ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્સ્યોરન્સ વર્કર્સનું ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશનમાં સોમવારે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જીજીએન સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે આગામી લોકસભા ચૂંટણી અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી.
પ્રશ્ન : કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભગવા આતંકવાદને કેન્દ્રમાં રાખી આરએસએસ અને બીજેપી પર પ્રહારો કરનારા કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આપેલા નિવેદનો બાબતે આપ શું કહો છો ?
ઉત્તર : આ સુશીલ કુમાર શિંદેનું પણ કોંગ્રેસ પાર્ટીનું નિવેદન છે. તેમણે હિન્દુ ધર્મને આતંકવાદ સાથે જોડવાનું પાપ કર્યુ છે. અને તેથી તે માફી નથી માંગી રહી. તેથી તેમની સામે બહિષ્કાર આંદોલન થશે. આરએસએસ રાષ્ટ્રભક્તિની સૌથી મોટી પાઠશાળા છે તેની ઉપર આ પ્રકારનો આરોપ લગાવો ખોટો છે. લશ્કર-એ-તૈયબાનાં પાકિસ્તાનમાં અને કાશ્મીરમાં આતંકી શિબિરો ચાલી રહ્યાં છે અને જો કોંગ્રેસમાં હિંમત હોય ત્યાં જઈને આ આંતકી શિબિરો બંધ કરાવે. પરંતુ તેની જગ્યાએ આ પ્રકારના નિવેદનો આપીને માત્ર વોટબેંકની રાજનીતિ કરવી યોગ્ય નથી. આ બધાં કારણોસર જનઆક્રોશ દેખાઈ રહ્યો છે. અને આ મુદ્દાને સંસદની બહાર તેમજ આવનારા સત્રમાં ઉઠાવામાં આવશે.
પ્રશ્ન : સંત સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવામાં આવશે તો એનડીએ તેનું સમર્થન કરશે ?
ઉત્તર : આ બાબતે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જેથી આ પ્રશ્ને હું વધારે બોલીશ નહીં. પરંતુ આ બાબતે બે વાત ઘણી મહત્વની છે. એક ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી ઘણાં લોકપ્રિય નેતા છે. અને તેનો નિર્ણય પાર્લામેન્ટરી બેઠકમાં થશે. અને બીજી વાત કે જનતા મોદીને વડાપ્રધાન પદે કેમ જોવા માંગે છે ? કેમ કે રાજ્યનાં ઝડપી વિકાસની સાથે સુવ્યવસ્થિત આયોજન, ભષ્ટ્રચારરહિત ગુજરાત રાજ્યના નરેન્દ્ર મોદી પ્રતિક બની ગયા છે અને તેથી લોકો તરફથી આ માંગ થઈ રહી છે. ભાજપ અધ્યક્ષના જણાવ્યા અનુસાર પાર્ટી સમય આવશે ત્યારે નિર્ણય કરશે અને પાર્લામેન્ટરી બોર્ડ આ બાબતે ઘોષણા કરશે.
પ્રશ્ન : સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે કાર્યકર્તાઓને કહ્યુ છે કે લોકસભાની ચૂંટણી વહેલી થશે અને તૈયારી શરૂ કરી દો તે બાબતે આપ શું વિચારો છો ?
ઉત્તર : સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પોતાની પાર્ટી શિબરિમાં કાર્યકર્તાઓને શું બોલ્યા તે બાબતે ટિપ્પણી કરવાની જરૂર નથી. પરંતુ એક સત્ય છે કે સરકાર ડરી ગઈ છે. જનતા સરકારને એક ક્ષણ માટે સહન કરવા માંગતી નથી. તેથી સરકારથી છૂટકારો મેળવવાની તક જો જનતાને મળશે તો જનતા તે તકનો ફાયદો ચોક્કસ લેવા તૈયાર જણાઈ રહી છે. ચૂંટણી ક્યારે થશે તે નક્કી નથી કારણ કે કોંગ્રેસની પોતાની પાસે બહુમત નથી, પરંતુ તેમનું સૌથી ભરોસાપાત્ર કોઇ હોય તો તે સીબીઆઈ છે અને સીબીઆઈના સહારે તે બહુમતને પ્રાપ્ત કરે છે. જે અમે ચાર વર્ષ સતત જોયું છે.
પ્રશ્ન : કોંગ્રેસ નેતા શકીલ અહમદે લાલકૃષ્ણ અડવાણી પર વિવાદિત નિવેદન આપતા કહ્યુ કે અડવાણી સત્તા માટે પાકિસ્તાન છોડી ભારત આવ્યા તે બાબતે આપનું શું કહેવું છે ?
ઉત્તર : કોંગ્રેસ નેતા શકીલ અહમદે સમજવું જોઈએ કે તે શું બોલી રહ્યાં છે. તેમને પરમેશ્વર સદબુદ્ધિ આપે, કારણકે તેઓ સમજી રહ્યાં નથી કે તે શું બોલી રહ્યાં છે. પાકિસ્તાનનું નિર્માણ ભારત વિભાજનમાંથી થયું છે. આ એક ભારત હતું જ્યાંથી અડવાણી પણ આવ્યા છે અને મનમોહન પણ આવ્યાં છે. આ એક ભારતનો હિસ્સો હતો. શકીલજીની એવી ફરિયાદ હોવી જોઈએ કે કોંગ્રેસે એવું વિભાજન કર્યું કે લોકોને પોતાના ઘર બદલીને એક શહેરથી બીજા શહેર જવું પડ્યું હતું. આ પ્રકારના નિવેદન આપતા પહેલા વિચારવું જોઈએ કે પાકિસ્તાનનાં નિર્માણ માટે કોંગ્રેસ જવાબદાર છે. અને નેતા શકીલ અહમદે તપાસ કરવી જોઈએ કે ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ પહેલા ક્યાં રહેતા હતાં.
પ્રશ્ન : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી કોંગ્રેસ ડરી ગઈ છે ?
ઉત્તર : ચોક્કસ, જે પ્રકારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો જલ્દીથી વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને વિકાસના દરેક મૉડલ ગુજરાત પાસેથી લેવા પડી રહ્યાં છે. જેથી સૂરજને આપ છુપાવી ન શકો. અને ગુજરાત જેવો વિકાસ દરેક રાજ્યના નાગરિકો ઈચ્છી રહ્યાં છે.
RP/DP
Reader's Feedback: