પ્રેમ શબ્દની તાકાત અસાધારણ છે. પણ ધારો કે એવું થાય કે કોઇક માણસને પ્રેમ શબ્દથી પણ ધિક્કાર થઇ જાય, તો શું થાય? રાજુ ગાંધી પ્રોડક્શનનું નવું અને અવનવું નાટક મેરેજ ફિક્સિંગ આ પ્રશ્નનો ખડખડાટ હસાવતો જવાબ છે. નિર્માતા ચેતન ગાંધી, ચિત્રક શાહ અને કિરણ માલવણકર અને લેખક-દિગ્દર્શક સુરેશ રાજડાનું આ સર્જન અત્યારે ગુજરાતભરમાં ધૂમ મચાવી રહ્યું છે. બહુ જલ્દી મુંબઇ સહિત વિશ્વભરના રંગમંચના રસિયાઓને પણ એ ઓળઘોળ કરશે. એવું તે શું છે મેરેજ ફિક્સિંગમાં કે એ અત્યારે ચાલતાં નાટકો કરતાં જોજનો આગળ છે?
મેરેજ ફિક્સિંગની વાર્તા ચકરાવા લે છે સૌભાગ્યચંદ્ર નાણાવટી (દીપક ધીવાલા) અને કોકિલા (શેતલ રાજડા)ના પરિવાર તથા નિર્મિત વૈષ્ણવ (જયદીપ શાહ) અને ધારિણી (સંજીવની)ના પરિવારોની આસપાસ. સૌભાગ્યચંદ્ર પ્રેમ તો ઠીક, પ્રેમ શબ્દના પણ કટ્ટર વિરોધી છે. પરિવારમાં એમના આદેશ અને ધાકને લીધે કોઇનેય પ્રેમ શબ્દ ઉચ્ચારવાની પણ સખત મનાઇ છે. સામે પક્ષે નિર્મિતના જીવનની વાત જ ન્યારી છે. એને મન તો પ્રેમ જ સર્વસ્વ છે અને પ્રેમ જ ઇશ્વર છે. વિધિની વક્રતા કે ભગવાનને સૂઝેલી ટીખળ જે ગણો તે, પણ થાય છે એવું કે સૌભાગ્યચંદ્રનો દીકરો નીરજ (પાર્થ દેસાઇ) અને નિર્મિતની દીકરી ધારિણી (નિરજા) એકબીજાના પ્રેમમાં સાંગોપાંગ પડે છે. થઇ ગઇ મોટી ગડબડ, રાઇટ?
બિલકુલ થઇ ગઇ પણ એમાંથી જ તો હાસ્યનું હુલ્લડ સર્જાય છે. જેવી ખબર પડે છે કે બે યુવાન હૃદય એકમેકના પ્રેમમાં પડ્યાં છે એવા સૌભાગ્યચંદ્ર અને નિર્મિતના આગવા ઉધામા શરૂ થઇ જાય છે. સૌભાગ્યચંદ્ર યેનકેન રીતે પોતાના દીકરાને પ્રેમના ચક્કરમાંથી બહાર કાઢવા પ્રયત્નશીલ છે. નિર્મિતનો નિર્ધાર છે કે ગમે તે થાય પણ મારી દીકરીનાં લગ્ન નીરજ સાથે થઇને રહે. બેઉની ટાંટિયાખેચ, યુક્તિ-પ્રયુક્તિઓ પછી એવી જામે છે કે રંગમંચ પણ દરેક ક્ષણ હાસ્ય, મનોરંજનનો ઉત્સવ બની જાય છે!
નિઃશકપણે જ, મેરેજ ફિક્સિંગ એવું અફલાતૂન નાટક છે જે ગુજરાતી નાટ્યરસિકોને ખૂબ લાંબા અરસા પછી જોવા મળે. ટેક્નિકલી પણ નાટક એટલું ઉત્તમ છે કે જેના લીધે જોનારને દરેક દૃશ્ય વાસ્તવિક લાગે. સુભાષ આશરની મંચસજ્જાંમાં આકર્ષક ઘરનું લોકેશન આંખોને ઠારનાર બન્યું છે. રૂમી બારિયા નું સંગીત નાટકની જાન છે. સંગીત થકી દૃશ્યોની મનોરંજનશક્તિ નવી ઊંચાઇઓ આંબે છે. રોહિત ચિપલુનકરની પ્રકાશરચના પણ પળેપળને રોશનીથી પરફેક્ટ બનાવે છે.
લેખન-દિગ્દર્શનની વાત કરીએ તો દર્શકોના અતિપ્રિય સુરેશ રાજડાએ બેઉ મોરચે બાજી મારી છે. રંગભૂમિનો તલસ્પર્શી અનુભવ, અસામાન્ય ભાષાવૈભવ અને નવેનવ રસની અભિવ્યક્તિની અનોખી સૂઝબૂઝથી સુરેશભાઇએ મેરેજ ફિક્સિંગને ફર્સ્ટ રેટનું સર્જન બનાવ્યું છે. બિલકુલ તેવા જ કક્ષાના નિર્માણથી ચેતન ગાંધી, ચિત્રક શાહ અને કિરણ માલવણકરે મેરેજ ફિક્સિંગને સર્વગુણ સંપન્ન બનાવવામાં કોઇ કસર છોડી નથી.
અને હા, અભિનય! અદા, ફૂટવર્ક અને સ્ટેજ પ્રેઝન્સના શહેનશાહ દીપક ધીવાલાને આ નાટકમાં સૌભાગ્યચંદ્રનું પાત્ર ભજવતા જોવા એ આયખાનો લહાવો છે. તેમનાં પત્નીના પાત્રમાં શેતલ રાજડા અત્યંત સહજપણે પાત્રને નિખારે છે.
દીપક ઘીવાલા – સૌભાગ્યચંદ્ર નાણાવટી
શેતલ રાજડા - કોકિલા નાણાવટી
પાર્થ દેસાઇ - નિરજ નાણાવટી
જયદીપ શાહ - નિર્મિત વૈષ્ણવ
સંજીવની - ધરની વૈષ્ણવ
સેજલ ગાલા - નીરજ વૈષ્ણવ
નટવર ભાવસાર - નટુભાઇ
બેનર: રાજુ ગાંધી પ્રોડકશન
પ્રોડ્યુસર: ચેતન ગાંધી, ચિત્રક શાહ, કિરણ માલવણકર
રાઇટર, ડાયરેક્ટર: સુરેશ રાજડા
સેટ: સુભાષ આશર
લાઇટ: રોહિત ચિપલુણકર
મ્યુઝિકઃ રુમિ બારિયા
DP
Reader's Feedback: