બાળકોની પરીક્ષા પૂરી થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. પહેલાં તો વેકેશન પડે એટલે મામાના ઘરે જવાની આતુરતાથી રાહ જોવાતી હતી. જોકે હવે તો વેકેશનમાં ક્યાં ફરવા જઇશું એવો પ્રશ્ન રોજ સાંભળવા મળતો હોય છે. જો તમે વિદેશમાં વેકેશન ગાળવાનું વિચારી રહ્યા હો અને તેમાંય વિશેષ કરીને અમેરિકામાં તો અમેરિકાના શ્રેષ્ઠ ફેમિલી રિસોર્ટ પર પસંદગી ઉતારી શકો છો. ‘ફન વિથ ફેમિલી’નો અહેસાસ તમે અહીંયા કરી શકશો. પરિવારની સાથે રજાનો પૂરેપૂરો આનંદ મેળવી શકશો.
એન્ટલાન્ટિસ રિસોર્ટ એન્ડ કેસિનો
પેરેડાઇઝ આઇલેન્ડ, બાહમાસ
પુરાતન સંસ્કૃતિને જાણવાની અને માણવાની ખેવના રાખતા હો તો બાહ્માસના પેરેડાઇઝ આઇલેન્ડ ખાતે આવેલાં એટલાન્ટિસ રિસોર્ટ એન્ડ કેસિનોની મુલાકાત લઇ શકો છો. પરિવાર સાથે સમય ગાળવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં પેરેડાઇઝ આઇલેન્ડ મોખરે છે. આ રિસોર્ટમાં 20,000 ગેસ્ટ રૂમ, 38 રેસ્ટોરન્ટ, 11 જેટલાં કૃત્રિમ સરોવરો તેમજ શાર્ક, લાયનફિશ અને સ્ટિનગ્રે જેવાં 50,000થી પણ વધારે દરિયાઇપ્રાણીઓ જોવા મળશે. આ સ્થળની ખાસિયત એ છે કે અહીં આધુનિક અને પ્રાચીન સંસ્કૃતિઓનો સમન્વય કરવામાં આવ્યો છે. બાળકોને પણ અહીં મજા આવે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. 11 જેટલાં સ્વિમિંગપુલ અને 7 જુદી જુદી વોટર રાઇડ્સ, માયા સંસ્કૃતિની ઝાંખી કરાવતાં મંદિરો વગેરે એક ટોટલ ફેમિલી પેકેજ તમને પેરેડાઇઝ આઇલેન્ડ પર મળી રહેશે.
સ્નોબર્ડ સ્કી અને સમર રિસોર્ટ
સ્નોબર્ડ, ઉતાહ
તમને અને તમારાં બાળકોને બરફમાં મસત્ કરવી ખૂબ ગમતી હોય તો સ્નોબર્ડ સ્કી અને સમર રિસોર્ટ વેકેશન ગાળવા માટે એકદમ યોગ્ય સ્થળ છે. ઉતાહમાં લિટલ કોટનવૂડ કેન્યન નામના સ્થળે આ 3,240 ફૂટની ઊંચાઇએ 5,000 એકર વિસ્તારમાં આ હિમાચ્છાદિત પર્વત આવેલો છે. દર વર્ષે અહીં 500 ઇંચ જેટલી બરફવર્ષા થાય છે. 30 વર્ષ પહેલાં આ કેન્યનની શોધ થઇ અને ત્યારબાદ અહીં પ્રવાસનને વેગ આપવા માટે જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. 3 વર્ષના બાળકથી લઇને દરેક વ્યક્તિ અહીં સ્કીઇંગ એડવેન્ચર ટ્રાય કરી શકે છે. બરફ પર રમવાનું ગમતું હોય પણ સ્કીઇંગથી ડર લાગતો હોય તેવા સહેલાણીઓ માટે આઇસ સ્કેટિંગ, સ્નો ટ્યૂબિંગ, સ્નોશૂઝ ટુરનું આયોજન કરવામાં આવે છે. બાળકોને તો બરફ મળે એટલે મોજ પડી જ જાય પણ કપલ માટે અહીં સ્પા અને રોમેન્ટિક કોફી શોપની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ટંક વર્ડ રેન્ચ
ટસ્કન, એરિઝોના
શહેરી માહોલથી કંટાળી ગયા હો અને ગ્રામ્ય જીવનની શાંતિ અને નિરાંત મેળવવી હોય તો એરિઝોનાના ટસ્કન પ્રદેશમાં આવેલાં ટંક વર્ડ રેન્ચ પર પસંદગી ઉતારી શકો છો. રેન્ચનો અર્થ થાય છે – ઢોર ઉછેરનું કેન્દ્ર. જોકે અહીં માત્ર ઢોર ઉછેર જ નહીં પણ સમગ્ર ગ્રામ્યશૈલીનો લુત્ફ ઉઠાવી શકો છો. 640 એકરમાં ફેલાયેલું ટંક વર્ડ કેન્ચસોનોરન ડેઝર્ટ અને સાગ્વારો નેશનલ પાર્કની વચ્ચે સ્થિત છે. અહીં 120 જેટલાં ઘોડાઓ ઉછેરવામાં આવ્યા છે, જેને કારણે ઘોડેસવારીના શોખીનો તેમનો શોખ પૂરો કરી શકે છે. ઘોડેસવારી માટે બ્રેકફાસ્ટ રાઇડ, 6 કલાકની લાંબી રાઇડ, પિકનીક રાઇડ એમ જુદાં જુદાં પેકેજ આપવામાં આવે છે. પિકનીક રાઇડમાં લન્ચની સુવિધા આપવામાં આવે છે. પહેલીવરા ઘોડેસવારી કરી રહ્યા હોય એવા સાહસિકો માટે લર્નિંગ લેસન પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
આ તો વાત હતી રિસોર્ટની. પણ જો તમને પ્રકૃતિના ખજાનાને નિહાળવાનો અને અવનવા અજાણ્યા સ્થળો ખૂંદવાનો શોખ હોય તો સિક્રેટ વોટરફોલ, ડેઝર્ટ વાઇલ્ડલાઇફ અને કેન્યનમાં રખડપટ્ટી કરવા નીકળી શકો છો. અહીં 4 થી 11 વર્ષના બાળકો માટે કાઉબોય રાઇડ ઓફર કરવામાં આવે છે. આ ઉપરાતં ટેનિસ, સ્વિમિંગ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ જેવી વિવિધ એક્ટિવિટીઓનો આનંદ માણી શકો છો.
હિલ્ટન વાઇકોલોઆ વિલેજ
વાઇકોલોઆ, હવાઇ
વાઇકોલોઆ કિડ્સ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન છે. અહીં બાળકો માટે વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોને જુદી જુદી એક્ટિવિટીઓ શીખવવામાં આવે છે. આ રિસોર્ટની વિશેષતા તેનો ડોલ્ફિન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ અંતર્ગત બાળકનો ડોલ્ફિનની સાથે રહેવાનો, સમજવાનો મોકો મળે છે. 4 એકરમાં પથરાયેલું સરોવર ક્યાક્ ટ્રીપ, વ્હેલ વોચ સેઇલ જેવાં એડવેન્ચર ઓફર કરે છે. મ્યુઝિક અને ડાન્સિંગ દ્વારા વ્યક્તિ રિફ્રેશ થઇ શકે છે અને તેના પરિવારને પણ રિફ્રેશ કરી શકે છે.
કિંગ્સમિલ રિસોર્ટ
વિલિયમ્સબર્ગ, વર્જિનિઆ
3,000 એકરમાં ફેલાયેલો કિંગ્સમિલ રિસોર્ટ સ્વિમિંગપુલ, વોટર રાઇડ્સ અને અન્ય ફન રાઇડ્સથી ભરપૂર છે. સ્પોર્ટ્સ એડવેન્ચરના શોખીનો માટે આ રિસોર્ટ સ્વર્ગ સમાન છે. બાળકોથી લઇને દરેક ઉંમરની વ્યક્તિઓ માટે અહીં જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટી ઉપલબ્ધ છે. કિંગ્સમિલ રિસોર્ટને ફેમિલી ફનનો પર્યાય માનવામાં આવે છે. અહીં 18 હોલ ગોલ્ફ કોર્સિસ, 15 ટેનિસ કોર્ટ, એક્સરસાઇઝ ક્લાસ, ઇન્ડોર અને આઉટડોર એક્ટિવિટી ઓફર કરવામાં આવે છે. પિઝા પાર્ટી, ગેમ પાર્ટી, એમ્યુઝમેન્ટ પાર્ટી તમારા બાળકને બોર નહીં થવા દે.
આ ઉપરાંત અહીંની સિગ્નેચર રેસ્ટોરન્ટમાં રોમેન્ટિક ડિનરનો સ્વાદ માણીને તમારા શ્રીમતી કે શ્રીમાનને પણ ખુશ કરી શકો છો.
Reader's Feedback: