Home» Opinion» Society & Tradition» Interview with tablaplayer fazal qureshi

પિતાના તબલાવાદનનો ચાહક છું: ફઝલ કુરેશી

Manasi Patel | November 26, 2012, 05:03 PM IST

અમદાવાદ :

હેરિટેજ વીક અંતર્ગત અમદાવાદને તબલાંની થાપ પર ડોલાવનાર જાણીતા તબલાંવાદક ઉસ્તાદ ફઝલ કુરેશીએ અડાલજની વાવ પર પરફોર્મ કરીને અમદાવાદને ઘેલું બનાવી મૂક્યું. 'કાફ્રટ ઓફ આર્ટ'ના ઉપક્રમે ફઝલ કુરેશીનું અફલાતૂન તબલાવાદન તથા પદ્મશ્રી અસ્તાદ દેબૂના શાસ્ત્રીય નૃત્યની રજૂઆત-આ બંનેની સંગતે વિશ્વભરમાં પ્રખ્યાત અડાલજની વાવ પણ જાણે ડોલી ઊઠી હતી. પ્રેક્ષકો ઠંડીના ચમકારા વચ્ચે મનભરીને આ પરફોર્મન્સને માણ્યું હતું. ઉસ્તાદ ફઝલ કુરેશીએ શહેરની મુલાકાત લીધી તે દરમિયાન 'જીજીએને' ફઝલ કુરેશી સાથે તેમની કળાયાત્રા, યુવાનોનો મ્યુઝિક પ્રત્યેનો ઝોક, કળા પ્રત્યે લોકોનો બદલાયેલો દ્રષ્ટિકોણ જેવા વિવિધ મુદ્દે ચર્ચા કરી. 'રોકઓન' વાચનારા મ્યુઝિક રસિયાઓને પણ આ તબલાં ઉસ્તાદની વાતોમાં રસ પડશે જ એટલે જ ખાસ મ્યુઝિક લવર્સ માટે પેશ-એ-ખિદમત આ હળવી ગોઠડીનાં સંભારણાં...


પ્ર : માતા- પિતા બાળકોની તબલાવાદનની કરિયરમાં ઊંડો રસ લઇ રહ્યાં છે અને દેખાદેખીમાં પણ બાળકોને મ્યુઝિક ઇસ્ટ્રુમેન્ટ શીખવવાનું ચલણ વધ્યું છે ત્યારે બાળકોને તબલાં શીખવવાની આદર્શ ઉંમર કંઇ?

: બાળકને તબલાં શીખવવાની આદર્શ ઉંમર 8-9 વર્ષની હોવી જોઈએ. કારણ કે ત્યાં સુધી તેની આંગળીઓ તબલાવાદન કરવા માટે થોડી તૈયાર થઈ ગઈ હોય છે. મારી પાસે ઘણા એવા લોકો પોતાના બાળકને લઇને આવે છે. જે બાળક હજુ સરખાં ડગલાં માંડતાં પણ ન શીખ્યું હોય તેને ઉતાવળ કરીને શીખવા ન મૂકી દેવાય. મારી પાસે આવતાં માતા- પિતાને હું સ્પષ્ટ કહું છું કે, બાળક આઠેક વર્ષનું થાય ત્યાર બાદ તેને પ્રેક્ટિકલી અભ્યાસ શરૂ કરાવો.


પ્ર : આપ ઘણાં વર્ષોથી ગુજરાતમાં આવો છો તો આજના માહોલમાં તમને લાગે છે કે ગુજરાતના યુવાનો માટે મ્યુઝિકના ક્ષેત્રમાં સારું કરિયર છે?

: હા, ચોક્કસપણે એવું લાગે છે. હવે ધીરે ધીરે એવું વાતાવરણ થવા લાગ્યું છે કે મ્યુઝિકની કે ઇન્સ્ટ્રુમેન્ટલ પ્લેયરની કરિયરને લોકો ગંભીરતાથી લેતા થયા છે અને ખાસ બાબત તો એ છે કે ગુજરાતના યુવાનોમાં રહેલું આ કૌશલ્ય ધીરે ધીરે બહાર પણ આવવા લાગ્યું છે.  મોડી રાત સુધી મ્યુઝિકના કાર્યક્મને માણતાં ગુજરાતીઓ તથા ગુજરાતી યુવાનો કાર્યક્રમ દરમિયાન એવું પૂછતાં થયા છે કે તબલાવાદનની સાથે સિતાર કોણ વગાડી રહ્યું છે અથવા તો વીણા કે વાંસળી કોણ વગાડશે? પ્રશ્નો પૂછવા સહિતની ઘણી બાબતો એ વાતનો પુરાવો છે કે અહીંના લોકો સંગીત માટે જાગૃત થઈ રહ્યાં છે અને સંગીતમાં રસ ધરાવતાં લોકો  માટે કરિયર માટે ઊજળી તક પણ ખરી જ.


પ્ર : આપે તબલાવાદક તરીકે કરિયર શરૂ કરી ત્યારે લોકોએ આ કારર્કિર્દી સાથે તમને સરળતાથી સ્વીકાર્યા હતા?

જ : ના, મને સરળતાથી સ્વીકૃતિ નહોતી મળી. ગમે ત્યાં જઇએ અથવા તો મુસાફરી દરમિયાન ઔપચારિક વાતચીતમાં મને એવો પ્રશ્ન પુછાય કે 'શું કામ કરો છો?' હું જવાબ વાળું કે 'તબલાં વગાડું છું' ત્યારે થોડીવાર રહીને વળી પાછું કોઈ પ્રશ્ન કરે કે થતો કે ? 'એ તો ઠીક પણ તમે કામ શું કરો છો?' એ વખતે ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાતી હતી. તબલાવાદનને કોઈ કામ તરીકે સ્વીકારતું જ નહોતું. જોકે એ સમય જ એવો હતો કે મારા સહિતના ઘણા કળાકારોએ આવી પરિસ્થિતિનો સામનો કર્યો હશે. હવે તો સિનારિયો બદલાયો હોવાથી આવા સવાલ નથી થતાં અને આ બધાં જ કામ સન્માનની નજરે જોવાય છે.

આ સમયે ઓરેન્જ જયૂસ પીતાં પીતાં ફઝલ કુરેશીએ સ્મિત કરતાં કરતાં હળવા લહેકા સાથે ઉમેર્યું કે ''એ વખતે તો મારી માતા પણ મારા ભવિષ્ય વિશે ચિંતિત હતાં. તેઓ મને ઝાકીરભાઈનું ઉદાહરણ આપીને કહેતાં કે ભલે તું તબલાં વગાડ પરંતુ સાથે સાથે ભણવાનું પણ કર. જેથી મને તારી ચિંતા ન રહે''


પ્ર : દેશ-વિદેશમાં કાર્યક્રમ કર્યા બાદ ત્યાંના અને ગુજરાત કે અમદાવાદના પ્રેક્ષકો વચ્ચે આપને શું અંતર લાગે છે?

જ : સપ્તક સંગીત સમારોહમાં આવવાનું થતું હોવાથી અમદાવાદીઓની  એક ખાસિયત મેં નોંધી છે કે અહીં આર્ટિસ્ટ કોણ છે એ જોવાતું નથી. પ્રેક્ષકોને પરફોર્મન્સ ગમે તો તેઓ શાંતિથી બેસીને કાર્યક્રમ માણે છે. વળી તેમને એ નથી પડી કે કોઈ નવો આર્ટિસ્ટ કાર્યક્રમ રજૂ કરે છે કે કોઈ એસ્ટાબ્લિશ આર્ટિસ્ટ છે. બસ મ્યુઝિક ગમવું જોઈએ. મને અમદાવાદીઓની આ જ બાબત ગમી જાય છે કે તેઓ આર્ટિસ્ટ કોણ છે? એવી પડપૂછ કર્યા વિના મ્યુઝિકને માણે છે.

વળી, મોડી રાત સુધી ચાલતાં કાર્યક્રમોમાં ગુજરાતી ઓડિયન્સ બેસે છે તેઓ હવે મ્યુઝિકના કાર્યક્મના સંદર્ભમાં એવું પણ પૂછતાં થયાં છે કે તબલાં પર કોણ સંગત કરી રહ્યું છે તે પણ સારી બાબત છે.


પ્ર : તમે બાળપણથી તબલાંની થાપ સાંભળીને મોટા થયા છો તો તમને કોનું તબલાવાદન સૌથી વધુ ગમે છે?

જ : મારા પિતાજીનું અને મારા ભાઈનું.


પ્ર : તમારી કળાનિપુણતાનું શ્રેય તમે કોને આપશો?

જ : એ યશ મારા પિતા તથા મારા ભાઈને જાય છે. તેઓ જ્યારે તબલાં વગાડતાં ત્યારે કાર્યક્રમોમાં હું તેમની પાછળ બેસતો હતો. એ પાછળની જગ્યાએથી તબલાવાદનમાં નિપુણ થઇને આગળ આવતાં મને 50 વર્ષ લાગ્યાં! આજે હું મારી કળામાં નિષ્ણાત છું. દેશ- વિદેશના લોકોને ડોલાવું છું તો એનો યશ સ્વાભાવિકપણે મારા આ જ ગુરુઓને જ જાય.


પ્ર : આખો દિવસ મ્યુઝિકને લગતી ચર્ચા અને મ્યુઝિક વચ્ચે ઘેરાયેલા રહો છો તો અંગત રીતે તમને કેવું મ્યુઝિક સાંભળવું પસંદ છે?

જ : બસ કર્ણપ્રિય લાગે અને મનને શાતા આપે તેવું દરેક મ્યુઝિક હું સાંભળું છું


પ્ર : તેમ છતાં કોઈ ખાસ ગાયક કે સંગીતકાર પસંદ હશે જ ને?

જ : હા, હું જરા જૂનું પસંદ કરવાવાળો માણસ છું એટલે મને મદનમોદનજી અને એસ.ડી. બર્મનનાં ગીતો વધારે ગમે છે.


પ્ર : વર્ષોથી ગુજરાતમાં આવો છો તો ગુજરાતની કંઇ વાનગી તમને વધારે ભાવે છે?

જ : હું બધી જ ગુજરાતી વાનગીઓનો રસિયો છું. મારી સાથે આવતાં ફોરેન મ્યુઝિશિયનોને હું ગુજરાતી થાળીનો સ્વાદ અચૂક ચખાડું છું. મારા ગ્રૂપને શહેરની જાણીતી ગામઠી ગુજરાતી રેસ્ટોરાંમાં લઇ જઈને ગુજરાતી  વાનગીઓ ખાઉં છું અને ખવડાવું છું.


પ્ર : વાંચન કરવાનું હોય કે ફિલ્મ્સ જોવાની હોય ત્યારે કેવા વિષય પર પસંદગી ઊતરે?

જ : આમ તો હળવા વિષયો જ ગમે. તેમ છતાં ક્રાઇમ, એક્શન પેક મૂવિ કે બુક, કોમેડી વધારે ગમે. કારણ કે આપણી તો જિંદગી જ એટલી ગંભીર અને જવાબદારીવાળી છે કે હું વાંચન કે મૂવિ માટે કોઈ ગંભીર વિષયની પંસદગી કરતો નથી.


MP / YS

Manasi Patel

Manasi Patel

( માનસી પટેલ જીજીએન ટીમના સભ્ય અને સબ એડિટર છે. તેઓ નવા હિન્દી ફિલ્મી મ્યુઝીક વિષે લખે છે. )

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %