લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ને પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે ત્યારે ગયા અઠવાડિયે ગુજરાતમાં બે મહત્વની ઘટના બની. પહેલી ઘટના આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ચાર દિવસ માટે ગુજરાતમાં પધરામણી ને બીજી ઘટના કોંગ્રેસ દ્વારા પહેલો ઘા રાણાનો કરીને લોકસભાની ચૂંટણી માટેના નવ ઉમેદવારોની જાહેરાત. કોંગ્રેસે ભાવનગર બેઠક માટે તેના કાર્યકરો અને નેતાઓની સેન્સ લેવાનું નક્કી કરેલું. રાહુલ ગાંધીએ આ નવુ તૂત ઉભું કર્યું છે ને એ પ્રમાણે પ્રવિણ રાઠોડ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં વિજેતા બન્યા છે તે જોતાં કોંગ્રેસે ગુજરાતમાંથી લોકસભાની 26 માંથી 9 બેઠકો માટેના ઉમેદવારો જાહેર કરી દીધા છે.
પહેલાં વાત કેજરીવાલની ગુજરાતમાં પધરામણીની કરી લઈએ.
કેજરીવાલે જનલોકપાલ ખરડાના બહાને દિલ્હીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું એ વખતે જ સ્પષ્ટ થઈ ગયેલું કે તેમણે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે આ ત્રાગડો કર્યો છે. કેજરીવાલ અત્યારે જે રીતે મચી પડ્યા છે તેના પરથી આ વાત સાચી પડી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે જ કેજરીવાલે ચાર દિવસ માટે ગુજરાતમાં ધામા નાંખ્યા ને ખાસી હોહા કરી નાંખી. બીજા બધા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવે છે ત્યારે પ્રવચનોની ઝીંકાઝીંક કરે છે ને બહુ બહુ તો દેખાવ ખાતર લોકો પાસેથી પસાર થઈને હસતો ચહેરો રાખીને હાથ હલાવતા નિકળી જાય છે. કેજરીવાલ અલગ માટીના સાબિત થયા. એ લોકો વચ્ચે ગયા ને લોકો સાથે તેમણે સીધો સંવાદ કર્યો. આ સંવાદ પાછો મેચ ફિક્સિંગ જેવો નહોતો ને લોકોને જે પૂછવું હોય તે પૂછવાની છૂટ હતી એ વધારે મહત્વની વાત છે.
જો કે કેજરીવાલે સૌથી વધારે ચર્ચા નરેન્દ્ર મોદીને સત્તર સવાલોના મામલે ભિડાવીને જગાવી. કેજરીવાલે જે સવાલો મોદીને પૂછવા ધારેલા એ સવાલોમાં આમ કશું નવું નથી ને ચવાઈને કૂચ્ચો થઈ ગયેલી જ વાતો છે પણ મોદી કેજરીવાલનો સામનો કરવાના બદલે ભાગ્યા તેના કારણે આ સવાલોની વાતને વધારે મહત્વ મળી ગયું. કેજરીવાલને અને મીડિયાને પણ કહેવા માટે એક બહાનું મળી ગયું કે મોદી કેજરીવાલનો સામનો કરતાં ગભરાય છે. કેજરીવાલની બાપુનગરમાં થયેલી સભામાં પણ લોક દિલથી ઉમટ્યું એ જોઈને નવાસવા ભાજપમાં જોડાયેલા ગોરધન ઝડફિયાનું બ્લડ પ્રેશર વધી ગયું હશે. બાપુનગર ઝડફિયાનો ગઢ મનાય છે ને મોદીની પહેલી કસોટીમાં જ પપ્પુ ફેલ હો ગયા.
જો કે આ બધા પછીય કેજરીવાલની યાત્રાની ગુજરાતમાં રાજકીય રીતે ઝાઝી અસર પડે તેવી શક્યતા નથી કેમ કે ગુજરાતમાં કેજરીવાલની પાર્ટીમાં એવા જોરાવર માણસો નથી ને જે કોઈ છે એ બધા છાપેલાં કાટલાં જેવા જ છે. બીજું એ કે કેજરીવાલની પાર્ટી વન મેન શો જેવી છે. તેમાં કેજરીવાલ હીરો પણ છે ને ડિરેક્ટર પણ છે ને કોરીયોગ્રાફર પણ છે. તેમના કારણે લોકોને રસ પડે છે પણ પછી મત આપવાના આવે ત્યારે અહીં જે નમૂના ઉભા હોય તેમનાં મોં સામે જોઈને જ મત આપવાના થાય તે જોતાં આ હોહા બરાબર છે પણ કેજરીવાલની પાર્ટી બીજી કોઈ અસર ઉભી કરે તેવી શક્યતા નથી. રમૂજી વાત એ છે કે લોકો આ વાત સમજે છે પણ ભાજપ નથી સમજતો ને એ ઘાંઘો થઈ ગયો છે. ભાજપના નેતાઓ એમ જ માને છે કે કેજરીવાલ ભાજપને ડૂબાડી દેશે તેમાં એ લોકોએ જે રઘવાટ બતાવ્યો તેના કારણે એ લોકો હાસ્યાસ્પદ તો ઠર્યા જ પણ કેજરીવાલને વણજોઈતું વધારે પડતું મહત્વ પણ મળી ગયું. કેજરીવાલનો પ્રભાવ દિલ્હીમાં ને આસપાસનાં રાજ્યોમાં છે તેટલો ગુજરાતમાં નથી એ સાદી વાત ભાજપના નેતાઓને નથી સમજાતી એ કરૂણતા કહેવાય.
હવે કોંગ્રેસના પહેલા ઘાની વાત.
કોંગ્રેસમાં ટિકિટોની વહેંચણી એટલે ભારે ભવાડો એવી માન્યતા છે ને આપણે વરસોથી એ ખેલ જોઈએ જ છીએ. છેક છેલ્લી ઘડી લગી કોણ ચૂંટણીમાં ઉભું રહેશે એ ખબર ના હોય ને ઉમેદવારો નક્કી થાય એ પછીય ધાગડિયા ને એકબીજાનાં ધોતિયાં ખેંચવાનું ચાલુ જ હોય. આ વખતે કોંગ્રેસે એ સ્થિતી બદલી ને પહેલા જ ધડાકે નવ ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં. આ નવ ઉમેદવારોમાં સાત તો ચાલુ સંસદસભ્ય છે તેથી કોંગ્રેસે ઝાઝી મેનત કરવાની નહોતી પણ અત્યાર લગી એવું જ થતું કે ચાલુ સંસદસભ્યોને પણ છેલ્લી ઘડી સુધી લટકતા રખાતા ને ઉંચા જીવે રખાતા. આ વખતે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી(આણંદ), ડો. તુષાર ચૌધરી (વ્યારા-બારડોલી), સોમાભાઈ ગાંડાભાઈ પટેલ (સુરેન્દ્રનગર), કુંવરજી બાવળિયા (રાજકોટ), વિક્રમ માડમ (જામનગર), ડો. પ્રભાબેન તાવિયાડ (દાહોદ) અને કિશન પટેલ(વલસાડ)ને ચૂંટણીના પચાસ દિવસ પહેલાં જ કહી દીધું કે જાઓ મચી પડો ને ફતેહ કરો. કોંગ્રેસે વર્તમાન સાંસદો ના હોય તેવા જે બે ઉમેદવારોને ટિકિટ આપી છે તેમાં શંકરસિંહ વાઘેલા સાબરકાંઠામાંથી ને નારણ રાઠવા છોટા ઉદેપુરથી લડશે. આ બંનેએ 2009 ભૂંડી રીતે હારીને કોંગ્રેસનું નાક વઢાવેલું પણ એ પછીય કોંગ્રેસે તેમના પર રહેમ બતાવીને તેમને ફરી ટિકિટ આપી છે. શંકરસિંહનો મતવિસ્તાર બદલ્યો છે પણ તેમને તેમના પસંદગીના વિસ્તારમાંથી ટિકિટ અપાઈ છે એ મહત્વનું છે. ભાવનગરમાં આંતરિક ચૂંટણીમાં જીતેલા પ્રવિણ રાઠોડ ઉમેદવાર બનશે એ નક્કી છે.
કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો છાપેલાં કાટલાં જેવા જ છે પણ આ ઉમેદવારોમાં જીતવાની તાકાત છે એ કબૂલવું પડે. સાત ઉમેદવારો તો છેલ્લી ચૂંટણીમાં જીતેલા છે ને તેમાંથી પાંચ ઉમેદવારો તો એવા છે કે જે સળંગ બે વાર જીત્યા છે. વાઘેલા ને રાઠવા પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે તે જોતાં કોંગ્રેસની યાદી પ્રભાવશાળી છે. કોંગ્રેસની પરંપરા પ્રમાણે આ જાહેરાત સામે ક્યાંય ભવાડા નથી થયા એ પણ મહત્વનું છે તે જોતાં આ વખતે ખરાખરીનો જંગ જામશે એ નક્કી છે.
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: