Home» Shabda Shrushti» Thought» Gujarati mother tongue insistency

ગુજરાતી ભાષામાં ભદ્રંભદ્ર જેવું ગુજરાતી બોલવાની જરૂર નથી

Keyur Pathak | January 02, 2012, 06:14 AM IST

દરેક માતૃભાષાનું ગૌરવ જાળવી રાખવું અને ગૌરવ અપાવવાની જવાબદારી માતૃભાષા બોલનાર લોકોની હોય છે, આ સંદર્ભમાં મહાત્મા ગાંધીની વાત કરીઓ તો, ગાંધીજીએ પોતાની માતૃભાષા ગુજરાતી ભાષાના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, અને તેમના વિચાર અને ત્રણ વિદ્વાનો જેમાં કાકા સાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને નરહરિભાઈ પરીખની મહેનતના કારણે આજે ગુજરાતીઓ પાસે સાર્થ જોડણી કોશ છે. આ કોશને જોતા એક ગુજરાતી તરીકે અનુભવાય કે, આપણી (મારી) માતૃભાષા કેટલી વિશાળ છે. ગુજરાતી ભાષા એક અફાટ મહાસાગર જેટલી વિશાળ છે. ગુજરાતીઓને પોતાની માતૃભાષાનો આવો અજોડ શબ્દકોશ - જ્ઞાનકોશ અતુલ્ય શબ્દકોશ પ્રાપ્ત થતાં કેવો આનંદ થયો હશે તેનો આ કોશની પ્રસ્તાવના જોતાં જ ખ્યાલ આવી જાય તેમ છે. કારણ કે આ કોશની પ્રસ્તાવના ખૂદ ગાંધીજીએ લખી છે. તેમને પ્રસ્તાવનામાં લખ્યું છે કે: "પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.” ગાંધીજીની જેમ અનેક માતૃભાષા પ્રેમીઓ પોતાનું જીવન સમર્પિત કરી  ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. પણ આજે પરિસ્થિતિ બદલાઇ છે. આજે ગુજરાતીઓ ખૂદ પોતાની માતૃભાષાનું ગૌરવ નથી કરતા અથવા ઓછું કરતાં થયાં છે જે એક હકીકત સ્વીકારવી રહી. આજે ગુજરાતીઓમાં અંગ્રેજી કે ઈંગ્લિશ ભાષાનું મોહ કે વળગણ લાગેલું છે. આજના સમયમાં નવયુગલ કે દંપતી કે નવાનવા બનેલા માતા-પિતા પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ કરાવવા રીતસર ઘમપછાડા કરે છે. બાળકને ઈંગ્લિશ કલ્ચર તરફ ધકેલે છે. આ પાછળ એક માન્યતા કામ કરે છે કે, આગામી દિવસો ઈંગ્લિશના છે. અંગ્રેજી ભાષામાં ભણીને બાળક પોતાની સારી કારકિર્દી ઘડી શકશે. આ ભીતિ અને ધેલછાને ધ્યાનમાં રાખીને અમુક તજજ્ઞો એવું પણ માને છે કે, ગુજરાતી ભાષા સામે અનેક ખતરાઓ ઉભા થઈ રહ્યાં છે, ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે. ગુજરાતી ભાષા અસ્તિત્વ જાળવી રાખવા અનેક  મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આવાં અનેક પ્રશ્નો કે ભયસ્થાનો ગુજરાતી ભાષા સમક્ષ ઉભા થવાની ચિંતા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. અને આવા જ પ્રશ્નો અને થોડી અવઢવ લઈને જીજીએન ટીમ ગુજરાત યુનિર્વસિટીના ભાષાશાસ્ત્ર વિભાગના રિટાયર્ડ ડો. યોગેન્દ્ર વ્યાસ સાથે મુલાકાત કરી અને તેમની સાથે એક નાની ગોષ્ઠી યોજીને અમારા પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયત્નો કર્યા. જે આગળના અહેવાલમાં જોવા મળશે.

ડો. યોગેન્દ્ર વ્યાસ 1961થી ગુજરાત યુનિર્વસિટીમાં શરૂ થયેલા લિંગ્વિસ્ટિક વિભાગ સાથે કાર્યરત હતા. તેઓ ઘણાં લાંબા સમય સુધી ગુજરાત યુનિર્વસિટી અને લિંગ્વિસ્ટિક વિભાગને પોતાની સેવાનો લાભ અપ્યો હવે તેઓ નિવૃત જીવન પસાર કરે છે.  પણ તેમનો ગુજરાતી સંવર્ધન કાયક્રમમાં આજે પણ કાર્યરત છે અને રહેશે પણ ખરો. ડો. યોગેન્દ્ર વ્યાસને જ્યારે જીજીએન તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો કે આજના સમયમાં ગુજરાતી વિરુદ્ધ અન્ય ભાષા જેમાં મુખ્યત્વે અંગ્રેજીના કારણે ભય ઊભો થયો છે. તો આ પ્રશ્નના જવાબમાં ડો.યોગેન્દ્ર વ્યાસ જવાબ આપ્યો કે “મારા મતે, ગુજરાતી વર્સસ અંગ્રેજી કે અન્ય ભાષા જેવી કોઈ સ્થિતિ જ જ નથી. આ વાત કરવી યોગ્ય છે જ નહીં. કારણ કે, દરેક ભાષાનું મહત્ત્વ તેના સ્થાને યથાયોગ્ય છે. ભાષા માટેનો આગ્રહ જરૂરી છે પણ તેના માટેનો દુરાગ્રહ યોગ્ય નથી. આથી આગળ વધીઓ તો ભાષા માત્ર એક સંચારનું માધ્યમ છે. આ મુદ્દે તેઓ ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહે છે કે, ગાંધીજી ગુજરાતી ભાષાના આગ્રહી હતા પણ જ્યારે તેઓ અંગ્રેજો સાથે કોઈ વ્યવહાર કરતા ત્યારે તેઓ અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરતા હતા. આ વાત સાબિત કરે છે કે, ભાષાનો આગ્રહ સારો છે, પણ દુરાગ્રહ ખોટો છે”. વધુમાં તેઓ કહે છે કે,     ‍” એક  ભાષાના અભ્યાસુ તરીકે કહું તો, આપણી ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ છે. કારણે કે આપણી ભાષામાં દ્રવિડ કુળ, મુંડા કુળ અને તે સાથે અન્ય લિપિઓના લક્ષણ કે મુખાકૃતિઓ જોવા મળે છે. આપણી ભાષાની એક ખાસિયત છે કે આપણે ગુજરાતી ભાષામાં અન્ય ભાષાઓના શબ્દો  સ્વીકાર કર્યા છે. આ ઉપરાંત જે વિદેશી પ્રજા અહીં આવી તેમની સંસ્કૃતિ અને તેમની ભાષાના ચિન્હો પણ સહર્ષ સ્વીકાર્યા છે.

ગુજરાતી વર્સિસ અંગ્રેજી વિશે વાત કરતા ડો. યોગેન્દ્ર વ્યાસ જણાવે છે કે, ગુજરાતી વર્સિસ અંગ્રેજીની વાત યોગ્ય નથી. પણ જો બન્ને એક સાથે મળે તો સારું પરિણામ આવી શકે છે. ભાષાવિજ્ઞાની તરીકે એક વાત ચોક્કસ કે, કોઈપણ વિદેશી ભાષા શીખવા માટે તમારી માતૃભાષાનો પાયો મજબૂત હોવો જોઈએ. તો જ તમે વિદેશી ભાષા અને માતૃભાષામાં જાણકાર બની શકશો. પણ એક અભ્યાસુ તરીકે વાત કરું તો છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળામાં 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. જો આંકડા પર નજર નાખીએ તો, ગયા વર્ષે(2009માં) 1050 અંગ્રજી માધ્યમની શાળા હતી જે આ વર્ષે (2010માં) 1150 જેટલી અંગ્રેજી માઘ્યમની શાળાઓ અસ્તિત્વ ઘરાવે છે. પણ એક વાત ધ્યાન  આપવા જેવી છે કે બોર્ડમાં જે પ્રથમ દસ વિદ્યાર્થીઓ કયા માધ્યમના હોય છે અને એક વર્ષના નહીં છેલ્લા દસ વર્ષના રિપોર્ટ જુઓ તો ખ્યાલ આવી જશે?

ડો. યોગેન્દ્ર વ્યાસ પોતાની વાત કરતા જીજીએનને જણાવે છે કે તેઓ 1982થી બિન ગુજરાતીઓને ગુજરાતી શીખવી રહ્યાં છે. તેમના આ કાર્યમાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકન સ્ટડીઝના સહયોગથી આ કાર્યક્રમ ચાલે છે. આ  કાર્યક્રમ અંતર્ગત તેઓ એમેરિકન અને બિનગુજરાતી લોકોને ગુજરાતી ભાષા સાથે રૂબરૂ કરાવે છે. તેઓ ગુજરાતી ભાષા સંવર્ધનમાં યથાશક્તિ યોગદાન આપે છે.

સામે પગલે તેઓ રાજ્ય સરકારના ભાષા સંવર્ધન માટેના પ્રયાસોથી સંતૃષ્ટ છે, પણ તેઓ ખુશ નથી. કારણે કે, રાજ્ય સરકાર ગુજરાતી ભાષાને ફરજિયાત ભાષા બનાવવામાં નિષ્ફળ રહી છે. પોતાની વાત સ્પષ્ટ કરતા તેઓ જણાવે છે કે, મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સરકારે સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં કોઈ પણ બે ભાષાઓ ભણાવવાનો વિકલ્પ હોય છે. મહારાષ્ટ્રે વિકલ્પમાં ફરજિયાત પણે મરાઠી ભાષા દાખલ કરી છે. તેથી મહારાષ્ટ્રમાં સીબીએસઈ સંલગ્ન શાળાઓ ફરજિયાત મરાઠી ભણાવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં આ રીતે કોઈ ફરજિયાતપણું નથી. જો કે પહેલાથી ગુજરાત સરકારમાં વહીવટી ક્ષેત્ર બિનગુજરાતી જૂથના લોકો  વગદાર રહ્યાં છે. ગુજરાત સરકાર પાસે કોઈ ભાષાનીતિ નથી જેના કારણે આજે અંગ્રેજી અને ગુજરાતી આમને સામને આવી ગઈ છે.

અંતમાં ગુજરાતી ભાષામાં ખૂબ લચક છે જેના કારણે તે આટલી સમૃદ્ધ બની છે, પણ ગુજરાતી ભાષામાં ભદ્રંભદ્ર જેવું ગુજરાતી બોલવાની જરૂર નથી સાથે સહેલા અને સરળ શબ્દોનો ઉપયોગ કરી ભાષા માટે પ્રેમ જગાડવો, ન કે પોતાના બારી બારણા બંધ કરી સીમિત થવું.

Keyur Pathak

Keyur Pathak

(કેયૂર પાઠક જીજીએન ટીમના સભ્ય અને સબ એડિટર છે. તેઓ સાહિત્ય, રાજકારણ સહિત અન્ય વિષયો પર લખે છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.90 %
નાં. હારી જશે. 18.62 %
કહીં ન શકાય. 0.48 %