(ફાઇલ ફોટો)
અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આઝાદી માટે "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે" એવો મંત્ર આપનાર લોકમાન્ય તિલકને યાદ કરીને આજે મુંબઇ ખાતે પુસ્તક વિમોચન બાદ સ્વરાજથી સુરાજ્ય અંગેના વકતવ્યમાં નવો મંત્ર આપ્યો હતો કે "સુરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે". તેમણે નાના ઉદાહરણો આપીને એવું ચિત્ર ઉપસાવાનો પ્રયાસ કર્યો હતો કે લોકોને લોકશાહીમાં સરકાર પરથી અને સરકારમાં બેઠેલાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એક અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.
મુખ્યમંત્રી મોદી આજે આખો દિવસ મુંબઇમાં હતા. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને સાંજે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેમણે સ્વરાજ્યથી સુરાજ્ય તરફ વિષય પર લંબાણપૂર્વકનું વકતવ્ય આપ્યું હતું. તેમણે લોકતંત્રની વ્યાખ્યા આપીને ક હ્યું હતું કે લોકતંત્રમાં વહીવટમાં બેઠેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પ્રજાના માલિક નહી પરંતુ પ્રજાના સેવક છે. એવી લાગણી જ્યાં સુધી પ્રજાના મનમાં નહી આવે ત્યાં સુધી સુરાજ્ય આવશે નહી.
તેમણે દાખલાઓ આપતા કહ્યું કે લોકશાહી સરકારને પોતાની ખોટુ કર્યાની ભૂલ સુધારવાની તક આપે છે. અને ગુજરાતના અનુભવ પરથી હું કહી શકું છું કે લોકતંત્રને મજબુત કરવા માટે લોકભાગીદારી અનિવાર્ય છે. તેમણે સામાન્ય લોકોનો વર્તમાન કેન્દ્ર સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે એમ કહીને દાખલા આપ્યા કે આજે આમ આદમી કે વ્યાપારી પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવાને બદલે કુરિયર એજન્સી પર વધારે વિશ્વાસ રાખે છે. સરકારી બસ ઉપર વિશ્વાસ નથી પરંતુ પોતાના જૂના-પુરાણા વાહન પર વિશ્વાસ છે. લોકોનો બેંકો પરથી વિશ્વાસ ઉઠી જતાં ચિટ્ટફંડ નામની એજન્સીઓ ફુલીફાલી હતી અને જેમાં લોકોને પોતાના નાણાં ગુમાવવા પડ્યા છે. તેમણે સરકારી તંત્રની બેદરકારીની ભારે ખીલ્લી પણ ઉડાવી હતી.
સીબીઆઇનો ઉલ્લેખ....
પુસ્તક વિમોચનમાં આ કાર્યક્રમમાં તેમણે સ્વરાજ્ય અને સુરાજ્યની વાત કરતાં-કરતાં ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ દ્વારા તે વખતના આઇબીના ઓફિસર રાજીન્દર કુમારની સંભવતિ ધરપકડ સંદર્ભે એમ કહ્યું કે કોંગ્રેસ સીબીઆઇનો દુરપયોગ કરી રહી છે. કોંગ્રેસ સરકારની બિનસક્રિયાતને કારણે આજે દેશની બે સૌથી મોટી સંસ્થાઓ આઇબી અને સીબીઆઇ એકબીજાની સામ-સામે આવી ગઇ છે જે દેશની સુરક્ષા માટે યોગ્ય નથી. સીબીઆઇ આઇબી ને કહે છે કે તમે જે ગુપ્ત માહિતી આપી છે તે તેનો સ્ત્રોત એટલે કે આ માહિતી તમને કોણે આપી તે કહો... ખરેખર તો આઇબી આવું કહે જ નહીં કેમ કે તેનાથી તેના નેટવર્કને નુકસાન પહોંચે છે. કેન્દ્રની યુપીએ સરકાર સીબીઆઇ મારફતે આઇબી સંસ્થાને તહશનહશ કરવા માંગે છે. જેના પરીણામ લોકશાહીમાં કેન્દ્ર સરકારને ભોગવવા પડે તો નવાઇ નહીં. ઉલ્લેખનીય છે કે ઇશરત એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ આઇબીના ખાસ અધિકારી રાજીન્દર કુમાર કે જેમણે ઇશરત જહા કે તેના સાથીઓ આતંકવાદી છે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા આવી રહ્યાં છ તેવી માહિતી આપી હતી. તેને આરોપી બનાવી ધરપકડ કરવા જઇ રહી છે. 4થી જુલાઇના રોજ ઇશરત કેસમાં ચાર્જશીટ રજૂ થશે આ ઓફીસરને આરોપી બનાવવામાં આવે એવી ચોક્કસ માહિતી ગુજરાત સરકારને મળી હોવાથી મોદીએ આજે પુસ્તક વિમોચનનાક કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કરીને આઇબી અને સીબીઆઇની લડાનો ઉલ્લેખ કર્યો હતો.
PG/DT
Reader's Feedback: