
લોકસભાની ચૂંટણીમાં અત્યારે ભાજપની બોલબાલા છે અને નરેન્દ્ર મોદીનો જયજયકાર થઈ રહ્યો છે. બધા ઓપિનિયન પોલ એવું કહી રહ્યા છે કે આ વખતે મોદી સપાટો બોલાવશે ને એનડીએ 250 બેઠકો લગી તો રમતાં રમતાં પૂગી જશે. ઓપિનિયન પોલ ખરેખર સાચા પડશે કે નહીં તે ખબર નથી પણ આ પોલના કારણે કોંગ્રેસીઓ રઘવાયા ચોક્કસ થઈ ગયા છે. કોંગ્રેસ જ્યારે પણ રઘવાટમાં આવે ત્યારે તેને મુસ્લિમ મતબેંક યાદ આવે છે અને એ સીધી મુસ્લિમ મતોના દલાલોના પગોમાં જ આળોટી પડે છે. અત્યારે પણ એવુ જ થયું છે. કોંગ્રેસે મુસ્લિમ મતબેંકના સૌથી મોટા દલાલ એવા દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીના જ પગ પકડી લીધા છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બુખારીને પોતાના ઘેર નોંતર્યા અને બંને વચ્ચે રામ જાણે શું સંતલસ થઈ કે બુખારીએ કોંગ્રેસને મત આપવા અપીલ કરી નાંખી.
બુખારીની આ અપીલ પછી કોંગ્રેસ જોરમાં છે ને હવે ભાજપને ભરી પીશું તેવા કેફમાં છે. બીજા દંભી સેક્યુલર નેતાઓના મોતીયા મરી ગયા છે. કોંગ્રેસનો આ કેફ 16 મે લગી તો રહેશે જ પણ સવાલ એ છે કે આ દેશમાં મુસ્લિમો ખરેખર એટલા પ્રભાવશાળી છે ખરા કે દેશમાં કોણ રાજ કરશે તે નક્કી કરે ? કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષો એવું ચિત્ર ઉભું કરે છે ખરા ને જેમનાં હિતો સંકળાયેલાં છે તેવા મુસ્લિમ નેતાઓ તેમાં હાજીયો પુરાવે છે પણ વાસ્તવિકતા એ છે કે આ દેશમાં મુસ્લિમો એટલા તાકતવર છે જ નહીં કે જે કેન્દ્રમાં કોની સત્તા આવશે એ નક્કી કરી શકે.
જે લોકો મુસ્લિમોને કિંગ મેકર માને છે તેમની દલીલ સમજવા જેવી છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસતી 121 કરોડ છે અને તેમાં મુસ્લિમોનું પ્રમાણ 15 ટકા જેટલું છે. વસતીના પ્રમાણમાં લોકસભાની 543 બેઠકોમાંથી મુસ્લિમોને લગભગ 83 બેઠકો મળે. મુસ્લિમ મતોના દલાલોની દલીલ એવી છે કે મુસ્લિમો એક થાય તો દેશની 186 બેઠકોનં પરિણામ બદલી શકે છે. ઉત્તર પ્રદેશની 53, બિહારની 29, પશ્ચિમ બંગાળની 28, કર્ણાટકની 15, કેરળની 14, મહારાષ્ટ્રની 13, આંધ્ર પ્રદેશની 12, આસામની 9, ગુજરાત-રાજસ્થાનની 6-6 બેઠકો તેમના મતે એવી છે કે જ્યાં મુસ્લિમો જ કોણ જીતે તે નક્કી કરે. બીજી બેઠકો તો અલગ. આ પૈકી 34 બેઠકો તો એવી છે કે જ્યાં મુસ્લિમ મતદારોની ટકાવારી 40 ટકાની આસપાસ છે. આ બેઠકો પૈકી 7 બેઠકો ઉત્તર પ્રદેશમાં છે, 4 બેઠકો પશ્ચિમ બંગાળમાં છે, બિહારમાં 3 બેઠકો છે, જમ્મુ અને કાશ્મીર તથા આસામમાં 3-3 બેઠકો છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં બે-બે બેઠકો છે. બાકીની બેઠકો છૂટક છે.
રસપ્રદ વાત એ છે કે મુસ્લિમો મતદારોની બહુમતી હોવા છતાં આ પૈકી કાશ્મીરની ત્રણ અને આંધ્ર પ્રદેશની એક બેઠકને બાદ કરતાં એક પણ બેઠક એવી નથી કે જેના પર આજ લગી માત્ર મુસ્લિમ ઉમેદવાર જ ચૂંટાયો હોય. અને આ 196 બેઠકો પૈકી 75 ટકા બેઠકો તો એવી છે કે જ્યાં વરસોથી મુસ્લિમ ઉમેદવાર જીત્યો જ નથી. ઉદાહરણ તરીકે રાજસ્થાન અને ગુજરાતમાં 6-6 બેઠકો પર મુસ્લિમ મતદારો કિંગ મેકર હોવાના દાવા થાય છે પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં 1984માં અહમદ પટેલ લોકસભામાં ચૂંટાયા તે પછી કોઈ મુસ્લિમ ચૂંટાયો જ નથી ને રાજસ્થાનમાંથી તો અત્યાર સુધીમાં જ માત્ર એક મુસ્લિમ ચૂંટાયો છે. બીજાં ઘણાં રાજ્યો એવાં છે જ. ઉત્તર પ્રદેશમાં 53 બેઠકો પર મુસ્લિમોના પ્રભાવના દાવા થાય છે પણ ત્યાંથી કદી 10 કરતાં વધારે મુસ્લિમ સંસદસભ્યો ચૂંટાયા જ નથી. તમે લોકસભામાં ચૂંટાતા મુસ્લિમ સંસદસભ્યોની સંખ્યા પર નજર નાંખશો તો પણ ખ્યાલ આવશે કે આ પ્રકારનાં રીએક્શન આવે છે. 2004માં લોકસભામાં 35 મુસ્લિમો ચૂંટાયા હતા. તેની સામે 2004માં 30 મુસ્લિમો ચૂંટાયા છે. વસતીના પ્રમાણમાં ગણીએ તો 15 ટકાની સામે માંડ છ ટકા મુસ્લિમો લોકસભામાં ચૂંટાયા ગણાય.
બીજી એક બાબત પણ સમજવાની જરૂર છે. મુસ્લિમો એક થાય તો તેની સામે જે રીએક્શન આવે તેની પણ ચૂંટણી પર અસર પડતી હોય છે. મુસ્લિમો એક થાય એટલે હિન્દુઓ પણ એક થવાના જ. મુસ્લિમ મતોના ઠેકેદારો એવા ભ્રમમાં રાચે છે કે મુસ્લિમો એક થાય પણ એટલે ગમે તેની બેન્ડ બજાવી શકે પણ હિન્દુઓ તો અંદરોઅંદર ઝગડતા જ રહે. એ શક્ય જ નથી. ધર્મના નામે મુસ્લિમો એક થાય એટલે હિન્દુઓમાં પણ એકતા આવવાની જ છે. ઉત્તર પ્રદેશમાં એવાં રીએક્શન આવેલાં જ છે અને તેના કારણે એક સમયે ભાજપ 85 લોકસભા બેઠકોમાંથી 58 બેઠકો જીતી ગયેલો. ઉત્તર પ્રદેશમાં જ 2004માં 10 મુસ્લિમ સંસદસભ્યો ચૂંટાયા હતા જ્યારે 2009માં એ આંકડો ઘટીને છ થઈ ગયો. 2004માં સમાજવાદી પાર્ટીની ટિકીટ પર સાત મુસ્લિમો ચૂંટાયા હતા પણ 2009માં મુલાયમસિંહે બુખારીને સાથે લઈને મુસ્લિમ કાર્ડ ખેલ્યું તેની એ અસર થઈ કે હિન્દુઓ એક થઈ ગયા ને સમાજવાદી પાર્ટીમાંથી એક પણ મુસ્લિમ નહોતો ચૂંટાયો.
બુખારી જેવા મુસ્લિમ મતોના ઠેકેદારો આ વાતને નજરઅંદાજ કરે છે કેમ કે તેમની દુકાન જ મુસ્લિમો સામે કિંગ મેકર બનાવવાનું ગાજર લટકાવીને તેમને દોડાવતા રહેવા પર ચાલે છે પણ મુસ્લિમોએ આ વાત સમજવી જરૂરી છે. મુખ્ય પ્રવાહનો હિસ્સો બનીને મુસ્લિમો રહે ને ધર્મના નામે મતદાન કરવાના બદલે પોતાને યોગ્ય લાગે તે ઉમેદવારને મત આપે એ વધારે જરૂરી છે.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: