ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ આક્રમક તૈયારીઓ કરી રહ્યાં છે. બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં વ્યસ્ત છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારજનોને સહાય આપવા આવેલાં કોંગ્રેસનાં ચૂંટણીપ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ વિધાનસભા ચૂંટણી અંગે જીજીએન સાથે વાતચીત કરી હતી.
શંકરસિંહ વાઘેલા સાથેની વાતચીતના મુખ્ય અંશ
પ્રશ્ન: પ્રથમ ગૃહિણી, બાદમાં ગ્રામીણ લોકો હવે કોંગ્રેસ ખેડૂતોની વહારે ?
જવાબ : છેલ્લા 3 મહિનામાં સૌરાષ્ટ્રમાં 12 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, અને મોદી સરકાર મેળા યોજવામાં વ્યસ્ત છે. પ્રદેશ પ્રમુખ આર સી ફળદુ આત્મહત્યા કરનાર ખેડૂતોને એવું કહે છે કે એના નસીબ. આવા શબ્દ ચલાવી ન લેવાય. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ દુષ્કાળ અને પાક નિષ્ફળ જવાને કારણે જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને એક લાખ રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું છે અને તે અમે આજે રાજકોટના રિયા ગામ સહિતનાં અન્ય ગામોમાં જઈને આપી છે.
પ્રશ્ન : દુષ્કાળમાં સરકારની કામગીરી વિષે તમે શું માનો છે ?
જવાબ : મને એવું લાગે છે કે આ સરકાર તેમાં નિષ્ફળ ગઈ છે. આજે સૌથી મોટો પ્રશ્ન ઘાસચારાનો છે પણ તેમાં કોઈને મદદ મળી છે કે નહિ તે તો કોઈ ખેડૂતને પૂછો. અને તેનો જવાબ હા હોય તો મને કેહેજો. બલ્કે હું તો કહીશ કે આ સરકારે મેળા કરવા છે અને તેમાં જ રચ્યા-પચ્યા રેહેવું છે, પણ ખેડૂતો માટે કશું વિચારતી નથી.
પ્રશ્ન : પહેલાં ઘરનું ઘર અને હવે ગ્રામીણ લોકોને મકાન, કોંગ્રેસને ઘણો ફાયદો પણ થઈ રહ્યો છે ?
જવાબ : ઘરનું ઘર એ કોઈ રાજકીય યોજના નથી. જો એમ હોત તો આ યોજનામાં અમને 25 લાખ લોકોનાં ફોર્મ મળ્યાં ન હોત. અમે જે યોજના લાવ્યા છીએ તે લોકો માટેની છે અને સામાન્ય લોકોને સ્પર્શે તેવી છે. આ સરકારે તો સામાન્ય લોકોને ક્યાં યાદ જ કર્યા છે, અને એટલે જ યોજનાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, પણ આ યોજનાને રાજકીય ન ગણાવી જોઈએ.
પ્રશ્ન : કેટલાક ભાજપના લોકો પણ ફોર્મ લેવા આવ્યાના અહેવાલ છે ?
જવાબ : હા, એ વાત સાચી છે. ભાજપના કેટલાક કાર્યકર્તા પણ બીપીએલ કાર્ડધારકોને લઈને આવ્યા હતા અને અમે ભાજપના કાર્યકર્તા હશે તો પણ તેઓને મકાન આપીશું.
પ્રશ્ન : કેશુભાઈ પટેલ અને નવી પાર્ટી ?
જવાબ : મને એ વાતનું ભારે દુઃખ છે કે કેશુભાઈને આ ઉંમરે ભાજપ છોડવું પડ્યું. કેશુભાઈ પટેલે ભાજપ માટે ઘણું કામ કર્યું હતું, પણ પાર્ટીએ તેમને સભાળ્યા નહિ. અને આ ઉંમરે તેમણે જવું પડે અને નવી પાર્ટી બનાવવી પડે તે દુખદ છે.
પ્રશ્ન : તમે પણ કેશુભાઈ સાથે જોડાશો તેવી વાતો વહેતી થઇ હતી ?
જવાબ : હું જોડાવાનો નથી . કેશુભાઈ સાથે મારે પારિવારિક સંબંધો છે. પણ તેનો અર્થ એ નથી કે હું કેશુભાઇની પાર્ટીમાં જોડાઇ જાઉં.
પ્રશ્ન : ચૂંટણીમાં શું લાગે છે ?
જવાબ : કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. અમે 110 થી 112 સીટની અપેક્ષા રાખી રહ્યાં છીએ. અને અમારા 12 મુદ્દાના કાર્યક્રમમાં અમે જે વાત અને મુદ્દા લાવ્યા છીએ, તેના આધારે માનીએ છીએ કે આ વખતે લોકો જ નરેન્દ્ર મોદી સરકારને જાકારો આપશે.
SP/DP
Reader's Feedback: