સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ ધીમે ધીમે સર્જાઇ રહ્યો છે. ખાસ કરીને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જે પ્રકારે આવકાર મળી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી સૌરભ પટેલનું સ્પષ્ટપણે માનવું છે કે આગામી ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર રચાશે અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. જીજીએન સાથેની એક ખાસ વાતચીતમાં કેબિનેટમંત્રીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેમની સાથેની મુલાકાતના અંશો આ પ્રમાણે છેઃ
સવાલ - લોકસભાની આગામી ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં કોની સરકાર રચાશે ?
સૌરભ પટેલ - એ બાબતમાં કોઇ શંકા નથી કે કેન્દ્રમાં કોની સરકાર રચાશે. સમગ્ર દેશમાં જે પ્રકારે અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને જે આવકાર અને માન-સન્માન તથા પ્રતિભાવ મળી રહ્યાં છે તે સૂચવે છે કે દેશની જનતા પરિવર્તન ઇચ્છે છે અને નરેન્દ્રભાઈ આ પરિવર્તનના રથ પર સવાર થઇને દિલ્હી પહોંચશે અને વડાપ્રધાન થશે તે દેશની જનતાએ નક્કી કરી નાખ્યું છે.
સવાલ - દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શું મોદી માટે વિધ્ન બની રહેશે કે કેમ ?
સૌરભ પટેલ - લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની સામે લડી હતી પરંતુ જે પક્ષને તેમણે ભ્રષ્ટાચારી કહ્યું તે જ પક્ષના ટેકાથી કેજરીવાલે સત્તા મેળવી છે ત્યારે તે સૂચવે છે કે આ કેજરીવાલ અને કોંગ્રેસનું મેચ ફિક્સીંગ છે. મોદીની કેજરીવાલ સાથે સરખામણી થઇ જ ન શકે. મોદીને લોકોએ ચકાસ્યા છે અને ગુજરાતમાં ત્રણ ત્રણ વખત લોકોએ તેમની સરકાર પસંદ કરી છે. કેજરીવાલને મુખ્યમંત્રી થયાને હજુ એક મહિનો પણ થયો નથી. ચૂંટણીમાં લલચામણી વાતો કરવી અને પૂરા ન થઇ શકે તેવા વચનો આપવા તે એક અલગ બાબત છે અને સરકાર ચલાવવી તે અલગ બાબત છે. કેજરીવાલ કોઇપણ રીતે મોદીના રસ્તા આવી શકે તેમ નથી.
સવાલ - કેજરીવાલે વડાપ્રધાનપદની ચૂંટણી લડવાની ના પાડી છે તેને કઇ રીતે મૂલવી શકાય ?
સૌરભ પટેલ - તેમની આ જાહેરાત જ ઘણું બધું કહે છે કે કેજરીવાલને એમ સમજાયું હશે કે એક નાનકડાં રાજ્યમાં ચૂંટણી લડવી સહેલી છે પરંતુ ભારત જેવા વિશાળ દેશમાં ચૂંટણીઓ લડવી એ કેજરીવાલના પક્ષ માટે મુશ્કેલ છે. કેજરીવાલે વડાપ્રધાનપદમાંથી પોતાને બાકાત રાખ્યા એજ કેજરીવાલની હતાશા દર્શાવે છે. કેમ કે કેજરીવાલને પણ એમ હવે સમજાઇ ગયું હશે કે તેઓ નરેન્દ્ર મોદીની તોલે આવી શકે તેમ નથી. આમ આદમી પાર્ટીમાં જો રાજકીય હિમ્મત હોય તો કેજરીવાલને રાહુલ ગાંધીની સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતારવા જોઇએ.
સવાલ - નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો તેનાથી ગુજરાત અને દેશને શું ફાયદો થશે ?
સૌરભ પટેલ - જ્યાં સુધી ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર દ્વારા ગુજરાતની સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે તેનો અંત આવશે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત અને કોઇપણ રાજ્ય સાથે કોંગ્રેસ જેવું ભેદભાવ કે અન્યાય નહીં દાખવે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થાય તો ગુજરાતને કેન્દ્ર દ્વારા અંદાજે 2000 કરોડ રૂપિયા વધારે મળી શકે જે અત્યારે અન્યાયને કારણે મળી શકતા નથી. યુપીએ સરકાર દ્વારા સીએસટી વગેરેમાં ગુજરાતને અન્યાય કરવામાં આવે છે. ગુજરાતે ન્યાય મેળવવા કાયદાની અદાલતમાં જવું પડે છે. એ જ દર્શાવે છે કે ગુજરાત સાથે કેવું વર્તન દાખવવામાં આવે છે.
સવાલ - કેન્દ્ર દ્વારા સસ્તો ગેસ મળ્યા બાદ ગુજરાતમાં ગેસનાં ભાવમાં ધરખમ ઘટાડો થશે પરંતુ એવું થયું નથી ખાસ કરીને રિક્શાભાડાંમાં ઘટાડો થયો નથી ?
સૌરભ પટેલ - કેન્દ્રની ગેસ ઓથોરીટી એટલે કે ગેઇલ દ્વારા ગુજરાતને જે ગેસનો જથ્થો આપવામાં આવે છે. તે અપૂરતો છે. ગુજરાતે 80 ટકા ગેસનો જથ્થો માંગ્યો હતો પરંતુ 70 ટકા ગેસનો જથ્થો મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતને ગેસ આપવાનું થયું એ વખતે જ ગેઇલ કંપનીએ ગેસનાં ભાવમાં વધારો કર્યો તેથી પણ ગુજરાતને જોઇએ તેટલા પ્રમાણમાં ગેસનો જથ્થો મળ્યો નથી અને એટલો સસ્તો પણ પડ્યો નથી. આ ગુજરાત સાથેના અન્યાયનો જીવંત દાખલો છે. રિક્શાભાડાંને સંબંધ છે ત્યાં સુધી જ્યારે ગેસનાં ભાવમાં એટલો ઘટાડો થયો નથી ત્યારે રિક્શા ભાડાંમાં પણ એટલા જ પ્રમાણમાં ઘટાડો થાય તે વધારે પડતું છે. નાણાંમંત્રી અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા રિક્શાભાડાંમાં રનિંગ પ્રતિકિલોમીટરે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો જ છે. આ અંગે તેઓ નાણાંમંત્રી સાથે વાતચીત કરીને ધ્યાન દોરશે.
સવાલ - દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે વીજળીનાં ભાવમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે, શું ગુજરાત સરકાર પણ પ્રજાને આ પ્રકારની રાહત માગે છે. ?
સૌરભ પટેલ - દિલ્હી એક નાનકડું રાજ્ય છે. તેની વિધાનસભાની બેઠકો માત્ર 70 છે જ્યારે ગુજરાત એક મોટો પ્રદેશ છે. દિલ્હી કરતાં તે અઢીગણો વધારે વિસ્તાર ધરાવે છે. એટલું જ નહીં દિલ્હીના વીજગ્રાહકોની સરખામણીએ ગુજરાતમાં વીજગ્રાહકોની સંખ્યા અનેકગણી છે. નાનકડાં રાજ્યને આ પ્રકારની રાહતો પોષાઇ શકે, ગુજરાત જેવા મોટા રાજ્યે આ પ્રકારની રાહત આપતા પહેલા તેના વિકલ્પો વિચારવા પડે જેમ કે કોઇને આર્થિક રાહત આપવામાં આવે તો તેનો બોજો બીજા કરદાતાઓ ઉપર આવવાનો જ છે. કેજરીવાલ સરકાર કઇ લાંબા સમય સુધી ટકે તેમ જણાતું નથી. આ પ્રકારની જાહેરાત કરીને દિલ્હીમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે પરંતુ પ્રજાકીય કામો માટે પ્રજાની તિજોરીમાં જો પૂરતા પ્રમાણમાં નાણાં નહીં હોય અને વીજળીમાં આવક નહીં થાય તો દિલ્હીની એ જ પ્રજા કેજરીવાલનો વિરોધ કરશે તેમાં પણ કોઇ બેમત નથી. ગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂતોનો વર્ષેદહાડે રૂપિયા 2500 કરોડની રાહત આપે છે. ગયા વર્ષે રૂ.2200 કરોડની રાહત આપવામાં આવી હતી. આ વખતે એક લાખ નવા કૃષિવિજજોડાણો આપવાનો નિર્ણય લેવાયો છે ત્યારે રાહતની રકમમાં વધારો થવાની શક્યતા છે. અમારી સરકાર ખેડૂતલક્ષી છે અનમે ખેડૂતોને રાહત મળી રહી છે. દિલ્હીમાં કોઇ ખેડૂત નથી જ્યારે ગુજરાતમાં લાખોની સંખ્યામાં ખેડૂતો છે ત્યારે તેમને રાહત આપવી અનિવાર્ય છે. વીજરાહત અંગે તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હીને જે વીજ પુરવઠો મળતો હોય તે વીજમથકોને નજીકથી કોલસો વગેરે મળતો હશે જ્યારે ગુજરાતને અનેક કિલોમીટર દૂરથી કોલસો લાવવો પડે છે. નૂરભાડાંમાં છાશવારે વધારો થાય છે. કોલ કંપનીઓ ઘણીવાર ગુણવત્તા પ્રમાણે જથ્થો આપતી નથી અને પરિઁણામે વીજ ઉત્પાદન ઉપર અસર થાય છે. પડતર કિંમતમાં વધારો થાય છે, પરિણામે જેમ કેજરીવાલે સરકારે રાહતો આપી એના કરતાં વધારે રાહત ગુજરાતમાં ખેડૂતોને મળી રહી છે.
સવાલ – ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર કેવુ રહેશે ?
સૌરભ પટેલ - લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંભવતઃ પૂર્ણ બજેટને બદલે લેખાનુદાન માટે ટૂંકું સત્ર મળી શકે છે. જેમાં આગામી નાણાંકીય વર્ષના શરૂઆતના ત્રણ ચાર મહિનાના ખર્ચ માટેનું લેખાનુદાન એટલે કે વોટ ઓન એકાઉન્ટ રજૂ આવશે.
KK/DP
Reader's Feedback: