સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સાધન – સહાયનું વિતરણ કરતાં ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ કૌશિક પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાંથી ગરીબી દૂર થાય અને ગરીબો આર્થિક રીતે સક્ષમ બની ગરીબીમાંથી બહાર આવે તેવા શુભ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજ્યા છે. ગરીબ કલ્યાણ મેળાના યોજાયેલા પાંચ તબક્કાઓમાં અત્યાર સુધીમાં ૯૫ લાખ જેટલા લાભાર્થીઓને અંદાજિત રૂપિયા ૧૧ હજાર કરોડની રકમની સાધન – સહાય આપવામાં આવી છે.
કાર્યકારી અધ્યક્ષ કૌશિક પટેલે વધુમાં ઉમેર્યું હતુ કે, રાજ્યમાં છેલ્લા એક દાયકામાં કૃષિ, વીજળી, પાણી – પુરવઠા, જળ સંચય, માર્ગો વગેરે ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય થયું છે. સરકારે વિવિધ ક્ષેત્રોમાં કરેલી નક્કર કામગીરીના પરિણામે સરકારને અનેક મેડલો પણ પ્રાપ્ત થયાં છે.
આ પ્રસંગે વકફ બોર્ડના અધ્યક્ષ એ. આઈ. સૈયદે જણાવ્યું હતુ કે, વર્તમાન સરકારના એક દાયકાના સુ-શાસનના પરિણામે ગુજરાતના પ્રજાજનને સર્વાંગી વિકાસની અનુભૂતિ થઈ રહી છે.
લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતુ કે, આ ગરીબ કલ્યાણ મેળામાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય અને શહેરી મળી કુલ ૧,૬૩૯ લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૩.૩૩ કરોડની સાધન સહાય આપવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એપ્રિલ – ૨૦૧૩ થી મેળાના અગાઉના દિવસ સુધીમાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય અને શહેરી મળી કુલ ૫,૦૬૯ લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૩.૮૧ કરોડની સાધન સહાય આપવામાં આવી છે.
આ પ્રસંગે કાર્યકારી અધ્યક્ષ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય અને શહેરી મળી કુલ ૫,૦૬૯ લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૩.૮૧ કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ગરીબ કલ્યાણ મેળાના આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.કે. નિરાલા, પ્રાંત અધિકારી પારૂલ માનસત્તા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ શંકર દલવાડી, અગ્રણીઓ સર્વ જગદીશભાઈ મકવાણા, તનકસિંહ, કૃષ્ણસિંહ રાણા સહિત અધિકારી – પદાધિકારીઓ, તાલુકા – જિલ્લા પંચાયતના સદસ્યો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
PP/DP
Reader's Feedback: