-પાવી અને નસવાડીની પાંચ તાલુકાઓના મળી ૮૦૩ ગામોનો સમાવેશ થાય છે અને જનસંખ્યા ૧૦.૭૦ લાખ જેટલી છે. એકસોથી વધુ સંસ્થાઓ અને સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિમંડળો તરફથી મુખ્યમંત્રી મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગુજરાતની રચના પછી એકસાથે સાત જિલ્લાઓ નવા રચવામાં આવ્યાની પહેલી ઘટનાનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતના ત્રણ નવા જિલ્લા આદિવાસી ક્ષેત્રના વિકાસ અને સૌરાષ્ટ્રના ત્રણ નવા જિલ્લા સાગરખેડુ સમાજોના વિકાસને ગતિ આપવા રચવામાં આવ્યા છે.

ભૂતકાળમાં શાસકો લોભામણા વચનો આપતા અને વોટબેન્ક માટે વિકાસના ટુકડા ફેંકતા અમે આ પરંપરા તોડી અને સાચા અર્થમાં બધા જ વર્ગોના સર્વસમાવેશક વિકાસ માટે વહીવટનું વિકેન્દ્રીકરણ કર્યું છે. દીન-દુઃખિયારાની સેવા કરવી, એમનો હાથ પકડી સશકિતકરણ કરવું એ જ અમારી સરકારનો સેવા મંત્ર છે એમ મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું.

વડોદરાની કમનસિબ મકાન હોનારતમાં આફતમાંથી રાજકીય રોટલા શેકનારા સામે આક્રોશ વ્યકત કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઉત્તરાખંડની ભયાનક આફતમાં દુઃખીયારાની વહારે જવાને બદલે તમે શું કર્યું તે આ દેશની જનતા જાણે છે. અમે મકાન દુર્ઘટનાની તપાસ નિષ્પક્ષ રીતે કરવા ઇન્કવાયરી કમિશન નીમ્યું છે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી માટે સર્વગ્રાહી તપાસ કરશે અને જે કોઇ જવાબદારો હશે તેની સામે પગલાં લેવાશે એમ તેમણે જણાવ્યું હતું.

આદિવાસી સહિત ગરીબ વર્ગોના આર્થિક સશકિતકરણ માટે વનબન્ધુ કલ્યાણ પેકેજની બીજા તબકકાની પાંચ વર્ષની રૂા. ૪૦,૦૦૦ કરોડની યોજનાની રૂપરેખા આપી મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું કે અંબાજીથી મરગામ સુધીના સમગ્ર આદિવાસી પૂર્વપટ્ટામાં સિંચાઇની સુવિધા માટે રૂા. ૪૩પ૦ કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આદિવાસી ક્ષેત્રમાં વાડી પ્રોજેકટની સફળતા ધ્યાનમાં લઇને તેનું ફલક વિકસાવી આદિવાસી કિસાનોની ખેતી અને જીવનધોરણમાં સુધારણા કરવાનો નિર્ધાર સરકારે કર્યો છે.

આગામી ૯-૧૦ સપ્ટેમ્બર ર૦૧૩ના દિવસોએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ હાઇટેક એગ્રો સમિટ યોજાવાની છે તેની ભૂમિકા આપતા નરેન્દ્ર મોદીએ જમીન ટૂંકી હોય અને પાણી ઓછું હોય છતાં એગ્રી-ટેકનોલોજીથી આધુનિક ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે કૃષિ વિકાસમાં ગરીબ કિસાનોને જોડવા છે, તેની સવિસ્તાર માહિતી આપી હતી.

સમાજ હોય કે ભૂ-ભાગનો પ્રદેશ જેનું એક પણ અંગ નબળું હોય તો વિકાસ સ્વસ્થ ગણાય નહી એમ જણાવી મુખ્યમંત્રી મોદીએ દલિત-પીડિત, વંચિત, વનવાસી કે દરિદ્રનારાયણ-સર્વસમાવેશક વિકાસનો મંત્ર આ સરકારે સાકાર કર્યો છે તેની વિગતો આપી હતી.

વનબન્ધુ યોજનાના પાંચ વર્ષમાં ૪૩ આદિવાસી તાલુકાની સિધ્ધિઓ દર્શાવતા તેમણે જણાવ્યું કે ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં બાર વર્ષ પહેલાં માત્ર ચાર ટકા ઘરોમાં નળ કનેકશન હતા આજે ૮૦ ટકા ઘરો સુધી પાણી પહોંચે છે. ગરીબ આદિવાસી સગર્ભા માતાઓની સંસ્થાકીય સુરક્ષિત પ્રસૂતિ સેવાની ટકાવારી ૯૦ ટકા પર પહોંચી ગઇ છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓએ હજારો ગરીબ સગર્ભા અને શિશુની જીંદગી સુરક્ષિત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ દેશનું ધનોત-પનોત સ્વરાજ પછી સુરાજ્યના માર્ગે ન ગયા તેથી નીકળ્યું છે અને તેના માટે દિલ્હીની કેન્દ્રની ગાદી પર બેઠેલા વર્તમાન શાસકો જવાબદાર છે. સુશાસન એ ગુજરાતની ઓળખ બની છે પણ કેન્દ્રની સરકારના કુશાસનના રાજરોગે દેશને સંકટોમાં ધકેલી દીધો છે.

મુખ્યમંત્રી મોદીએ માતાઓ બહેન-દીકરીઓની અસલામતી માટે રાક્ષસી વિકૃતિઓ અને માનસિકતાને જવાબદાર ગણાવતા જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં નારીશકિત અને માતૃશકિતનું સન્માન એ સમાજની તંદુરસ્તીની ઓળખ છે, પરંતુ આજે આ દેશમાં બહેન-દીકરીની ઇજ્જત સલામત નથી, છતાં દિલ્હીની કેન્દ્ર સરકારને તેની શરમ નથી. દેશમાં બહેન-દીકરીની સુરક્ષા એ પુરૂષની પ્રાથમિક જવાબદારી છે અને મર્દની જેમ બહેન-દીકરીની ઇજ્જત જાળવવી એ સમાજની પ્રતિષ્ઠા છે એમ તેમણે જણાવ્યું હતું.

વનબંધુ કલ્યાણ યોજનાએ પાંચ વર્ષમાં વનવાસીઓને આત્મનિર્ભર બનાવ્યા છે હવે ૪૦ હજાર કરોડના બીજા પાંચ વર્ષના આયોજન દ્વારા વિકાસની ઊંચી ઊડાન ભરવી છે અને આઝાદીના આટલા વર્ષોમાં ન થયો તેવો આદિજાતિ વિસ્તારોનો વિકાસ કરવો છે તેવી નેમ તેમણે વ્યકત કરી હતી. વડોદરા જિલ્લા પ્રભારી નાણાંમંત્રી  નીતિન પટેલ આ પ્રસંગે પસ્થિત રહયા હતા.

મુખ્યમંત્રી મોદીએ નવરચિત છોટાઉદેપુર જિલ્લાની વેબસાઇટ લોન્ચ કરી હતી તેમજ જિલ્લાના ખેલાડીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. વડોદરા કલેકટર વિનોદ રાવે મુખ્યમંત્રી મોદીને મળેલી ભેટસોગાદોની તોષાખાનાની ચીજવસ્તુઓની જિલ્લામાં હરાજીથી પ્રાપ્ત આવક રૂ. ર કરોડ ૩ લાખનો ચેક મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે અર્પણ કર્યો હતો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %